સેવા-ઉદ્યોગો

વસ્તુનું ઉત્પાદન, તેના પર પ્રક્રિયા કે વિનિમય સિવાયની ફક્ત સેવા દ્વારા આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ; દા.ત., દૂરસંચાર, સંદેશાવ્યવહાર, માહિતી તકનીકી (I.T.), બૅંકો, વીમો, મૂડીબજાર, પ્રવાસન, મનોરંજન, શિક્ષણ, સુખાકારી, કાનૂની સેવા વગેરે. આ પ્રકારની સેવાઓમાં શારીરિક શ્રમને બદલે માનસિક કાર્ય વધુ રહે છે. તેથી ક્વચિત્ તે જ્ઞાન-ઉદ્યોગો તરીકે પણ ઓળખાય છે. કોઈ પણ દેશના આર્થિક વિકાસનું ધોરણ તેના આર્થિક ઉત્પાદનમાં સેવા-ઉદ્યોગોના પ્રમાણ પરથી આંકવામાં આવે છે. તેથી સેવા-ઉદ્યોગોનો સૂચકાંક આર્થિક વિકાસનો પર્યાય બની ગયો છે.

માનવ-સંસ્કૃતિના આરંભકાળમાં ખેતીવાડી જ મુખ્ય ઉદ્યોગ હતો. ક્રમશ: તેમાં જંગલો, ખનીજ-પેદાશો, મત્સ્ય-ઉદ્યોગ વગેરેનો પ્રવેશ થયો. મનુષ્યની જરૂરિયાતો સંતોષવા માટે કાંતણ, વણાટ, રંગાટીકામ, સુતારી, લુહારી, કડિયાકામ, માટીકામ વગેરે અસ્તિત્વમાં આવ્યાં. સોળમી અને સત્તરમી સદીમાં થયેલ ઔદ્યોગિક ક્રાંતિએ આ પરિસ્થિતિમાં મૂળભૂત પરિવર્તન આણ્યું. જેને પરિણામે હજારો વર્ષોથી પરંપરા જાળવી રહેલ કૃષિપ્રધાન સમાજની સરળ, નિમ્ન તકનીકી આધારિત અને માનવસંચાલિત સાધનો બિનકાર્યક્ષમ નીવડ્યાં. ઔદ્યોગિક ઉત્પાદન અને પરિવહનક્ષેત્રમાં ગણનાપાત્ર વૃદ્ધિ થતાં માનવે સ્વાસ્થ્ય, શિક્ષણ, સુખાકારી, મનોરંજન, પ્રવાસ, સંદેશાવ્યવહાર વગેરે ક્ષેત્રોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સુખસગવડો ઉપરાંત વ્યાપાર, નાણાકીય ક્ષેત્રોનો – પણ વિકાસ સાધ્યો. તેને પરિણામે માનવીની સવલતો માટે વિવિધ પ્રકારની સેવાઓ પ્રાપ્ત કરવાની આકાંક્ષાઓ વધતી ગઈ. તેમાં વળી શહેરીકરણે ઉમેરો કર્યો. ક્રમશ: સેવા-ઉદ્યોગોએ રાષ્ટ્રીય ઉત્પાદનમાં (gross domestic product – GDP) મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. ઉપાર્જન માટે તે અગત્યનો ઉદ્યોગ બની ગયો. આ ક્ષેત્રનો વાર્ષિક વૃદ્ધિદર આશરે 10 ટકા અંદાજવામાં આવે છે. દેશના રાષ્ટ્રીય ઉત્પાદનમાં સેવા-ઉદ્યોગોનો ફાળો સારણી 1માંથી જાણી શકાશે.

સારણી 1માં જોઈ શકાશે કે ઈ. સ. 1950-51માં સેવા-ઉદ્યોગો(ક્રમાંક 3 અને 4)નો ફાળો કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં આશરે 18.40 ટકા હતો. ઈ. સ. 1980-81માં તે વધીને આશરે 25 ટકા, ઈ. સ. 1994-95માં 31 ટકા અને ઈ. સ. 2004-05ના વર્ષ દરમિયાન અંદાજે 39.03 ટકા થયો હતો. રાષ્ટ્રીય ઉત્પાદનમાં સેવા-ઉદ્યોગોનું વધતું જતું મહત્વ ધ્યાનમાં લઈએ તો ટૂંક સમયમાં તેનો ફાળો 50 ટકાથી વધુ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

ભારત સરકાર સેવા-ઉદ્યોગોના વધતા જતા મહત્વને ધ્યાનમાં લઈને વેરાની આવકમાં વૃદ્ધિ કરવા માટે જૂન, 1994માં નાણા-ધારા 1994 (Financial Act, 1994) દ્વારા સેવાવેરાનો આરંભ કર્યો હતો. તેમાં પ્રસ્તુત કરેલ સેવાઓની યાદી પર સેવાદીઠ 10 ટકા વેરો અને તેના પર 2 ટકા શિક્ષણવેરો મળીને કુલ 10.2 ટકા જેટલો સેવાવેરો નાખ્યો હતો. આ વેરો કેન્દ્ર સરકારનું જકાત-ખાતું (Central Excise Department) એકત્ર કરે છે. ભૌતિક વસ્તુ કે ચીજનો વિનિમય થતો હોય તેમજ કરેલ ખર્ચ કે નુકસાનની ચુકવણી પર સેવાવેરો લેવામાં આવતો નથી.

સારણી 1 : ભારત : રાષ્ટ્રીય ઉત્પાદન (રૂ. કરોડમાં)

ક્રમ ક્ષેત્ર 1950-51* 1980-81* 1994-95* 2004-05o
1. ખેતી, જંગલ- 83,154 1,67,770 2,76,049 5,49,945
પેદાશો અને (59.1) (41.82) (32.95) (22.66)
ખનીજ વગેરે
2. મૅન્યુફેક્ચરિંગ, બાંધ- 18,670 86,605 2,04,092 5,69,839
કામ, ઊર્જા ગૅસ, (13.19) (21.6) (24.36) (23.91)
જળપુરવઠો વગેરે
3. વ્યાપાર, હોટલ, 16,781 73,846 1,66,131 6,10,515
પરિવહન, સંદેશા- (11.64) (18.40) (19.82) (25.71)
વ્યવહાર વગેરે
4. નાણાકીય-વીમો, 9,380 26,156 95,085 3,20,554
સ્થાવર અને બીજી (6.27) (6.53) (11.34) (13.32)
ધંધાકીય સેવાઓ
5. સાર્વજનિક, જાહેર 13,215 46,751 96,674 3,43,218
વહીવટ, સંરક્ષણ (19.80) (11.65) (11.53) (14.40)
અને બીજી સેવાઓ
કુલ 1,40,466 4,01,218 8,38,031 23,93,671
* 1993-94ની કિંમતે

o 1999-2000ની કિંમતે અંદાજે

 કેન્દ્ર-સરકારે જાહેર કરેલ સેવા-ઉદ્યોગોની યાદી મુજબ તે ઉદ્યોગો પાસેથી જકાત-ખાતું સેવાવેરો એકત્ર કરે છે. તેમાં બૅંકો, મૂડીબજાર, વીમો, દૂરસંચાર, સંદેશાવ્યવહાર, માહિતી-તકનીકી (Information Technology), મનોરંજન, પ્રવાસન, સ્વાસ્થ્ય વગેરે થઈને કુલ 86 સેવા-ઉદ્યોગોની યાદી માર્ચ, 2007 સુધીમાં બહાર પાડી છે. સરકાર તેમાં દર વર્ષે વૃદ્ધિ કરતી રહે છે. આ ઉદ્યોગોના વિકાસથી માહિતગાર કરવા માટે પસંદગીના સેવા-ઉદ્યોગોના વિકાસની માહિતી સંક્ષિપ્તમાં નીચે પ્રસ્તુત કરી છે :

(1) દૂરસંચાર (Telecommunication) : ભારતમાં બે જાહેર ક્ષેત્રની કંપનીઓ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) કાર્યરત હતી. ઈ. સ. 1999માં ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી ટેલિફોન-ક્ષેત્રમાં અનેક ખાનગી કંપનીઓએ પ્રવેશ કર્યો છે, જેને પરિણામે જાહેર ક્ષેત્રની કંપનીઓનો બજારહિસ્સો ઠીક ઠીક પ્રમાણમાં ઘટી ગયો છે. સાથો-સાથ આ ક્ષેત્રમાં અન્યથા ગણનાપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. ઈ. સ. 1999માં દેશમાં 2.28 કરોડ સ્થાયી અને મોબાઇલ ટેલિફોનો ઉપલબ્ધ હતા. ડિસેમ્બર 2005 સુધીમાં સ્થાયી ટેલિફોનોની સંખ્યા 4.77 કરોડ અને મોબાઇલ ફોનોની સંખ્યા 7.81 કરોડ થઈને કુલ 12.58 કરોડ ટેલિફોનો દેશમાં કાર્યરત હતા. તેમાં ખાનગી કંપનીઓના 70 લાખ સ્થાયી ટેલિફોનો અને 6.16 કરોડ મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. મોબાઇલ ફોનની લોકપ્રિયતા જોતાં દેશમાં કુલ ટેલિફોનની સંખ્યા ડિસેમ્બર 2007 સુધીમાં 25 કરોડે પહોંચવાનો અંદાજ છે. આ ઝડપી વૃદ્ધિનું શ્રેય સરકારની ઉદારીકરણની નીતિ અને ખાનગી કંપનીઓને ફાળે જાય છે.

આમ છતાં પણ ભારતમાં વિશ્વના વિકાસશીલ દેશો કરતાં માથાદીઠ ટેલિફોનની સંખ્યા ઓછી છે. અમેરિકાની 116.43, ઇંગ્લૅન્ડની 143.13, ઑસ્ટ્રેલિયાની 126.18, બ્રાઝિલની 126.18 અને ચીનની 42.32ની ટકાવારી સામે ભારતમાં ઑક્ટોબર, 2005 સુધીમાં ફક્ત 8.20 ટેલિફોનો હતા.

મોબાઇલ ટેલિફોનો જે એક સમયે મોજશોખની વસ્તુ ગણાતી હતી તે હંમેશ સાથે રાખવાની સવલતને કારણે ખૂબ લોકપ્રિય બની ગયા છે. ભારતમાં મોબાઇલ ટેલિફોનની સંખ્યા ઈ. સ. 2002માં 65.40 લાખ હતી તે ડિસેમ્બર 2005 સુધીમાં આશરે 7.81 કરોડ થઈ હતી. તેનું શ્રેય કેન્દ્ર સરકારની ઉદારીકરણની નીતિને જાય છે. તેમાં ટેલિકોમ-ઉદ્યોગમાં સીધા વિદેશી રોકાણની સીમા 74 ટકા સુધી વધારી આપી હતી. તેને પરિણામે હચિસન (Hutchison), સિંગટેલ (Singtel), એટી ઍન્ડ ટી (AT & T) અને ડિસ્ટાકોમ (Distacom) જેવી કંપનીઓએ ભારતમાં ટેલિફોન-ક્ષેત્રમાં ગણનાપાત્ર મૂડીરોકાણ કર્યું છે. વિશ્વવિખ્યાત વોડાફોન (Vodaphone) કંપનીએ ભારતી ટેલિવેન્ચર્સ(Bharti Televentures)ના 10 ટકા શૅરોમાં રૂ. 6700 કરોડનું રોકાણ કર્યું છે.

ઇન્ટરનેટ (Internet) અને બ્રૉડબૅન્ડ (Broadband) : કમ્પ્યૂટરીકરણ(Computerisation)ને પરિણામે આંતરરાષ્ટ્રીય વ્યાપાર-ઉદ્યોગ માહિતીની આપ-લે, વીડિયો દ્વારા વિચારવિનિમય, વિશ્વના વિકાસશીલ દેશોના સૉફ્ટવેરનાં કાર્યો વગેરે માટે બ્રૉડબૅન્ડની સવલત ઇન્ટરનેટ માટે પૂરી પાડવામાં આવે છે. તેને માટે રાષ્ટ્રીય દૂર અંતર (National long distance) અને આંતરરાષ્ટ્રીય દૂર અંતર (International long distance) વ્યવસ્થા નિકાસ તેમજ વ્યાપારી પ્રક્રમ બાહ્યસેવા (Business Process Outsourcing – BPO) માટે સવલત પૂરી પાડે છે. તેને માટે બ્રૉડબૅન્ડની વ્યવસ્થાની ગોઠવણ જરૂરી હોય છે. તેમાં સંદેશાવ્યવહારમાં વૃદ્ધિ થતાં તેનો ખર્ચ નીચો આવે છે. તેથી જ કેટલાંક વર્ષોમાં સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ટેલિફોનના દર નીચા જતા જોઈ શકાય છે. બ્રૉડબૅન્ડના ગ્રાહકોની સંખ્યા ડિસેમ્બર, 2004માં 49,000 હતી તે ડિસેમ્બર, 2005માં 7.50 લાખ પહોંચી હતી, જે બીજા એશિયન દેશોની સરખામણીમાં ઘણી ઓછી ગણાય. બ્રૉડબૅન્ડના ઉપયોગમાં વૃદ્ધિ તેમજ વિવિધ કંપનીઓ વચ્ચે હરીફાઈ થતાં તેના દરોમાં ઘટાડો થયેલ જોવા મળે છે. ઈ. સ. 2010 સુધીમાં 2 કરોડ વિસ્તૃત પટ (Broadband) જોડાણો અને 4 કરોડ ઇન્ટરનેટ ગ્રાહકો નોંધવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

(2) કમ્પ્યૂટર સૉફ્ટવેર, વીજાણુ સાધનો અને માહિતી-તકનીકી [computer software, electronic instrument and information technology (I.T.)] : કમ્પ્યૂટર સૉફ્ટવેર અને વીજાણુ સાધનોએ માહિતીસંચારણ અને પ્રસારણ-ક્ષેત્રમાં કેટલાંક વર્ષોમાં ગણનાપાત્ર વિકાસ સાધ્યો છે. આ ક્ષેત્રના વિકાસની માહિતી નીચેની સારણીમાં દર્શાવી છે :

સારણી 2 : કમ્પ્યૂટર, માહિતી-તકનીકી અને વીજાણુ સાધનોનું ઉત્પાદન

ક્રમ વિગત (રૂ. કરોડમાં)
1995-96 2004-05
1. ગ્રાહકો માટેનાં વીજાણુ સાધનો 5,800 16,800
2. ઔદ્યોગિક વીજાણુ સાધનો 2,900 7,700
3. કમ્પ્યૂટરો 2,225 8,800
4. સંચારણ અને પ્રસારણ સાધનો 2,600 4,600
5. સંચારણ માટે વીજાણુ સાધનો 1,075 3,050
6. સાધનોના અંગભૂત ઘટકો (ભાગો) 3,500 8,800
7. સૉફ્ટવેર નિકાસ (બાહ્યસેવા) 2,550 78,230
8. સૉફ્ટવેર (સ્થાનિક માટે) 1,690 16,300
કુલ 22,340 1,47,610

ઉપરની સારણી પરથી જોઈ શકાશે કે કમ્પ્યૂટરો અને વીજાણુ સાધનોના ઉત્પાદન અને ઉપયોગમાં છેલ્લા દશકામાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈ છે. તેમાં પણ સૉફ્ટવેર નિકાસની પ્રગતિ આશ્ચર્યજનક ગણાય તેવી છે. તેમાં મુખ્યત્વે અમેરિકન કંપનીઓના વ્યાપાર, વાણિજ્ય, ડિઝાઇન, નવા અણુઓ (new molecules), તબીબી તપાસ/સંશોધન, સંચાલન, સ્થાપત્ય, કાનૂની સેવા, હિસાબો વગેરેનું કાર્ય ભારતમાં કરવામાં આવે છે; કારણ કે વિકસિત દેશોમાં ઊંચી તકનીકીવાળાં ક્ષેત્રોમાં ખર્ચકાપનો અવકાશ સીમિત હોય છે, જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં આ કાર્યો કિફાયત ખર્ચે થાય છે. આ કાર્યો વ્યાપાર પ્રક્રમ બાહ્યસેવા તરીકે પ્રચલિત છે. આ ક્ષેત્રની ભારતની અગ્રગણ્ય કંપનીઓમાં ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ, સત્યમ્ કમ્પ્યૂટર્સ, વીપ્રો, એચ. સી. એલ. વગેરેની ગણના થાય છે. વિશ્વની ફૉર્ચ્યૂન 500(Fortune 500)માંથી આશરે 225 કંપનીઓ તેમનું બાહ્યસેવા(Outsourcing)નું કાર્ય ભારતમાં કરાવે છે.

આ ઉપરાંત વિદેશી કંપનીઓ ભારતમાં સ્થપાયેલ સેવાકેન્દ્રો (call centres) દ્વારા વ્યાપાર, વાણિજ્ય, કાનૂની, તબીબી, હિસાબો વગેરે માટે પરામર્શ કરી ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. હાલમાં ભારતમાં આવાં 2000થી વધુ સેવાકેન્દ્રો કાર્યરત છે. કમ્પ્યૂટર આધારિત સેવાઓ ભવિષ્યમાં આશરે 20 લાખથી વધુ તજ્જ્ઞોને કામ અપાવશે તેવો અંદાજ છે.

(3) આંતરમાળખાકીય ક્ષેત્રો (Infrastructure Services) : મનુષ્યને આવશ્યક મુસાફરી તેમજ માલસામાનના પરિવહન તેમજ ઊર્જા જેવી બીજી સેવાઓ માટે રેલવે, રસ્તા, જળ અને હવાઈ પરિવહન, ઊર્જા વગેરે વિવિધ સવલતોની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. તેમાં અગત્યનાં ક્ષેત્રોની વિકાસની માહિતી સંક્ષિપ્તમાં નીચે પ્રસ્તુત કરી છે :

(i) રેલવે : રેલવે કિફાયત ખર્ચે, બીજાં સાધનો કરતાં નિમ્ન ઊર્જાનો ઉપયોગ કરનાર તેમજ પર્યાવરણને ઓછું દૂષિત કરનાર, એકંદરે સહીસલામત એવું પરિવહન-માધ્યમ ગણાય છે. ઈ. સ. 1950-51માં ભારતીય રેલવેના આશરે 53,600 કિલોમિટરના રેલમાર્ગો કાર્યરત હતા, જ્યારે ઈ. સ. 2004-05માં કુલ 63,221 કિલોમિટરના માર્ગો થયા હતા, જેમાં 17,500 કિલોમિટર રેલમાર્ગોનું વીજકરણ થયેલ હતું. આ રેલમાર્ગોમાં 46,807 કિલોમિટર બ્રૉડગેજ; 13,290 કિલોમિટર મીટરગેજ અને 3,124 કિલોમિટર નૅરોગેજ માર્ગો હતા. ઈ. સ. 1950-51માં રેલવેએ 126.4 કરોડ યાત્રીઓને મુસાફરી કરાવી હતી, જ્યારે ઈ. સ. 2004-05માં 533 કરોડ મુસાફરોએ તેનો લાભ લીધો હતો. તેવી જ રીતે તે જ વર્ષો દરમિયાન 9.3 કરોડ ટન માલસામાન સામે ઈ. સ. 2004-05 દરમિયાન 557.4 કરોડ ટન માલસામાનનું પરિવહન કર્યું હતું. ભારતીય અર્થતંત્રના વિકાસ સાથે રેલવે પોતાની ક્ષમતા જાળવી યાત્રીઓને વધુ સુવિધાઓ મળે તે માટે કાર્યશીલ રહી છે.

(ii) રસ્તા : ભારતમાં પ્રવાસનું લોકપ્રિય માધ્યમ રસ્તાઓ છે. દેશના આશરે 85 ટકા મુસાફરો અને 70 ટકા માલસામાનનું પરિવહન રસ્તાઓ દ્વારા થાય છે. તેમાં રાષ્ટ્રીય રાજમાર્ગો (ફક્ત 2 ટકા) જ લગભગ 40 ટકા મુસાફરો અને માલસામાનનું પરિવહન કરે છે. ઈ. સ. 1950-51માં ભારતમાં 1,57,000 કિલોમિટરના પાકા રસ્તા અને 3,43,000 કિલોમિટરના કાચા રસ્તા હતા. ઈ. સ. 2005ના અંતમાં 65,569 કિલોમિટરના રાષ્ટ્રીય ધોરી માર્ગો; 1,28,000 રાજ્ય ધોરી માર્ગો; 4,70,000 કિલોમિટર જિલ્લાઓના મુખ્ય પાકા રસ્તાઓ અને 25,50,000 કિલોમિટરના જિલ્લાઓના અન્ય પાકા તેમજ ગ્રામીણ રસ્તાઓ મળીને કુલ 33,20,000 કિલોમિટરના રસ્તાઓ અસ્તિત્વમાં હતા; જેને કારણે ભારત વિશ્વમાંના સૌથી વધુ રસ્તા ધરાવતા દેશોમાંનો એક દેશ ગણાય છે.

ભારત સરકારે દેશના મુખ્ય ચાર શહેરો, ઉત્તરમાં શ્રીનગરથી દક્ષિણમાં ક્ધયાકુમારી, પૂર્વમાં આસામના સીલ્ચરથી સૌરાષ્ટ્રના પોરબંદર સુધી તેમજ દેશનાં બંદરોને રાષ્ટ્રીય રસ્તાઓ સાથે જોડવા માટે ચાર લાઇનોવાળા 17,161 કિલોમિટરના રસ્તાઓ બાંધવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજના ડિસેમ્બર, 2009માં પૂર્ણ કરવાનું આયોજન છે. આ યોજનાઓ માટે વિશ્વબૅંક, એશિયન ડેવલપમેન્ટ બૅંક તથા જાપાનની બૅંકની નાણાકીય સહાય સાંપડી છે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વના પહાડી વિસ્તારોમાં 7,419 કિલોમિટરના નવા રસ્તાઓ તેમજ જૂનાને પહોળા કરવાનું કાર્ય હાથ ધરાયું છે. વળી પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના હેઠળ 500 માણસોની વસ્તી ધરાવતા (ટેકરાળ, રણ અને આદિવાસી વિસ્તારોમાં 250) ગામોને રસ્તા વડે સાંકળી લેવાની યોજના અમલમાં છે. તેને વિશ્વબૅંક તરફથી નાણાકીય સહાય મળે એવી જોગવાઈ છે. આ સદીમાં રસ્તાઓ જનતા તેમજ માલસામાનનું પરિવહન કરવાની સેવા પૂરી પાડવા માટે છે.

આ રસ્તાઓ પરના વેરા દ્વારા ઈ. સ. 1950-51માં સરકારે રૂ. 47.2 કરોડ વસૂલ કર્યા હતા. ઈ. સ. 2000-01માં કેન્દ્ર સરકારને રૂ. 27,932 કરોડ અને રાજ્ય સરકારોને રૂ. 1774.3 કરોડની આવક રસ્તા-વેરામાંથી થઈ હતી.

(iii) જળપરિવહન (Port traffic) : ભારતના 7,517 કિલોમિટર લંબાઈના સાગરકિનારા પર (આંદામાન-નિકોબાર સાથે) 12 મોટા અને 185 મધ્યમ અને નાનાં બંદરો કાર્યરત છે. આ બંદરો વિદેશ સાથે આયાત-નિકાસ અને આંતરપ્રદેશ માલસામાનનું પરિવહન કરે છે. ઈ. સ. 1949માં ભારતની જહાજી કંપનીઓનાં 59 વહાણોનું ટનેજ 1,42,900 ટન હતું; જે ઈ. સ. 2004માં વધીને 639 વહાણો સાથે 69,44,256 ટન થયું હતું.

આ બંદરોએ ઈ. સ. 1970-71માં 5.91 કરોડ ટન માલસામાનનું પરિવહન કર્યાનો અંદાજ છે, જે ઈ. સ. 2004-05માં વધીને 38.32 કરોડ ટન થયાની માહિતી મળે છે. ઈ. સ. 2007ના અંત સુધીમાં 56.5 કરોડ ટન માલસામાનનું પરિવહન કરવાનું લક્ષ્ય છે. બંદરો પરના માલસામાનના ચઢાવ-ઉતારની સેવા પર સરકારે સેવાવેરો નાખ્યો છે, જેમાંથી ઠીક ઠીક આવક રળવાની શક્યતા છે.

(iv) હવાઈ પરિવહન (Air transport) : ટાટા એરલાઇન્સનું રાષ્ટ્રીયકરણ કર્યા પછી દાયકાઓ સુધી હવાઈ પરિવહન સેવા સરકાર હસ્તક રહી હતી. ઈ. સ. 1980-81માં ઍર ઇન્ડિયા ઇન્ટરનૅશનલ 17 અને ઇન્ડિયન ઍરલાઇન્સના 49 હવાઈ જહાજો હતાં. તે વર્ષમાં ઍર ઇન્ડિયાએ 14.18 લાખ યાત્રીઓનું અને ઇન્ડિયન ઍરલાઇન્સે 54.29 લાખ યાત્રીઓનું પરિવહન કર્યું હતું. ભારત સરકારે ઉદારીકરણની નીતિ અપનાવ્યા બાદ ઍર સહારા, ઍર ડક્કન, જેટ ઍરવેઝ, કિંગ ફિશર ઍરલાઇન્સ, સ્પાઇસ જેટ, ગો ઍરલાઇન, પેરેમાઉન્ટ ઍરલાઇન્સ વગેરે ખાનગી કંપનીઓ અસ્તિત્વમાં આવી છે, જેને પરિણામે હવાઈ મુસાફરીના ભાડામાં ઠીક ઠીક ઘટાડો નોંધાયો છે અને વધુ યાત્રીઓ હવાઈ મુસાફરી પસંદ કરે છે. એપ્રિલ-ડિસેમ્બર 2005 દરમિયાન આશરે 69 ટકા યાત્રીઓએ ખાનગી કંપનીઓનાં વિમાનોમાં યાત્રાને પસંદગી આપી હતી.

ઈ. સ. 1994-95માં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોનો લાભ આશરે 1.45 કરોડ યાત્રીઓએ અને સ્થાનિક ઉડ્ડયનોનો લાભ 2.56 કરોડ યાત્રીઓએ – એ રીતે કુલ 3.71 કરોડ યાત્રીઓએ એ લાભ લીધો હતો; જ્યારે ઈ. સ. 2004-05માં 1.94 કરોડ આંતરરાષ્ટ્રીય યાત્રીઓએ અને 3.99 કરોડ સ્થાનિક યાત્રીઓએ હવાઈયાત્રા કરી હતી. તેનો કુલ આંક 5.93 કરોડ જેટલો હતો. વળી 1995-96માં 4.53 લાખ ટન માલસામાનનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને 1.96 લાખ ટનનું સ્થાનિક ક્ષેત્રે પરિવહન થયું હતું; જે 2004-05માં વધીને અનુક્રમે 8.24 લાખ ટન અને 4.57 લાખ ટન થયું હતું.

હવાઈ ઉડ્ડયનની સવલતોમાં વૃદ્ધિ કરવા કેન્દ્ર સરકારે 4 મૅટ્રોપૉલિટન હવાઈ મથકોને આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવાનું આયોજન કર્યું છે. આ ઉપરાંત 10 કાર્યરત હવાઈ મથકોનો વિકાસ કરવાનું અને 15 નવાં હવાઈ મથકો બીજાં શહેરોમાં બાંધવાનું આયોજન કર્યું છે; જેને પરિણામે ભવિષ્યમાં હવાઈ મુસાફરી સસ્તી અને વધુ સવલતભરી થશે તેવી આશા બંધાય છે. વળી ખાનગી કંપનીઓને પણ આંતરરાષ્ટ્રીય ઉડાણો કરવાની મંજૂરી આપી છે, જે દેશની આવકમાં પણ વૃદ્ધિ કરવામાં સહાયરૂપ બની રહેશે. કેન્દ્રના જકાત ખાતાએ ઈ. સ. 2004-05ના વર્ષ દરમિયાન આ ક્ષેત્રમાંથી રૂ. 229 કરોડની આવક મેળવી હતી.

(v) ઊર્જા (વીજળી) : આ એક અગત્યની આંતરમાળખાકીય સવલત છે. તે ખેતી, ઉદ્યોગ તેમજ શહેરો અને ગામડાંઓને વીજળી પૂરી પાડે છે. ભારતમાં વીજળીનું ઉત્પાદન તાપીય (thermal), જળવિદ્યુત (hydro-electric) અને ન્યૂક્લિયર (nuclear) પ્રક્રમ દ્વારા કરવામાં આવે છે; પરંતુ મહત્તમ વીજળી તાપીય અને જળવિદ્યુત પ્રક્રમ પૂરી પાડે છે. આ રીતે વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા સીમિત હોવાથી ભારતે વધુ વીજળીના ઉત્પાદન માટે અણુશક્તિ (nuclear energy) પર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અમેરિકા સાથેની અણુસમજૂતી શક્ય બને તો અણુશક્તિ દ્વારા દેશને વીજળી પૂરી પાડવાના આયોજન માટે પૂરો અવકાશ છે. હાલમાં ગૅસ દ્વારા પણ વીજઉત્પાદનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઈ. સ. 1950-51માં ભારતમાં 23,000 કિલોવૉટ વીજઉત્પાદનની ક્ષમતામાંથી 5.1 કરોડ કિલોવૉટ (KWH), જ્યારે ઈ. સ. 2004-05માં 621.5 કરોડ કિલોવૉટ (KWH) વીજઉત્પાદન કરવામાં આવ્યું હતું, જે વીજઉત્પાદનક્ષમતાના લગભગ 70 ટકા જેટલું હતું. દસમી પંચવર્ષીય યોજનાને અંતે કુલ વીજઉત્પાદનક્ષમતા 34,000 મેગાવૉટ (MW) કરવાનું આયોજન છે. તેમાં ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સાગરકાંઠે 4000 મેગાવૉટ ક્ષમતા ધરાવતાં કારખાનાં પણ છે.

(vi) ટપાલ : ભારતની ટપાલશૃંખલા વિશ્વની સૌથી મોટી પત્રાચાર-શૃંખલા ગણાય છે. 31 માર્ચ 2005ના રોજ તેની 1,55,566 શાખાઓ દેશભરમાં પથરાયેલી હતી. તે ટપાલ, પાર્સલો, સેવિંગ્ઝ બૅંક, મની-ઑર્ડર, થાપણો વગેરેની સેવા પૂરી પાડે છે. કમ્પ્યૂટરીકરણ પછી તેની સેવાની ગુણવત્તા તેમજ ક્ષમતામાં ઠીક ઠીક વૃદ્ધિ દેખાય છે.

(vii) બાંધકામ પ્રવૃત્તિ (Construction activities) : આ પ્રવૃત્તિ મકાનો, હૉસ્પિટલો, રસ્તા, પુલો, બંદરો, હોટલો, નિશાળો, ઑફિસો, વ્યાપારી સંકુલો ઉપરાંત શહેરોમાં પીવાલાયક તેમજ વપરાયેલ પાણીના નિકાલ માટેની પાઇપો વગેરેને અનુલક્ષીને થાય છે. ઈ. સ. 1999-2000માં દેશમાં આશરે રૂ. 1,10,556 કરોડનાં બાંધકામો થયાનો અંદાજ છે. તેમાં આશરે 1.76 કરોડ માણસોને સીધી કે આડકતરી રોજી મળી હતી; જ્યારે ઈ. સ. 2005-06માં આશરે રૂ. 2,40,000નાં કામો દ્વારા આશરે 3 કરોડ લોકોને રોજી મળી હતી. દેશના વિકાસ સાથે આંતરમાળખાકીય સવલતો માટે ગણનાપાત્ર ખર્ચના આયોજનને પરિણામે આ પ્રવૃત્તિમાં વૃદ્ધિનો અવકાશ અવગણી શકાય તેમ નથી.

(4) પ્રવાસન (Tourism) : છેલ્લાં કેટલાંક વર્ષોમાં સામાન્ય જનતાની વિવિધ પ્રદેશોમાં પ્રવાસ કરવાની પ્રવૃત્તિમાં ગણનાપાત્ર વિકાસ થયો છે, જેને પરિણામે પ્રવાસન-પ્રવૃત્તિ એક ઉદ્યોગનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પ્રવાસોનું આયોજન, પ્રવાસીઓ માટે રહેઠાણ વગેરેની સવલતો, જોવાલાયક સ્થળોનો વિકાસ તેમજ મનોરંજન પ્રસ્તુત કરવાની પ્રવૃત્તિઓમાં ઠીક ઠીક વૃદ્ધિ થઈ છે. આ પ્રવૃત્તિઓ ઉપાર્જન પણ પૂરું પાડે છે.

ઈ. સ. 1990-91માં ભારતમાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા આશરે 6.67 કરોડ હતી, જે ઈ. સ. 2001-02માં વધીને 27.13 કરોડ થઈ હતી. ઈ. સ. 1990-91માં 19 લાખ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો હતો. ઈ. સ. 2002માં તે સંખ્યા 49 લાખ પહોંચી હતી. ઈ. સ. 1990-91માં 16.78 લાખ વિદેશીઓ ભારતના પ્રવાસે આવ્યા હતા. ઈ. સ. 2003-04 દરમિયાન તે સંખ્યા 28.79 લાખ થઈ હતી, જેમાં બિનનિવાસી ભારતીયો(N.R.I.)નું પ્રમાણ લગભગ 70 ટકા જેટલું હતું. સમગ્ર વિશ્વના પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં લઈએ તો ફક્ત 0.38 ટકા વિદેશીઓ ભારતના પ્રવાસે આવે છે, જે ઘણી ઓછી સંખ્યા ગણાય. ભારતે વધુ વિદેશીઓને આકર્ષવા જોવાલાયક સ્થળોને વિકસાવવા ઉપરાંત પ્રવાસ માટે વધુ સવલતો પૂરી પાડવાની આવશ્યકતા છે.

ભારતનાં સ્વાસ્થ્યકેન્દ્રો વિશ્વકક્ષાની સારવાર પૂરી પાડતાં હોવાથી એક અગત્યના કેન્દ્ર તરીકે વિશ્વભરમાં માનવંતું સ્થાન પ્રાપ્ત કરે છે. કેરળ, તામિલનાડુ, કર્ણાટક, ગુજરાત વગેરે અગત્યનાં સ્વાસ્થ્યકેન્દ્રો ગણાય છે. પ્રતિવર્ષ આશરે 1.5 લાખ દર્દીઓ (વિકસિત દેશ સહિત) ભારતમાં સારવાર માટે આવે છે. પ્રતિવર્ષ આ સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે. કેન્દ્ર સરકારે પ્રવાસનઉદ્યોગને પ્રોત્સાહન આપવા રૂ. 2100 કરોડનું રોકાણ કરવાનું આયોજન કર્યું છે.

ભારતમાં પરિવહન-વ્યવસ્થાની સવલતોમાં વૃદ્ધિ થતાં યાત્રા-પર્યટનનાં સ્થળોનોજોવાલાયક સ્થળોનો વિકાસ થતાં દેશમાં પ્રવાસનના વિકાસમાં ગણનાપાત્ર વૃદ્ધિ થવાની બાબતને અવગણી શકાય તેમ નથી.

(5) વાહનો : ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં વાહનોના ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈ છે. તેની માહિતી નીચેની સારણીમાં આપી છે :

સારણી 3 : ભારત – વાહનોનું ઉત્પાદન

ક્રમ વર્ણન 1950-51 2005-06
1. મોટર, જીપ, લૅન્ડ ટોવર વગેરે 7,700 12,09,648
2. વ્યાપારી વાહનો, ટ્રક, ટૅમ્પો વગેરે 8,600 35,01,033
(Commercial Vehicles)
3. મોટરસાઇકલ, સ્કૂટર, N.A.
મૉપેડ, સ્કૂટી વગેરે 900 (196061) 65,26,547
કુલ 16,500 1,12,37,234

ઉપરની સારણી દર્શાવે છે કે ઈ. સ. 1950-51માં ફક્ત 16,500 વાહનોના ઉત્પાદન સામે ઈ. સ. 2005-06માં દેશમાં કુલ 1,12,37,234 વાહનોનું ઉત્પાદન થયું હતું. ભારત આ વાહનોની નિકાસ પણ કરે છે.

