સૉસ્યુરાઇટીકરણ (Sossuritisation) : સૉસ્યુરાઇટ બનવાની પ્રક્રિયા. બેઝિક (કૅલ્શિયમધારક) પ્લેજિયોક્લેઝનું સૉસ્યુરાઇટ નામના લાક્ષણિક ખનિજજૂથમાં પરિવર્તન પામવાની પ્રક્રિયા. આ લાક્ષણિક ખનિજજૂથમાં ઝૉઇસાઇટ, ક્લોરાઇટ, ઍમ્ફિબોલ અને કાર્બોનેટ ખનિજોનો સમાવેશ થાય છે. અર્થાત્ બેઝિક પ્લેજિયોક્લેઝનું પરિવર્તન કૅલ્સાઇટ, અબરખ અથવા તેને સમકક્ષ અન્ય કોઈ પણ પડગુંથિત ખનિજમાં તેમજ ક્વચિત્ મળી આવતા રંગવિહીન ઍમ્ફિબોલ (જે એપિડૉટને વિસ્થાપિત કરીને બન્યું હોય) સહિતના મુખ્યત્વે સોડિક પ્લેજિયોક્લેઝ (આલ્બાઇટ) અને એપિડોટથી બનેલા સૂક્ષ્મ દાણાદાર સમૂહમાં થાય છે. આ પ્રકારનું મિશ્રણ ધરાવતા ખનિજને સોસ્યુરાઇટ કહે છે. આ ખનિજ બેઝિક અગ્નિકૃત ખડકો પર થતી નિમ્ન કક્ષાની વિકૃતિજન્ય પેદાશ ગણાય છે.
મૅગ્માજન્ય સ્ફટિકીકરણની અંતિમ કક્ષાઓ દરમિયાન અસ્તિત્વ ધરાવતાં અવશિષ્ટ પ્રવાહીઓ અગાઉથી બનેલા પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર સાથે પ્રક્રિયા કરી સૉસ્યુરાઇટ બનાવે છે. આ રીતે બનતું સૉસ્યુરાઇટ પ્લેજિયોક્લેઝમાં પ્રસરી જાય છે અથવા તો તેની બાહ્ય ધારો પર જામે છે. આ પ્રમાણે પ્લેજિયોક્લેઝનું તેના સોડિયમ-સમૃદ્ધ પ્રકાર આલ્બાઇટમાં પુનર્ગઠન થઈ શકે છે, જોકે પ્લેજિયોક્લેઝનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે છે. પછીથી પણ ઉષ્ણજળજન્ય પ્રક્રિયામાં આવું જ પરિવર્તન ઉદભવી શકે છે. બેઝિક ખડકો તેમાં રહેલી ઊંચી કૅલ્શિયમ માત્રાને કારણે આ પ્રકારના પરિવર્તનને માટે અનુકૂળતા કરી આપે છે. ઍસિડિક ખડકોમાં પણ જો કૅલ્શિયમ-સમૃદ્ધ પ્લેજિયોક્લેઝનું વધુ પ્રમાણ હોય તો તે પણ સૉસ્યુરાઇટીકરણને પાત્ર બને છે.
ગિરીશભાઈ પંડ્યા