સૈયદ, જાફર બદ્રે આલમ : ઉચ્ચ કોટિના મુસ્લિમ વિદ્વાન. તેમના પિતાનું નામ સૈયદ જલાલ હતું. ‘બદ્રે આલમ’ તેમનો ઇલકાબ હોવાથી પુત્ર ‘સૈયદ જાફર બદ્રે આલમ’ તરીકે પ્રખ્યાત થયા. તેઓ અમદાવાદના વતની હતા. હદીસ અને તફસીરના તેઓ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. તેમની કૃતિઓમાં ‘રૌઝાતે શાહીયા’ પ્રસિદ્ધ છે. આ બૃહદ ગ્રંથ ચોવીસ ભાગોમાં લખાયેલો છે. એના વીસમા ભાગ સુધી મુસ્લિમ મહાત્માઓનાં જીવનવૃત્તાંતો આલેખવામાં આવ્યાં છે. એ પછીના છેલ્લા ચાર ભાગોમાં તફસીર હદીસ વગેરે બાબતો લખેલી છે. એમ કહેવાય છે કે તેઓ માત્ર 18 પહોર(54 કલાકમાં)માં આખું ‘કુરાને શરીફ’ લખી શકતા હતા. એમનાં લખાણોનો નમૂનો હજરત પીર મુહમ્મદશાહની દરગાહના પુસ્તકાલયમાં મોજૂદ છે. ‘મિરાતે અહમદી’ના લેખકે પોતાની ઇતિહાસની કૃતિ તૈયાર કરવામાં તેમનાં ઘણાં પુસ્તકોની મદદ લીધી છે. એમનો બીજો ગ્રંથ ‘આમાલે શાહીયા’ ઈ. સ. 1751માં લખાયેલો છે. આ પુસ્તકની એક નકલ ભરૂચના કાજીસાહેબના ગ્રંથાલયમાં સાચવવામાં આવી છે; એમની અન્ય રચના ‘સદ્ર હિકાયતે શાહી’માં હજરત કુત્બે આલમસાહેબ તથા હજરત શાહઆલમસાહેબના ચમત્કારોનું આલેખન કરવામાં આવ્યું છે.
ઈશ્વરલાલ ઓઝા