ઈ. સ. 1950-51માં ભારતમાં 82,000 ટ્રકો અને 34,000 બસબૅન્ક સાથે કુલ 3,06,000 વાહનો નોંધાયેલ હતાં; જ્યારે ઈ. સ. 2002-03માં 34,88,000 ટ્રકો, ટૅમ્પો વગેરે માલવહનનાં સાધનો અને 7,27,000 બસ સાથે કુલ 6,70,33,000 વાહનો માલસામાન પરિવહન માટે નોંધાયેલ હતાં. તેમાંથી તે વર્ષમાં કેન્દ્ર સરકારને રૂ. 31,132 કરોડ અને રાજ્ય સરકારોને રૂ. 19,564 કરોડની આવક થઈ હતી.

આ વાહનો દેશના 85 ટકા મુસાફરો અને લગભગ 70 ટકા માલસામાનનું પરિવહન કરે છે. સરકારની દેશનાં ગામડાંઓને તેમજ વધુ લેનવાળા રસ્તાઓ દ્વારા શહેરો અને બંદરોને સાંકળી લેવાની યોજનાને પરિણામે મુસાફરો તેમજ માલસામાનના પરિવહનમાં વૃદ્ધિ થશે તેવી આશા છે.

(6) નાણાકીય ક્ષેત્ર : રાષ્ટ્રની નાણાકીય બાબતોને લગતાં ક્ષેત્રોમાં બૅંકો, મૂડીબજાર (capital market) અને વીમો મુખ્ય છે. રાષ્ટ્રના વિકાસમાં તેમનું પ્રદાન ખૂબ અગત્યનું રહ્યું છે. વળી છેલ્લાં કેટલાંક વર્ષોમાં નાણાકીય સંસ્થાઓએ મ્યુચ્યુઅલ ફંડોની સ્થાપના કરી જનતાને સુષુપ્ત નાણાંનું રોકાણ કરી વળતરમાં વૃદ્ધિ કરવા આકર્ષી છે. પરિણામે આ સંસ્થાઓનાં કાર્યક્ષેત્રોમાં પણ વૃદ્ધિ થઈ છે. આ ક્ષેત્રોમાં વિકાસની માહિતી સંક્ષિપ્તમાં નીચે આપી છે :

(i) બૅંકો : ભારતીય બૅંકિંગ-વ્યવસ્થામાં મધ્યસ્થ બૅંક (Reserve Bank of India), વ્યાપારી બૅંકો, પ્રાદેશિક બૅંકો, ગ્રામીણ બૅંકો, સહકારી બૅંકો વગેરેનો સમાવેશ થાય છે. ઈ. સ. 1969માં કેન્દ્ર સરકારે 14 મોટી વ્યાપારી બૅંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. ત્યાર બાદ ઉદારીકરણની નીતિને પરિણામે અનેક ખાનગી તેમજ વિદેશી બૅંકો પણ અસ્તિત્વમાં આવી છે.

જૂન, 1969માં ભારતમાં બૅંકોની કુલ 8262 શાખાઓ હતી. વ્યાપાર-ઉદ્યોગના વિકાસને પરિણામે જૂન, 2005માં કુલ 68,288 શાખાઓ કાર્યરત હતી, જેમાં વિદેશી બૅંકોની 218 શાખાઓ હતી. આ જ સમયગાળા દરમિયાન બૅંકોની થાપણો રૂ. 3896 કરોડથી વધીને રૂ. 17,57,846 કરોડ થઈ હતી; જ્યારે ધિરાણ રૂ. 3036 કરોડથી વધીને રૂ. 11,69,090 કરોડ હતું. વિદેશી મૂડીરોકાણમાં 49 ટકા સુધીની સવલતને પરિણામે વિદેશી બૅંકો તેમજ આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડોએ ભારતમાં મૂડીરોકાણ કર્યું છે અને અનેક કંપનીઓની સ્થાપના કરી છે.

કમ્પ્યૂટરોના ઉપયોગને પરિણામે ગ્રાહકોને સુવિધા કે સવલતો પૂરી પાડવા બૅંકો સક્રિય બની છે. વળી ગ્રામીણ વિસ્તારોમાંથી થાપણો ઉઘરાવવા તેમજ વિશેષ કરીને ખેડૂતોને ધિરાણ આપવા માટે અંતરિયાળ વિસ્તારોમાં શાખાઓ ખોલવા માટે બૅંકોને પ્રોત્સાહન આપવામાં આવે છે.

ઈ. સ. 195455માં ભારતે રૂ. 597 કરોડના માલસામાનની નિકાસ અને રૂ. 690 કરોડના માલસામાનની આયાત કરી હતી, જ્યારે ઈ. સ. 200506ના વર્ષ દરમિયાન નિકાસ રૂ. 4,64,233 કરોડ અને આયાત રૂ. 6,92,196 કરોડ હતી. આ સઘળી પ્રવૃત્તિઓને બૅંકો સેવા પૂરી પાડે છે.

