સૈરંધ્રી : પૌરાણિક કથા પર આધારિત ભારતનું સર્વપ્રથમ રંગીન ચલચિત્ર. નિર્માણવર્ષ : 1933. નિર્માણ સંસ્થા : પ્રભાત ફિલ્મ કંપની, કોલ્હાપુર. દિગ્દર્શક : વી. શાંતારામ. સંગીત-નિર્દેશન : ગોવિંદરાવ  ટેમ્બે. મુખ્ય ભૂમિકા : લીલા ચંદ્રગિરિ, માસ્ટર વિનાયક, બાપુરાવ માને, નિંબાળકર. ચલચિત્રનો પ્રકાર : રંગીન. ભાષા : હિંદી અને મરાઠી. રંગીન બનાવવાનું તકનીકી કાર્ય : ‘ઉફા’ રસાયણશાળા, જર્મની.

સૈરંધ્રી ચલચિત્રમાં લીલા ચંદ્રગિરિ લાક્ષણિક મુદ્રામાં

ભારતીય ચલચિત્રના ઇતિહાસમાં સર્વપ્રથમ રંગીન ચલચિત્ર હોવાનું બહુમાન આ ચલચિત્ર ધરાવે છે. તેને રંગીન ઓપ આપવા માટે બાયપૅક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલો, જે માટે તેની મૂળ બ્લૅક ઍન્ડ વ્હાઇટ પટ્ટીઓ જર્મની લઈ જવામાં આવેલી. ત્યાં ‘ઉફા’ રસાયણશાળામાં તેના પર રંગીન સંસ્કાર કરવામાં આવેલા. તેને રંગીન બનાવવાની તકનીકી પ્રક્રિયા સાથે જર્મનીના બે તકનીકી નિષ્ણાતોની મદદ લેવામાં આવેલી  એક ડૉ. વુલ્ફ, જેઓ તે અરસામાં ‘ઉફા’ સ્ટુડિયોના વડા હતા અને બીજા, પીટર્સન જે તે કામગીરીના તકનીકી નિષ્ણાત હતા. જર્મનીની સીમેન્સ કંપનીઓએ જર્મનીમાં જ સૈંરધ્રીની મૂળ શ્વેત-શ્યામ પટ્ટીઓને રંગીનમાં ફેરવી નાંખવાની કામગીરી કરી આપી હતી. આ ચલચિત્ર પછી તુરત જ પ્રભાત ફિલ્મ કંપનીનું મથક કોલ્હાપુરથી પુણે ખાતે સ્થળાંતરિત કરવામાં આવેલું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે