સૈયદ, અબિદઅલી (જ. 9 સપ્ટેમ્બર 1941, હૈદરાબાદ; અ. 12 માર્ચ 2025, કૅલિફૉર્નિયા, અમેરિકા) : ભારતના એક સમયના શ્રેષ્ઠ ઑલરાઉન્ડર.
ભારતના એ સમયના શ્રેષ્ઠ ઑલરાઉન્ડર અબિદઅલી ભારત તરફથી ટેસ્ટ પ્રવેશે જ ઑસ્ટ્રેલિયા સામે એડિલેઇડમાં 55 રનમાં 6 વિકેટ લઈ પોતાની 29 ટેસ્ટની કારકિર્દીમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. સાથે સાથે ટેસ્ટના બંને દાવમાં 33-33 રન પણ કર્યા હતા. આમ પોતાની ઑલરાઉન્ડર તરીકેની ક્ષમતા તેમણે પ્રથમ ટેસ્ટમાં જ પુરવાર કરી હતી.
1967-68ના ભારતના ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં જ સિડનીની ટેસ્ટમાં 26 જાન્યુઆરી, 1968ના પ્રથમ દાવમાં 78 તથા બીજા દાવમાં 81 રન કરી ભારત તરફથી બંને દાવમાં સૌથી વધુ રન નોંધાવનાર ખેલાડી બન્યા હતા. તેમની આ સિદ્ધિના ઑસ્ટ્રેલિયાના ક્રિકેટલેખક જે. ફીગલ્ટને ખૂબ જ વખાણ કરેલા.
અબિદઅલીના પિતાને ક્રિકેટ બિલકુલ પસંદ ન હોવાથી તેઓ અબિદને હૉકી રમવા માટે વધુ આગ્રહ કરતા. વધુમાં તે સમયે કમાણીની દૃષ્ટિએ પણ ક્રિકેટ એટલું આકર્ષક ન હતું, જોકે અબિદઅલીની પત્ની સઇદા તેને ક્રિકેટ રમવા વારંવાર પ્રોત્સાહિત કરતી. ક્રિકેટર બનવાની ધૂનમાં અબિદઅલી અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકતો નહીં, પરિણામે તેને પિતાના ગુસ્સાનો સામનો કરવો પડતો. આમ છતાં તેણે ક્રિકેટ રમવાનું છોડ્યું નહીં અને છેવટે તેની મહેનત રંગ લાવી અને 27 વર્ષની વયે સૌપ્રથમ ટેસ્ટ મૅચ રમવાની તક મળી. ભારતના ભૂતપૂર્વ સુકાની અને મહાન સ્પીનર બિશનસિંગ બેદીની જેમ અબિદઅલીએ પણ ટેસ્ટ રમી તે પહેલાં ક્યારેય ટેસ્ટ મૅચ જોઈ ન હતી.
બૅટિંગ અને બૉલિંગ બંનેમાં કુશળ અબિદઅલી ફિલ્ડિંગમાં પણ ખૂબ જ ચપળ હતો. જે જમાનામાં હેલમેટ નહોતી ત્યારે પણ બૅટ્સમૅનની નજીક ફિલ્ડિંગ માટે ઊભા રહેવું ફિલ્ડરને માટે ખૂબ જોખમી ગણાતુ, પરંતુ અબિદઅલી તે સ્થાને ફિલ્ડિંગ કરવા હંમેશાં તૈયાર રહેતો. પરિણામે તેણે રમેલ મૅચ (29) કરતાં તેણે કરેલ
કૅચ(32)ની સંખ્યા વધુ હતી. ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ જ ઓછા (વિકેટકીપર સિવાય) ખેલાડીઓ આવી સિદ્ધિ મેળવી શક્યા છે.
ચિત્તાની ઝડપે વિકેટની વચ્ચે રન માટે દોડતા આ જમણેરી બૅટ્સમૅન અને મીડિયમ ફાસ્ટ બૉલર અબિદઅલીએ ભારત માટે બૅટિંગ અને બૉલિંગ બંનેની શરૂઆત કરી હતી. પોતાની પ્રથમ ટેસ્ટમાં જ તેણે ઑસ્ટ્રેલિયાના બંને ઓપનર બિલ લોરી અને બોબી સીમ્સન તથા બોબી કાઉપર જેવા ધરખમ ખેલાડીઓની વિકેટ સાથે કુલ છ વિકેટ લેનાર અબિદઅલીએ તેની 29 ટેસ્ટની કેરિયરમાં 42.12 રનની સરારેશથી 47 વિકેટ લીધી હતી જ્યારે બૅટિંગમાં 53 દાવમાં ત્રણ વખત અણનમ રહી છ અડધી સદી અને 20.36ની સરેરાશથી 1018 રન કર્યા હતા.
11 ડિસેમ્બર, 1974ના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે દિલ્હીમાં રમાયેલ ટેસ્ટ પછી ક્યારેય ટેસ્ટ ન રમી શકેલ અબિદઅલીની ઇચ્છા ભારતીય ટીમના કૉચ બનવાની હતી પરંતુ તે સમયે ક્રિકેટ બોર્ડ વિદેશી ખેલાડીઓને કોચ તરીકે પસંદ ન કરતું પરિણામે તેમને તક મળી ન હતી. જોકે તેમણે આ ઇચ્છા અમેરિકાના કૅલિફૉર્નિયામાં રહી ત્યાંના ખેલાડીઓને ક્રિકેટની જાણકારી અને કોચિંગ આપી પૂરી કરી હતી.
પુત્ર ફકીરઅલી સાથે અમેરિકામાં જ કાયમી સ્થાયી થયેલ અબિદઅલી 12 માર્ચ, 2025ના રોજ 83 વર્ષ 184 દિવસની વયે કૅલિફૉર્નિયામાં અવસાન પામેલ અબિદઅલી તેમની મૂછો ઉપર રહેતા અદભુત હાસ્ય તેમજ ચિત્તાની ઝડપથી દોડી કૅચ કરતા ઉત્તમ ફિલ્ડર તરીકે હંમેશાં યાદ રહેશે.
જગદીશ શાહ