સેશન્સ રૉજર (હન્ટિંન) [Sessions Roger (Hunt-ington)]
February, 2008
સેશન્સ, રૉજર (હન્ટિંન) [Sessions, Roger (Hunt-ington)] (જ. 28 ડિસેમ્બર 1896, બ્રૂકલીન, ન્યૂયૉર્ક નગર, અમેરિકા; અ. 16 માર્ચ 1985) : આધુનિક અમેરિકન સંગીતકાર અને સંગીતનિયોજક. અમેરિકામાં આધુનિક સંગીતની સમજના ફેલાવામાં તેમણે અગત્યનો ફાળો આપ્યો છે.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં તથા યેલ સ્કૂલ ઑવ્ મ્યુઝિકમાં સંગીતનું વિધિવત્ શિક્ષણ લીધા બાદ સેશન્સે વિશ્વવિખ્યાત સ્વીસ સંગીતનિયોજક અર્નેસ્ટ બ્લોખ (Ernest Bloch) પાસેથી સંગીત-નિયોજનનું શિક્ષણ લીધું. યુરોપમાં ઘણાં વર્ષો પસાર કર્યા બાદ સેશન્સ 1933માં અમેરિકા પરત આવ્યા. 1928થી જ તેઓ અમેરિકન સંગીત-નિયોજક આરોન કૉપ્લૅન્ડ (Aaron Copland) સાથે સંપર્કમાં હતા. સેશન્સ અમેરિકા આવી ગયા પછી એ બંનેએ સંયુક્ત-રૂપે ‘કૉપ્લૅન્ડ-સેશન્સ કન્સર્ટસ’ નામ હેઠળ સંગીતની મહેફિલોનું આયોજન શરૂ કર્યું.
રૉજર (હન્ટિંગ્ટન) સેશન્સ
સેશન્સે સંગીત-શિક્ષણ ક્ષેત્રે પણ અગત્યનું પ્રદાન કર્યું છે. તેમણે 1935થી 1945 સુધી પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં, 1945થી 1952 સુધી બર્કલી ખાતે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં અને 1953થી 1965 સુધી ફરીથી પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં સંગીત-નિયોજનનું શિક્ષણ આપ્યું છે. 1965થી 1975 સુધી તેમણે ન્યૂયૉર્ક નગરની જુલિયર્ડ સ્કૂલ ઑવ્ મ્યુઝિકમાં સંગીત-નિયોજનનું શિક્ષણ આપ્યું છે.
સંગીત-નિયોજક તરીકે સેશન્સ 1923થી ઝળક્યા. એ વર્ષે તેમણે લિયોનિડ આન્દ્રેયેવના નાટક ‘ધ બ્લૅક માસ્કર્સ’ માટે પાર્શ્ર્વ સંગીત રૂપે સ્વીટ (swite) લખેલો. આ સ્વીટ ઘણો જ લોકપ્રિય બન્યો. સેશન્સના સમગ્ર સર્જનમાંથી આ કૃતિ આજે પણ સૌથી વધુ લોકપ્રિય છે. 1927થી 1968 સુધીના ગાળામાં લખાયેલી તેમની આઠ સિમ્ફનીઓમાં લય ઘણો જ સંકુલ છે તથા સ્વરો ઘણા જ ભાવોદ્દીપક છે. આ જ લક્ષણો 1936થી 1958 સુધીમાં તેમણે લખેલાં બે સ્ટ્રીન્ગ ક્વાર્ટેટમાં અને એક સ્ટ્રીન્ગ ક્વીન્ટેટમાં જોવા મળે છે. એમણે એક કન્ચર્ટો ફૉર વાયોલીન ઍન્ડ ઑર્કેસ્ટ્રા (1935) પણ લખ્યો છે. 1930થી 1965 સુધીમાં લખેલા એમના ત્રણ પિયાનો સોનાટા માધુર્ય માટે પંકાયા છે.
એમનો એકાંકી ઑપેરા ‘ધ ટ્રાયલ ઑવ્ લુકુલસ’(Lucullus)માં સોપ્રાનો અને ઑર્કેસ્ટ્રા વચ્ચેનો સંવાદ ‘આઇડલ ઑવ્ થિયોક્રિટસ’(Idyll of Theocritus)માં મધ્ય યુરોપની પ્રભાવવાદી શૈલી જોવા મળે છે. એમના ઑપેરા ‘મોન્તેઝુમા’(1947)નું પ્રથમ ગાયનવાદન-મંચન બર્લિનમાં 1964માં થયેલું.
એમની અંતિમ કૃતિઓમાંથી મહત્વની આ ગણાય છે :
(1) રહેપ્સોડી (Rhapsody) ફૉર ઑર્કેસ્ટ્રા (1970); (2) કેન્ટાટા ‘વ્હેન ધ લાયલેક્સ લાસ્ટ ઇન ધ ડોરયાર્ડ બ્લૂમ્ડ’ (when the lilacs last in the dooryard bloomed) (1970); (3) ‘કન્ચર્ટિનો ફૉર ઑર્કેસ્ટ્રા’ (1972); (4) ‘થ્રી બિબ્લિકલ કોરસિસ’ (1971).
સંગીત પર સેશન્સે લખેલ વિવેચન ઘણું અગત્યનું ગણાયું છે. તેમાં તેમણે સંગીતના સામાજિક અને સાંસ્કૃતિક ફાળાની છણાવટ પણ કરી છે. તેમના વિવેચનાત્મક ગ્રંથો આ પ્રમાણે છે : (1) ‘ધ ઇન્ટેન્ટ ઑવ્ ધ આર્ટિસ્ટ’ (1941); (2) ‘ધ મ્યુઝિકલ એક્સ્પિરિયન્સ ઑવ્ કમ્પોઝર, પર્ફૉમર, લિસનર’ (1950); (3) ‘હાર્મોનિક પ્રેક્ટિસ’ (1951); (4) ‘ક્વેશ્ચન્સ અબાઉટ મ્યુઝિક’ (1979).
‘નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્ટ્સ ઍન્ડ લેટર્સ’માં 1938માં સેશન્સની નિમણૂક થઈ હતી. 1953માં ‘અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ લેટર્સ’માં તેમની વરણી થઈ હતી. 1974માં તેમને ‘પુલિત્ઝર સ્પેશિયલ સાઇટેશન’ ઇનામ મળ્યું હતું.
અમિતાભ મડિયા