સોઝ, હીરાનંદ [જ. 19 મે 1922, જિ. મિયાંવાલી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂ લેખક અને કવિ. તેઓ ઉત્તર રેલવેમાંથી સેવાનિવૃત્ત થયા. ત્યાર બાદ લેખનપ્રવૃત્તિ આરંભી. 1994માં હરિયાણા ઉર્દૂ અકાદમીની કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ફરીદાબાદની અંજુમન-અદબના સેક્રેટરી રહ્યા.
તેમણે ઉર્દૂમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાગઝ કી દીવાર’ (1960), ‘સાહિલ, સમુન્દર ઔર સિપ’ (1987), ‘નકશગાર’ (1988) અને ‘જંગલ જંગલ શહર’ (1995) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘સૂરજ મેરે તાકુબ મેં’ (1990) કાવ્યસંગ્રહ છે.
તેમને 1987 અને 1990માં પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ, 1992માં સીરાત-એ-પાક ઍવૉર્ડ [(રવિ) બ્રેડફૉર્ડ, ઇંગ્લૅન્ડ], હરિયાણા સરકાર તરફથી 1992–1993માં સિલ્વર જ્યુબિલી ઍવૉર્ડ તથા સાહિત્યકાર સંસદ, સમસ્તીપુર તરફથી 1995માં મીર-એ-અદબ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા