સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)

January, 2009

સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; . 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા તેની મારફત આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના તેઓ પ્રખર હિમાયતી હતા. 1893માં તેમને ખ્રિસ્તી દેવળોના પદાધિકારી (minister) નીમવામાં આવ્યા હતા, જે પદ પર તેમણે 1911 સુધી કાર્ય કર્યું હતું.

તેમના આ કાર્યકાળ દરમિયાન તેમણે પૅરિસ ખાતેના સ્વીડિશ ચર્ચના મુખ્ય મથકે સાત વર્ષ સુધી એલચી તરીકે સેવાઓ આપી હતી. 1911માં ઉપસાલાના આર્ચબિશપ તરીકે તથા 1914માં ઉપસાલા યુનિવર્સિટીના કુલપતિપદે તેમને નીમવામાં આવ્યા હતા, જે પદ પર તેમણે 1931 સુધી કાર્ય કર્યું હતું. તેમની પહેલ અને દોરવણી હેઠળ 1925માં સ્ટૉકહોમ ખાતે સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ (Universal Conference on Life and Work) યોજવામાં આવી, જેના પગલે પછી જુદા જુદા સ્થળે આવી પરિષદો યોજવામાં આવી હતી. તેના પરિપાક રૂપે ‘વર્લ્ડ કાઉન્સિલ ઑવ્ ચર્ચિઝ’ નામના વિશ્વવ્યાપી ખ્રિસ્તી સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. ખ્રિસ્તી ધર્મની મૂળભૂત વિચારસરણીમાં ઈશ્વર અંગે જે ખ્યાલ દાખલ કરવામાં આવ્યો છે તેની અવેજીમાં પવિત્રતા પર વિશેષ ભાર મૂકવો જોઈએ આ દૃષ્ટિબિંદુને વિશદ કરવા તેમણે ‘ગુડસ્ટ્રૉન્સ અપકોમ્સ્ટ’ (Gudstrons Uppkomst) શીર્ષક હેઠળ એક ગ્રંથ લખ્યો છે. તે ઉપરાંત તેમના જે ગ્રંથોનો અંગ્રેજીમાં અનુવાદ થયો છે તેમાં ‘ક્રિશ્ચન ફેલોશિપ’ (1923), ‘ધ લિવિંગ ગૉડ’ (1933) અને ‘નેચર ઑવ્ રેવલેશન’ (1934) નોંધપાત્ર છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે