સેશલ્સ (Seychelles) : હિન્દી મહાસાગરમાં માડાગાસ્કરની ઉત્તરે આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : 4° 35´ દ. અ. અને 55° 40´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. આફ્રિકાની મુખ્ય ભૂમિથી પૂર્વમાં આશરે 1600 કિમી. અંતરે હિન્દી મહાસાગરના 10,35,995 ચોકિમી. જળવિસ્તારમાં છૂટાછવાયા વહેંચાયેલા આશરે 70થી 100 જેટલા ટાપુઓથી આ દેશ બનેલો છે. તેનો ભૂમિવિસ્તાર માત્ર 455 ચોકિમી. જેટલો છે.
ભૂપૃષ્ઠ અને આબોહવા : સેશલ્સના ટાપુઓને બે સ્પષ્ટ ભૂમિસમૂહોમાં વહેંચી શકાય છે : (i) ગ્રૅનાઇટના ભૂપૃષ્ઠથી બનેલા ટાપુઓનો સંકેન્દ્રિત સમૂહ; (ii) પરવાળાંના છૂટાછવાયા ટાપુઓથી બનેલો બાહ્ય સમૂહ. ગ્રૅનાઇટના ટાપુઓમાં પર્વતો, નદીઓ તથા સમુદ્રકિનારાના સફેદ રેતપટ આવેલા છે. જમીનો ફળદ્રૂપ હોવા છતાં ભૂપૃષ્ઠ ખડકાળ હોવાથી ખેડવાની મુશ્કેલી પડે છે. પરવાળાંના ખરાબા મુખ્યત્વે તો કંકણાકાર પ્રવાળદ્વીપોથી બનેલા છે. પરવાળાના કેટલાક ખરાબા સમુદ્રસપાટીથી થોડીક જ ઊંચાઈ પર રહેલા છે. તેના પર વનસ્પતિ નભી શકતી ન હોવાથી મોટાભાગના આ દ્વીપો વનસ્પતિવિહીન છે. આ ટાપુઓની આબોહવા ગરમ, ભેજવાળી રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 24° સે.થી 30° સે. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ પરવાળાના ટાપુઓમાં 1320 મિમી. તથા માહેમાં 2340 મિમી. જેટલો પડે છે.
સેશલ્સ
અર્થતંત્ર : સેશલ્સની ભૂમિ ખડકાળ તેમજ પરવાળાંના ખરાબાવાળી હોવાથી ખેતી માટેની અનુકૂળ જમીનો ઉપલબ્ધ નથી. મુખ્ય ટાપુ માહેની ભૂમિ પર તજ તથા મોટાભાગના ટાપુઓ પર નાળિયેરી થાય છે. 23 કિલોગ્રામ વજન ધરાવતાં બેવડાં નાળિયેર (double coconut) માત્ર સેશલ્સમાં જ થાય છે. તજ, નાળિયેર અને કોપરાં અહીંની મુખ્ય પેદાશો છે. આ ટાપુઓ પર કેટલાક પ્રકારના અલભ્ય છોડ થાય છે તથા અમુક પક્ષીઓ તથા રાક્ષસી કદના કાચબા જોવા મળે છે, જે તેની વિશિષ્ટતા છે.
આ ટાપુદેશનું અર્થતંત્ર મુખ્યત્વે પ્રવાસન, તજ, નાળિયેર, કોપરાં જેવી પેદાશો તથા માછીમારી પર નભે છે. અહીંના દરિયાકિનારાના સુંદર રેતાળ-કંઠારપટથી આકર્ષાઈને આવતા પ્રવાસીઓની ખૂબ અવરજવર રહે છે. પ્રવાસીઓની સુવિધા જાળવવા માટે હૉટેલો અને રેસ્ટોરાં વિકસાવવામાં આવ્યાં છે. 1970ના દાયકામાં આ સુવિધાઓ માટે બાંધકામઉદ્યોગ વિકસેલો. અહીંથી કોપરાં, નાળિયેર, તજ, શાર્ક પક્ષી (shark fins) અને હવાચુસ્ત ડબ્બાઓમાં ટ્યુના માછલીઓની નિકાસ થાય છે.
સેશલ્સમાં આશરે 257 કિમી.ના રસ્તા છે. માહેમાં હવાઈમથકની સુવિધા છે, વળી અહીંના ત્રણ મોટા ટાપુઓ માટે રોજની ફેરી-સેવા પણ ઉપલબ્ધ છે. અહીં ટી.વી.મથક, રેડિયોમથક છે તથા બે દૈનિકપત્રો બહાર પડે છે. ટાપુઓ માટેનું મુખ્ય બંદર વિક્ટોરિયા માહે ટાપુ પર આવેલું છે.
પ્રવાસન : સેશલ્સના ટાપુઓ પ્રવાસન માટે જાણીતા છે. અહીંના નાળિયેરીથી હરિયાળા દેખાતા ટાપુઓ, વૃક્ષોથી આચ્છાદિત ટેકરીઓ તથા રજત-શ્વેત રેતીવાળા કંઠારપટ ખૂબ જ લોકપ્રિય અને આકર્ષક બની રહેલા છે. સૌથી મોટા ટાપુ માહેમાં અનેક હૉટેલો, નાળિયેરીથી ઊંચી ઇમારતો, જૂનાં પ્લાન્ટેશન હાઉસ, ચર્ચ અને માર્કેટ-સ્ટૉલો જોવાલાયક છે. હિન્દી મહાસાગરનાં નિર્મળ જળ આકર્ષક લાગે છે. અહીં ફળો વિપુલ પ્રમાણમાં મળતાં હોવાથી પ્રવાસીઓ હરતાંફરતાં તેની મોજ માણે છે. અહીંનો એનએલઝિયો નામનો સાગરતટ અત્યંત રમણીય છે. અહીં કાળા રંગના પોપટ પણ જોવા મળે છે, નૌકાવિહારની તેમજ તરણની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ બધી સગવડોને કારણે માહે આનંદપ્રમોદનું મુખ્ય મથક બની રહેલું છે.
સેશલ્સનો લાડિગ્યુનો ટાપુ ગ્રૅનાઇટના પથ્થરો માટે જાણીતો છે, માહેથી ત્યાં હોડી દ્વારા જવાય છે. ત્યાંના રોમૅન્ટિક પ્લાન્ટેશન હાઉસમાં રોકાણની વ્યવસ્થા પણ છે. સેંટ પિયરેનો સાગરતટ અને ફ્રિગેટ પક્ષીઓ જોવા-માણવાનો આનંદ લેવા જેવો છે. ઍક્વેરિયમની જેમ અહીંની કાચનાં તળિયાંવાળી નૌકાઓમાં બેસી મોટા કદના કાચબાઓ સહિતની દરિયાઈ સૃષ્ટિ જોવા જેવી છે.
વસ્તી-લોકો : આ ટાપુઓની કુલ વસ્તી 79,700 (2000) જેટલી છે. અહીંના બધા ટાપુઓ પૈકી માહે સૌથી મોટો છે. તેનો વિસ્તાર 142 ચોકિમી. જેટલો છે. દેશની 85 % વસ્તી આ ટાપુ પર રહે છે. માહે પર આવેલું વિક્ટોરિયા આ દેશનું પાટનગર, મોટું નગર અને મુખ્ય બંદર છે. અહીં રૅમસ ક્લૉક ટાવર સ્થાપત્યની ષ્ટિએ મહત્ત્વનું છે. તેની વસ્તી 25,400 (2000) જેટલી છે. અહીંનો એક પણ ટાપુ વસ્તીવિહીન નથી. કાસ્કેડ, પૉર્ટ ગ્લૉડ અને મિસેર અહીંનાં અગત્યનાં નગરો છે. આ ટાપુ પરનો માનવ-આયુ દર 66 વર્ષનો અને વસ્તીવૃદ્ધિ દર (199095) 1.1 % જેટલો રહ્યો છે.
સેશલ્સના આશરે 90 % લોકો આફ્રિકી (ક્રિયોલ) અને યુરોપીય વંશના છે. બાકીના 10 % લોકો ચીની, બ્રિટિશ અને ફ્રેન્ચ મૂળ ધરાવતા યુરોપિયનો તેમજ ભારતીય વંશના છે. આશરે 55 % લોકો નગરોમાં અને બાકીના 45 % ગામડાંમાં રહે છે. 35 % લોકો સરકારી નોકરીઓમાં, 25 % લોકો બાંધકામક્ષેત્રે અને પ્રવાસન-ઉદ્યોગમાં અને 15 % લોકો ખેતીમાં કામ કરે છે.
