સેશુ (Sesshu) (. 1420, આકાહામા, બિચુ (Bitchu), જાપાન; . 26 ઑગસ્ટ 1506, ઇવામી, જાપાન) : પશુઓ, પંખીઓ, નિસર્ગદૃશ્યો, ઝેન બૌદ્ધ સાધુઓ અને પુષ્પો આલેખવા માટે જાણીતા જાપાની ચિત્રકાર. મૂળ અટક ઓડા; જેનો તેમણે ત્યાગ કરેલો. તેમનાં ત્રણ તખલ્લુસ છે : ‘ટોયો’, ‘ઉન્કોકુ’ અને ‘બિકેસાઈ’.

1431માં ચૌદ વરસની ઉંમરે તેમણે હોકુફુજી નામના ઝેન બૌદ્ધ મંદિરના મઠમાં એક સાધુ તરીકે દાખલ થઈ ધર્મસાધના પ્રારંભી. તેઓ પાતળો અને લાવણ્યસભર દેહ ધરાવતા હોવાથી તેમને ‘ટોયો’ (willowlike) ઉપનામ મળ્યું અને તેમણે ચિત્રકલાની સાધનાનો પણ પ્રારંભ કર્યો.

1440 પછી સેશુ જાપાનના પાટનગર ક્યોટો જઈ, ત્યાંના એક ઝેન મઠ શોકોકોજીમાં સ્થાયી થયા. અહીં તેમને જાપાનના પ્રસિદ્ધ ચિત્રકાર શુબુન પાસે ચિત્રકલાની વ્યવસ્થિત તાલીમ મળી. સાથે સાથે બૌદ્ધ સાધુ શુરિન સુટો પાસે ધાર્મિક અભ્યાસ પણ તેમણે કર્યો.

ક્યોટોમાં વીસ વરસ વિતાવ્યા પછી સેશુ હોન્શુ ટાપુના પશ્ચિમ કિનારે આવેલા યામાગુચી ગામે ગયા. યામાગુચીમાં આવેલા ઝેન મઠ ઓન્કોકુજીના તે અધિષ્ઠાતા બન્યા. અહીં આશરે 1466માં તેમણે ‘સેશુ’ ઉપનામ અંગીકાર કર્યું. પછી આજીવન તેઓ આ જ નામે ઓળખાયા. (‘સેશુ’નો જાપાની ભાષામાં અર્થ છે : ‘બરફની નાવડી’.)

1468માં સેશુ યામાગુચી બંદરેથી વહાણમાં બેસીને ઔચી નામના વેપારી પરિવાર સાથે ચીન જવા માટે નીકળી પડ્યા. ઔચી પરિવારનો ચીન સાથે આયાતનિકાસનો બહોળો વ્યાપાર હતો. ચીની કલાકૃતિઓ ખરીદવા માટે વિષયનિષ્ણાત તરીકે સેશુને ઔચીએ સાથે લીધેલા. ચીનના દક્ષિણ સમુદ્રકાંઠે નિન્ગ્પો (Ningpo) બંદરેથી તેઓ ચીનમાં પ્રવેશેલા. ચીનમાં ઔચી પરિવાર માટે કલાકૃતિઓ ખરીદવા ઉપરાંત સેશુએ વિવિધ બૌદ્ધ ઝેન મઠોની મુલાકાત પણ લીધી. સમકાલીન ચીની ચિત્રકલા મિન્ગ રાજવંશ (13681644) દરમિયાન જુસ્સાવિહોણી અને આત્માવિહોણી બની હતી. સેશુએ રાજધાની બેઇજિંગની (PekingBeijing) પણ મુલાકાત લીધી. ત્યાં રાજદરબારના કેટલાક ખંડોની કેટલીક દીવાલો પર ચિત્રો આલેખવાનું આમંત્રણ તેમને મળ્યું.

બીજે વર્ષે 1469માં સેશુ જાપાન પાછા ફર્યા. જાપાનમાં તેમની પ્રતિષ્ઠા જામી ચૂકી હતી. સેશુની પાસે ચિત્રકલા શીખવા ઘણા જાપાની શિષ્યો અને ચીનનાં પ્રવાસવર્ણનો સાંભળવા ઘણા મુલાકાતીઓ આવતા રહેતા. જાપાનના ઉત્તરીય ટાપુ ક્યુશુની મુલાકાત લીધા પછી સેશુ ફરીથી 1486માં યામાગુચી ખાતે સ્થિર થયા.

સેશુએ દોરેલું ચિત્ર ‘લૅન્ડસ્કેપ ઑવ્ સીઝન’

સેશુએ સર્જેલા મનાતાં ચિત્રોની સંખ્યા આજે ઘણી મોટી થવા જાય છે; પરંતુ તેમાંથી ખરેખર તેમણે કેટલાં ચીતર્યાં તે પ્રશ્ન મૂંઝવી નાખે છે. નિ:શંક તેમણે જ ચીતર્યાં હોય તેવાં ચિત્રોની સંખ્યા ઘણી નાની છે. ટોકિયો નૅશનલ મ્યુઝિયમમાં તેમના નામે છે તે બધાં ચિત્રો તેમણે જ ચીતર્યાં છે, તેમ વિદ્વાનો ખાતરીપૂર્વક માને છે. આ ઉપરાંત ચાર નિસર્ગદૃશ્યો પણ તેમના જ હાથનાં સર્જન છે. તેમાંથી બે ઊભાં વીંટા-ચિત્રોમાં પાનખર અને વસંતનાં આલેખન છે. ત્રીજું નિસર્ગચિત્ર પીંછીથી નહિ પણ રંગના છંટકાવ વડે આલેખેલું છે, જેનું નામ છે : ‘હાબોકુ-સાન્સુઈ’ (1495). આ ચિત્ર સેશુએ અભ્યાસ પૂરો કરી પોતાને ઘેર કામાકુરા પાછા ફરતાં શિષ્ય સોઅન(Soen)ને ભેટ આપ્યું હતું. ચોથું ચિત્ર આડું વીંટાચિત્ર છે, જેનું નામ છે : ‘સાન્સુઈ ચોકાન’ (1486). આ ચિત્રને સેશુનો માસ્ટરપીસ ગણવામાં આવે છે; એટલું જ નહિ, સમગ્ર જાપાની ચિત્રકલામાં શાહીથી આલેખેલાં ચિત્રોમાં તેને શ્રેષ્ઠ ચિત્ર ગણવામાં આવે છે. બાવન ફૂટ લાંબા આ આડા વીંટાચિત્રમાં વરસની ચાર ઋતુઓનું આલેખન છે : વસંત, ગ્રીષ્મ, પાનખર અને શિયાળો. ઘેરા અને આછા રંગોની સહોપસ્થિતિ આ ચિત્રમાં ચીની ચિત્રો કરતાં વધુ તીવ્ર જોવા મળે છે. એમાં રેખાઓ પણ ચીની ચિત્રો કરતાં વધુ જાડી છે. એક બીજું વીંટાચિત્ર ‘આમાનો-હાશિદાતે’ (આશરે 1502થી 1505) ક્યોટો નૅશનલ મ્યુઝિયમમાં છે, જેને સેશુનું સર્જન માનવામાં આવે છે. તેમાં અત્યંત બારીક વિગતો વડે નિસર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

સેશુએ ઘણાં ધાર્મિક ચિત્રો પણ આલેખેલાં. તેમાંથી બચ્યું છે ચિત્ર ‘બોધિધર્મ ઍન્ડ હુઈ કો’ (1496). આ ચિત્રમાં બોધિસત્ત્વને ચરણે પોતાના હાથ કાપીને ધરી દઈને ન્યોછાવરવૃત્તિનું પ્રદર્શન કરતા ઝેન સંપ્રદાયના સ્થાપક વીર હુઈ કોને દર્શાવ્યા છે.

પુષ્પો, પંખીઓ અને પતંગિયાંને દર્શાવતાં શોભનરીતિનાં ચિત્રો પણ સેશુએ આલેખ્યાં છે. વાંદરાં અને બાજને દર્શાવતું તેમનું એક ચિત્ર હકીકતમાં એક વૃક્ષનું સંપૂર્ણ વ્યક્તિચિત્ર બની રહે છે.

જાપાનના સર્વકાળના શ્રેષ્ઠ ચિત્રકારોમાં સેશુની ગણના થાય છે. એમના પ્રભાવ હેઠળ જાપાની ચિત્રકલામાં જળરંગોની સાથે શાહી(ink)ના રંગોને પણ પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું. એમનું અનુકરણ છેક સોળમી સદી સુધી જાપાનમાં થતું રહ્યું. સોળમી સદીના જાપાની ચિત્રકાર હાસેગાવા તોહાકુ ‘સેશુ’ એવી સહી પોતાનાં મૌલિક ચિત્રો પર કરતા. સેશુની ચિત્રશૈલીના અનુકરણની  આ પ્રણાલી ‘ઉન્કોકુ’ નામે ઓળખાઈ.

અમિતાભ મડિયા