સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ (sodium metabisulphite)

January, 2009

સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ (sodium metabisulphite) : વ્યાપારી શુષ્ક સોડિયમ બાઇસલ્ફાઇટનો એક મુખ્ય ઘટક. તેને સોડિયમ પાયરો સલ્ફાઇટ પણ કહે છે. સૂત્ર : Na2S2O5

સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં સલ્ફર ડાયૉક્સાઇડ (SO2) વાયુ પસાર કરી દ્રાવણને સંતૃપ્ત કરવાથી સોડિયમ બાઇસલ્ફાઇટનું સંતૃપ્ત દ્રાવણ પ્રાપ્ત થાય છે.

Na2CO3 + H2O + 2SO2 → 2NaHSO3 + CO2

અધિક પ્રમાણમાં સલ્ફર ડાયૉક્સાઇડ ધરાવતા દ્રાવણનું બાષ્પીભવન કરવાથી સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ મળે છે.

સોડિયમ કાર્બોનેટના સ્ફટિકો ઉપર સલ્ફર ડાયૉક્સાઇડ પસાર કરવાથી અથવા કૉસ્ટિક સોડા(સોડિયમ હાઇડ્રૉક્સાઇડ)ના દ્રાવણને 100° સે. તાપમાને સલ્ફર ડાયૉક્સાઇડ વડે સંતૃપ્ત કરવાથી પણ તે બનાવી શકાય છે.

ગરમ કરવાથી સોડિયમ મેટાબાઇસલ્ફાઇટનું વિઘટન થઈ સોડિયમ સલ્ફાઇટ અને સલ્ફર ડાયૉક્સાઇડ પ્રાપ્ત થાય છે.

Na2S2O5 → Na2SO3 + SO2

આ ગુણને કારણે તે એક અગત્યના અપચાયક પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાય છે.

સોડિયમ મેટાબાઇસલ્ફાઇટનો ઉપયોગ ફોટોગ્રાફીમાં પ્લેટ કે ફિલ્મ ઉપર છબી વિકસાવવા, ખાદ્ય પદાર્થોને લાંબો સમય જાળવી રાખવા જંતુનાશક અથવા પરિરક્ષક તરીકે, કાગળ અને કાપડના વિરંજન (bleaching) બાદ વધારાનો ક્લોરિન દૂર કરવા તેમજ રાસાયણિક પ્રક્રિયામાં પણ એન્ટિક્લોર (antichlor) તરીકે વપરાય છે.

ચિત્રા સુરેન્દ્ર દેસાઈ