સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ : શક્તિશાળી અપચાયક ઘન પદાર્થ. તે સોડિયમ હાઇપોસલ્ફાઇટ (hyposulphite) અથવા સોડિયમ ડાઇથાયૉનેટ (dithionate) તરીકે પણ ઓળખાય છે. તેને વિવિધ રીતે બનાવી શકાય છે :
(i) ઝિંકની ભૂકી ભભરાવેલા પાણીમાં શુદ્ધ સલ્ફર ડાયૉક્સાઇડ વાયુ પસાર કરવાથી ઝિંક હાઇડ્રોસલ્ફાઇટ મળે છે :
Zn + 2SO2 → ZnS2O4
ઝિંક હાઇડ્રોસલ્ફાઇટના દ્રાવણમાં સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ ઉમેરતાં ઝિંક કાર્બોનેટ અવક્ષિપ્ત થાય છે અને સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટનું દ્રાવણ મળે છે :
ZnS2O4 + Na2CO3 → Na2S2O4 + ZnCO3
દ્રાવણને ગાળી લઈ તેમાં ઘન સોડિયમ ક્લોરાઇડ (NaCl) ઉમેરતાં સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટના સ્ફટિક (Na2S2O4·2H2O) મળે છે. તેની ગરમ આલ્કોહૉલ સાથે પ્રક્રિયા કરવાથી સ્ફટિકજળ દૂર થાય છે અને નિર્જળ સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ મળે છે.
(ii) સોડિયમ બાયસલ્ફાઇટના ઠંડા સંતૃપ્ત દ્રાવણની ઝિંકના પાઉડર સાથે પ્રક્રિયા કરી તેના અવલંબન(નિલંબન, suspension)માં શુદ્ધ સલ્ફર ડાયૉક્સાઇડ વાયુ પસાર કરવાથી સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ બને છે :
2NaHSO3 + SO2 + Zn → Na2S2O4 + ZnSO3 + H2O
દ્રાવણની કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી ઝિંક હાઇડ્રૉક્સાઇડ અવક્ષિપ્ત થાય છે :
ZnSO3 + Ca(OH)2 → Zn(OH)2 + CaSO3
દ્રાવણને ગાળી તેમાં મીઠાના ગાંગડા ઉમેરતાં જળયુક્ત સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ મળે છે જેની આલ્કોહૉલ સાથેની પ્રક્રિયાથી નિર્જળ ક્ષાર મળે છે.
(iii) સોડિયમ ફૉર્મેટની સોડિયમ હાઇડ્રૉક્સાઇડ અને સલ્ફર ડાયૉક્સાઇડ સાથેની પ્રક્રિયાથી પણ તે મેળવી શકાય છે.
ચૂર્ણ અથવા પતરી (flake) સ્વરૂપમાં તે સફેદ અથવા આછા લીંબુ રંગનો પદાર્થ હોય છે. ગ.બિં. 55° સે. પાણીમાં તે આંશિક રૂપે દ્રાવ્ય જ્યારે આલ્કોહૉલમાં અદ્રાવ્ય છે. શુષ્ક, નિર્જળ ક્ષાર ફક્ત સૂકી હવામાં સ્થાયી છે. ભેજવાળી હવામાંથી તે ઑક્સિજનનું શોષણ કરી નિરુપયોગી બની જાય છે. સ્ફટિકજળયુક્ત ક્ષારનું પણ હવામાં તુરત જ ઉપચયન થઈ જતું હોવાથી સામાન્ય રીતે નિર્જળ ક્ષાર વપરાય છે. તેનું ઠંડું તાજું દ્રાવણ પ્રબળ અપચયનકારક છે. (આલ્કલાઇન દ્રાવણમાં = 1.12 V.) પરમૅંગેનેટના દ્રાવણનું અપચયન કરી તેને રંગવિહીન બનાવે છે. ચાંદી, સોનું તથા તાંબાના ક્ષારોનું અપચયન કરી ધાતુ છૂટી પાડે છે. એમોનિયાયુક્ત ક્યુપ્રિક [Cu(II)] ક્ષારોનું અપચયન કરી ક્યુપ્રસ [Cu(I)] ક્ષાર ઉત્પન્ન કરી દ્રાવણનો રંગ દૂર કરે છે. તે 2–એન્થ્રાક્વિનૉન સલ્ફોનેટની હાજરીમાં ઑક્સિજનને દૂર કરે છે. (ફાઇઝરનું દ્રાવણ)
તેના જલીય દ્રાવણનું ગરમીથી વિઘટન થાય છે અને સોડિયમ થાયોસલ્ફેટ અને સોડિયમ બાયસલ્ફાઇટ બને છે :
2Na2S2O4 + H2O → Na2S2O3 + 2NaHSO3
ઉપયોગ : તે પ્રબળ અપચયનકર્તા હોઈ રંગ-ઉદ્યોગમાં વિરંજનકારક તરીકે વપરાય છે. રેસાઓ (fibres) અને કાપડ(textiles)ના વેટ-રંજન(vat dyeing)માં ખાંડ, સાબુ, તેલ વગેરેના વિરંજન માટે પણ તેનો ઉપયોગ થાય છે. સંશ્લેષિત રબર માટે તે ઑક્સિજન-અપમાર્જક (scavenger) તરીકે વપરાય છે. નવજાત (nascent) હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે :
Na2S2O4 + H2O → 2NaHSO3 + 2H
ચિત્રા સુરેન્દ્ર દેસાઈ