સેસિલ વિસ્કાઉન્ટ

February, 2008

સેસિલ, વિસ્કાઉન્ટ (. 14 સપ્ટેમ્બર 1864, લંડન; . 24 નવેમ્બર 1958, ટનબ્રિજ વેલ્સ, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના મુત્સદ્દી, પૂર્વ પ્રધાનમંત્રી તથા વર્ષ 1937 માટેના વિશ્વશાંતિના નોબેલ પારિતોષિક-વિજેતા. 1923 સુધી તેઓ લૉર્ડ રૉબર્ટ સેસિલ નામથી જાણીતા હતા. મૂળ આખું નામ એડગર અલ્ગરનૉન રૉબર્ટ. પાછળથી વિસ્કાઉન્ટ સેસિલ ઑવ્ ચેલવૂડ પહેલા તરીકે ખ્યાતિ પામ્યા. દેશના રૂઢિચુસ્ત પક્ષના પ્રતિનિધિ તરીકે મંત્રીમંડળમાં સેવાઓ આપી. ત્રણ વાર

વિસ્કાઉન્ટ સેસિલ

પ્રધાનમંત્રી પણ બન્યા. તે પૂર્વે તેમણે વિદેશ મંત્રીના કાર્યાલયમાં અન્ડર સેક્રેટરી તરીકે કાર્ય કર્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ 1918માં પૂરું થયા બાદ 1919માં તેમને પૅરિસ ખાતેની શાંતિ પરિષદમાં બ્રિટનના પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવ્યા હતા. વૈશ્વિક સ્તર પર ગોરાઓનું જ પ્રભુત્વ હોવું જોઈએ  એ વિચારસરણીના તથા રંગભેદની નીતિના તેઓ હિમાયતી હતા. 1919માં લીગ ઑવ્ નૅશન્સના ખતપત્રનો મૂળ મુસદ્દો તૈયાર કરવામાં તેમણે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રાધ્યક્ષ વૂડ્રો વિલ્સન(1856-1921)ને સક્રિય સહાય કરી હતી. 1923માં તેમને વિસ્કાઉન્ટ બનાવવામાં આવ્યા. 1926-27ના ગાળામાં જિનિવા ખાતે યોજવામાં આવેલ નિ:શસ્ત્રીકરણ પરિષદમાં તેમણે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે અરસામાં સ્ટૅન્લી બાલ્ડવિનની સરકાર વતી તેમને મોકલવામાં આવેલ સૂચનાઓ સાથે તેઓ સંમત થયા ન હતા અને તેના પરિણામે તેમણે બ્રિટનની મંત્રીપરિષદમાંથી રાજીનામું આપ્યું હતું. વીસમી સદીના ચોથા દાયકામાં જાપાને મંચુરિયા પર તથા ઇટાલીએ ઈથિયોપિયા પર આક્રમણ કર્યું હતું, જેમની સામે લીગ ઑવ્ નૅશન્સ દ્વારા લીધેલાં પગલાંઓ સામે તેમણે પોતાની અસંમતિ દર્શાવી હતી. તેવી જ રીતે 1938માં મ્યૂનિક ખાતેની વાટાઘાટો દરમિયાન નાઝી જર્મનીને જે સવલતો અને રાહતો આપવામાં આવી તેનો પણ તેમણે વિરોધ કર્યો હતો. 1945માં લીગ ઑવ્ નૅશન્સનું સ્થાન રાષ્ટ્રસંઘે લીધું ત્યાં સુધી તેઓ લીગના ટેકેદાર રહ્યા હતા.

‘ધ ગ્રેટ એક્સપેરિમેન્ટ’ શીર્ષક હેઠળ 1941માં તેમની આત્મકથા પ્રકાશિત થઈ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે