સોઇન્કા, વોલ (જ. 13 જુલાઈ 1934, ઇસાટા, નાઇજિરિયા) : આફ્રિકન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. 1986ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા. તેમનો ઉછેર એંગ્લિકન ચર્ચના કમ્પાઉન્ડમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. અંગ્રેજી સામ્રાજ્યના વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં સોઇન્કા પોતાની યોરુબા જાતિની જીવનશૈલી અને પ્રણાલીઓનો પૂરો આદર કરતા. એમનાં માતાપિતા પણ ખ્રિસ્તી સંસ્કારો સાથે પોતાની જાતિગત જીવનશૈલીને વણી લઈને જીવન જીવતા. સોઇન્કાએ પોતાના બાળપણના અનુભવો ‘ધી યર્સ ઑવ્ ચાઇલ્ડહૂડ’(1981)માં તથા ‘અ વૉયેજ અરાઉન્ડ એસે’ (1989) નામની કૃતિઓમાં વર્ણવ્યા છે. આ બે આત્મકથાનક કૃતિઓમાંથી તેમનું કુટુંબજીવન, સામાજિક વારસો, તાલીમ અને બ્રિટિશ રાજ્ય દરમિયાન નાઇજિરિયામાંના જનજીવન વગેરેનો ખ્યાલ આવે છે. તેમની તાજેતરમાં લખાયેલ આત્મકથાનક કૃતિઓ ‘આઇબાદાન’, ‘પેન્કેલીમ્સ યર્સ’, ‘અ મેમોઇટ’(1994)માં પોતાના જીવન દરમિયાન આફ્રિકામાં જોયેલ રાજકીય ઊથલપાથલ તથા જનજીવન વિશેની માહિતી પૂરી પાડે છે.
વોલ સોઇન્કા
બાર વર્ષની ઉંમરે સોઇન્કા પોતાનું વતન ‘એકે’ છોડીને આઇબાદાનની નવી યુનિવર્સિટીમાં દાખલ થયા. તેમની અભિલાષા નાટ્યકાર તરીકેની કારકિર્દી બનાવવાની હતી. તેથી તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને લીડ્ઝમાં નાટ્યશાસ્ત્રના સ્નાતક થયા. તેમના પ્રાધ્યાપક જી. વિલ્સન નાઇટ હતા, જે શેક્સપિયરનાં નાટકોના માન્ય વિવેચક ગણાય છે. 1956માં સ્નાતક થયા પછી તેમણે સ્ક્રિપ્ટ-રીડર તથા અભિનેતા તથા દિગ્દર્શક તરીકે લંડનના જાણીતા રૉયલ કોર્ટ થિયેટરમાં સેવાઓ આપી. આ દરમિયાન તેમણે મૌલિક નાટ્યકૃતિઓની રચના કરી. તેમનાં નાટકો ‘ધ સ્વૉમ્પ ડ્વેલર્સ’ અને ‘ધ લાયન ઍન્ડ ધ જ્વેલ’ લંડન અને ‘આઇબાદાન’માં સફળતાપૂર્વક ભજવાયાં. 1960માં તેમને ‘રૉકફેલર’ સ્કૉલરશિપ મળી અને તે નાઇજિરિયા પરત ફર્યા. ત્યાં તેમણે પોતાની નાટ્યમંડળી સ્થાપી. અહીં તેમણે ‘અ ડાન્સ ઑવ્ ધ ફૉરેસ્ટ’ લખ્યું. 1965માં લખાયેલી તેમની નાટ્યકૃતિ ‘ધ રોડ’ તેમની સર્વશ્રેષ્ઠ કૃતિ ગણાય છે. તે આ નાટ્યકૃતિઓમાં લાંબા સંઘર્ષ બાદ મળેલ પ્રજાસત્તાક રાજ્ય અણઘડ લોકોના હાથમાં કેવું છિન્નભિન્ન થઈ જાય છે તેની વાત કરે છે. આ નાટકનો નાયક અર્ધપાગલ પ્રોફેસર છે, જે મૃત્યુના રહસ્યને જાણવાનો પ્રયાસ કરે છે. નાટકમાં આફ્રિકાની પ્રણાલીગત વિધિઓનું તાદૃશ વર્ણન આપણને જોવા મળે છે. સોઇન્કાની કૃતિઓમાં આફ્રિકાના કાળા હબસીઓની યુરોપિયન સામ્રાજ્યવાદમાં કેવી દુર્દશા થઈ, તેમની મુક્તિ કેવી રીતે થઈ શકે તેનું ચિંતનાત્મક બયાન છે. નાઇજિરિયાના જીવનમાં વ્યાપેલ ભ્રષ્ટાચાર વગેરેનાં તાદૃશ વર્ણનોથી સત્તાધારીઓ સોઇન્કા ઉપર રોષે ભરાયેલા. સોઇન્કા સ્વતંત્રતાના ચાહક હતા. સામ્રાજ્યવાદમાંથી મુક્ત થયેલા આફ્રિકાને આધુનિક આફ્રિકા કઈ રીતે બનાવી શકાય તેનું ચિંતન તેમની કૃતિઓમાં ડોકાયાં કરે છે. પોતાના દેશની પ્રણાલિકાઓ, તેની પુરાણકથાઓ અને સાંસ્કૃતિક સંસ્મરણો વગેરે તેમની કૃતિઓની કરોડરજ્જુ છે. સોઇન્કાએ નાઇજિરિયન સત્તાને પડકારવા સાથે ત્યાંના રાજકારણમાં સક્રિય ભાગ પણ લીધો હતો. તેમના રાજકીય ગુનાઓ માટે 1965માં તેમને થોડોક વખત અટકાયતમાં પણ રાખવામાં આવ્યા હતા અને પછી તેમને છોડી દેવામાં આવ્યા હતા. પણ 1967માં તેમને બે વર્ષની લાંબી કેદ થઈ. આ કેદ દરમિયાન તેમના મન ઉપર જે ભયનો ઓથાર જામ્યો તેનું વર્ણન ‘ધ મૅન ડાઇડ’(1972)માં જોવા મળે છે. 1969માં કેદમુક્ત થયા બાદ સોઇન્કા સ્વેચ્છાએ કોઈ અજાણ્યા સ્થળે ચાલ્યા ગયા. ત્યારબાદ તેમની સઘન સર્જનાત્મક શક્તિની અભિવ્યક્તિ તેમની કૃતિઓમાં જોવા મળે છે. આ કૃતિઓમાં કાવ્યસંગ્રહ ‘અ શટલ ઇન ધ કાઇટ’ (1972) અને નવલકથા ‘સિઝન ઑવ્ એનિમી’ (1973) – એ બંનેનો નિર્દેશ થઈ શકે. આ બંને કૃતિઓમાં જેલવાસ દરમિયાન થયેલા કડવા અનુભવોનું વર્ણન જોવા મળે છે. તેમણે કેટલાંક કટાક્ષભર્યાં શેરી નાટકો તથા અન્ય કરુણ નાટકો લખ્યાં; જેમાં ગણનાપાત્ર કૃતિઓ ‘મૅડમૅન ઍન્ડ સ્પેશિયાલિસ્ટ’ (1970), ‘ડેથ ઍન્ડ ધ કિંગ હૉર્સમૅન’ ગણી શકાય. સોઇન્કાએ સાહિત્ય ઉપર અનેક વ્યાખ્યાનો આપ્યાં અને કલા તથા યોરુબાના પ્રણાલિકાગત જીવન ઉપર નિબંધો લખ્યા. આફ્રિકન અને યુરોપિયન લેખકોની કૃતિઓની સરખામણી કરતા વિવેચન-નિબંધો પણ તેમણે લખ્યા છે. તેમની વિવેચન-કૃતિઓના સંગ્રહો ‘મિથ, લિટરેચર ઍન્ડ આફ્રિકન વર્લ્ડ’ (1976) અને ‘આર્ટ ડાયલૉગ ઍન્ડ આઉટરેજ’ (1989) નોંધપાત્ર છે. 1996માં પ્રસિદ્ધ થયેલ ‘ધી ઓપન સોર ઑવ્ ધ કૉન્ટિનન્ટ’માં નાઇજિરિયામાં અત્યંત ક્રૂર લશ્કરી શાસન અને ત્યાંનો વિનિપાત આલેખાયો છે. 1997માં ત્યાંની સરકારે સોઇન્કાને મૃત્યુદંડ ફટકારેલો. તેના પરથી સોઇન્કાની વિચારધારા, વ્યક્તિત્વ અને તેમના સમાજજીવન ઉપરના પ્રભાવનો ખ્યાલ આવી શકે. આધુનિક આફ્રિકન સાહિત્યમાં વોલ સોઇન્કાનું નામ મોખરે ગણાય છે. હાલ આફ્રિકાની યુનિવર્સિટી ઑવ્ ઈફ(Ife)માં નાટ્યકલા વિભાગના અધ્યક્ષ તરીકે તેઓ કાર્ય કરે છે.
ધીમંત પંકજ સોની