અંગ્રેજી, ફ્રેન્ચ અને ક્રિયોલ (ફ્રેન્ચમાંથી ઊતરી આવેલી બોલી) ભાષાઓ અહીંની સત્તાવાર ભાષાઓ છે. 90 % લોકો ક્રિયોલ બોલીનો ઉપયોગ કરે છે. દેશના મોટાભાગના લોકો રોમન કૅથલિક છે. સાક્ષરતાનું પ્રમાણ 90 % છે. દેશના 6થી 15 વર્ષનાં લગભગ બધાં જ બાળકો શાળામાં જાય છે. વિદ્યાર્થીઓ ખેતી, માછીમારી જેવા હુન્નરો પણ શીખે છે. પૉલિટૅક્નિક સંસ્થાઓમાં વ્યાવસાયિક તાલીમી શિક્ષણની વ્યવસ્થા છે. દેશના 60 % લોકો લખી-વાંચી જાણે છે. આ ટાપુદેશમાં સ્ત્રીઓ અને પુરુષો લગ્ન કર્યા સિવાય પણ સાથે રહે છે. આવાં અપરિણીત યુગલો પૈકી 50 %ને બાળકો પણ હોય છે.
વહીવટ : સેશલ્સ એ ઊગતી લોકશાહીવાળો પ્રજાસત્તાક દેશ છે. લોકો પ્રમુખની ચૂંટણી કરે છે, પ્રમુખ દેશના વડા ગણાય છે. તેઓ પ્રધાનમંડળની નિમણૂક કરે છે. 25 સભ્યોની ધારાસભા દેશના ધારા ઘડે છે, આ પૈકીના 23 સભ્યોને લોકો ચૂંટે છે, જ્યારે 2 સભ્યો પ્રમુખ દ્વારા ચૂંટાય છે.
રૅમસ ક્લૉક ટાવર, વિક્ટોરિયા
ઇતિહાસ : 16મી સદીની શરૂઆતમાં યુરોપિયન ખલાસીઓએ આ ટાપુઓ પ્રથમ વાર જોયેલા. એ વખતે તે વસ્તીવિહીન હતા. તે પછીનાં લગભગ 250 વર્ષ સુધી આ ટાપુઓ ચાંચિયાઓને સંતાઈ રહેવા માટેનું સ્થળ બની રહ્યા. 1742માં મૉરેશિયસમાંથી ગયેલા અભિયાનકારો આ ટાપુઓને ખૂંદી વળેલા. 1744માં આ ટાપુઓ ફ્રેન્ચ સંસ્થાન બન્યા. 1756માં ફ્રેન્ચોએ આ ટાપુઓ પર માલિકીહકનો દાવો મૂક્યો. ફ્રેન્ચ કુટુંબ પરથી ટાપુઓના જૂથને સેશલ્સ નામ અપાયું. 1770માં ફ્રેન્ચ લોકો અહીં આવ્યા. એ જ દાયકામાં તેઓ ખેતીના વિકાસ માટે આફ્રિકી ગુલામોને પણ લઈ આવ્યા અને અહીંના વસ્તીવિહીન પ્રદેશોમાં વસાવ્યા. 1790 સુધી તો આ ટાપુઓ ફ્રેન્ચ ખલાસીઓનાં વહાણોને ભારત અને ઈસ્ટ ઇન્ડીઝ લાવવા-લઈ જવાના એક મથક તરીકે ઉપયોગમાં લેવાતાં રહેલાં. 1794માં ફ્રેન્ચ-બ્રિટિશ સંઘર્ષ દરમિયાન આ ટાપુઓ બ્રિટને લઈ લીધેલા. 1814માં ફ્રાન્સ-બ્રિટન સંધિ થઈ. ફ્રાન્સે આ ટાપુઓ બ્રિટનને સોંપી દીધા. બ્રિટને તેને એક જાગીર તરીકે મૉરેશિયસમાં ભેળવી દીધા. 1835માં અહીં ગુલામીની પ્રથા રદ થતાં ચીન, મૉરેશિયસ અને ભારતમાંથી ગુલામો અહીં આવીને વસ્યા. 1903માં આ ટાપુઓ બ્રિટિશ સંસ્થાન બન્યા. મૉરેશિયસ અલગ પડ્યું. 1963-1964માં પક્ષો સ્થપાયા, સ્વતંત્રતા માટે માગણીઓ મૂકી; 1976ના જૂનમાં આ ટાપુઓ સ્વતંત્ર બન્યા.
ગિરીશભાઈ પંડ્યા