(ii) વીમો : વીમાક્ષેત્ર બે વિભાગમાં વહેંચાયેલ છે. એક છે જીવનવીમો; જેમાં જીવન-આધારિત વીમા ઉતારવામાં આવે છે અને બીજો છે સામાન્ય વીમો; જેમાં આગ, અકસ્માત, ચોરી, લૂંટફાટ તેમજ દરિયાઈ વીમાનો સમાવેશ થાય છે. ઈ. સ. 1956માં વીમા-ઉદ્યોગના રાષ્ટ્રીયકરણ પશ્ર્ચાત્ જીવનવીમાના ક્ષેત્રે જીવનવીમા નિગમ (Life Insurance Corporation of India – LIC) અને સામાન્ય વીમાક્ષેત્રે નૅશનલ ઇન્સ્યૉરન્સ કંપની લિ., યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યૉરન્સ કંપની લિ., ઓરિયેન્ટલ ઇન્સ્યૉરન્સ કંપની લિ. અને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યૉરન્સ કંપની લિ. કાર્યરત હતી. ઈ. સ. 2000માં વીમા-ઉદ્યોગ તરફ સરકારે ઉદારીકરણની નીતિ અપનાવ્યા બાદ અનેક વિશ્વવિખ્યાત વીમા કંપનીઓ મુખ્યત્વે ભારતીય કંપનીઓના સહયોગથી જીવનવીમા તેમજ સામાન્ય વીમાક્ષેત્રે કાર્યરત છે; તેમાં ટાટા એ.આઇ.જી., રિલાયન્સ જનરલ, આઇ.સી.આઇ.સી.આઇ. લૉમ્બાર્ડ, એચ.ડી.એફ.સી., જનરલ, બજાજ એલાયન્સ વગેરે વધુ સક્રિય છે.

જીવનવીમા નિગમે ઈ. સ. 1957માં રૂ. 200 કરોડનું પ્રીમિયમ એકત્ર કર્યું હતું, જે ઈ. સ. 2005-06માં રૂ. 27,000 કરોડ થયું હતું. તેવી જ રીતે સામાન્ય વીમા કંપનીઓએ ઈ. સ. 1985માં રૂ. 1204 કરોડનું પ્રીમિયમ અને ઈ. સ. 2005-06માં રૂ. 19,000 કરોડનું પ્રીમિયમ મેળવ્યું હતું. જનતામાં જાગૃતિને કારણે વીમા-ઉદ્યોગનો વિકાસ ઝડપથી થવાની શક્યતા છે. આ ક્ષેત્રમાંથી સરકારને ઠીક ઠીક સેવાવેરો મળી રહે છે.

(iii) મૂડીબજાર (capital market) : મૂડીબજારનો વિકાસ દેશના અર્થતંત્ર સાથે સંકળાયેલો છે. તેનો હેતુ જનતાની બચતનું વિવિધ કંપનીઓના શૅરો તેમજ કંપનીઓમાં અને સરકારની જામીનગીરીઓમાં રોકાણ દ્વારા દેશના આર્થિક વિકાસમાં નાણાંની તરલતા (liquidity) પૂરી પાડવાનું છે. તેમાં પ્રાથમિક રોકાણમાં નવી કંપનીઓના શૅરો બજારમાં પ્રસ્તુત કરી મૂડી આકર્ષવામાં આવે છે; જ્યારે સ્થાયી કંપનીઓ પોતાના શૅરો નક્કી કરેલ કિંમતે બજારમાં પ્રસ્તુત કરી મૂડી આકર્ષે છે. આ ઉપરાંત સ્થાયી કંપનીઓના શૅરબજારમાં નોંધાયેલ શૅરોની શૅરબજારો દ્વારા વિશાળ પાયા પર ખરીદ-વેચાણની પ્રવૃત્તિ થાય છે. વળી મ્યુચ્યુઅલ ફંડો દ્વારા પણ મૂડીને આકર્ષી, તેનું શૅરો તથા જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવે છે. સરકારે ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી વિદેશી કંપનીઓએ શૅરબજારોમાં તેમજ ભારતીય કંપનીઓ સાથે સહયોગ કરી અનેક મ્યુચ્યુઅલ ફંડો શરૂ કર્યાં છે. કેટલીક વિદેશી કંપનીઓ શૅરોમાં સીધું જ રોકાણ પસંદ કરે છે. આવી કંપનીઓમાં આઇ.સી.આઇ.સી.આઇ. પ્રુડન્શિયલ, ડી.એસ.પી., મેટિલ-લીન્ચ, ફ્રેન્કલિન ટેમ્પલ્ટન, જે. એમ. ફાઇનાન્સ વગેરે આગળ રહી છે.

ભારતમાં ઈ. સ. 1946માં 7 શૅરબજારો હતાં, જે ઈ. સ. 2005માં વધીને 23 થયાં હતાં.

ઈ. સ. 1999-2000માં 640 કંપનીઓએ મૂડીબજારમાંથી રૂ. 67,810 કરોડની મૂડી મેળવી હતી; જ્યારે 6 કંપનીઓએ રૂ. 3939 કરોડની વિદેશી મૂડી શૅરો માટે મેળવી હતી. ઈ. સ. 2005-06ના વર્ષ દરમિયાન 1093 કંપનીઓએ રૂ. 78,148 કરોડની મૂડી મેળવી હતી. તેવી જ રીતે 118 કંપનીઓએ વિદેશમાંથી રૂ. 40,247 કરોડની મૂડી મેળવી હતી.

રાષ્ટ્રીય શૅરબજાર (National Stock Exchange – NSE) અનુસાર નવેમ્બર, 1994માં શૅરોમાં રૂ. 2,92,637 કરોડનો વિનિમય થયો હતો; જે માર્ચ, 2006 સુધીમાં રૂ. 28,13,201 કરોડ હતો. મુંબઈ શૅરબજારના (BSE) ઈ. સ. 1978-79ના 100ના સૂચકાંક સામે 5 જુલાઈ, 2007ના રોજ સૂચકાંક 15,000થી પણ વધુ હતો.

ભારતના અર્થતંત્રના વિકાસ સાથે વધુ ને વધુ કંપનીઓ બજારમાંથી મૂડી એકત્ર કરવા આવે છે. વળી વિદેશી કંપનીઓ પણ ભારતના વિકસતા બજારનો લાભ લેવા કંપનીઓની સ્થાપના કરે છે અથવા શૅરોમાં મૂડીરોકાણ કરે છે.

(7) માહિતી અને પ્રસારણ : આ ક્ષેત્રમાં દૈનિક પત્રો, સામયિકો, રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો વગેરેને આવરી લેવામાં આવે છે. તેનું કાર્ય વિશ્વભરમાં બનતા સમાચારો તથા પ્રવાહોના માહિતીપ્રસારણ ઉપરાંત વિજ્ઞાપન અને મનોરંજન પૂરું પાડવાનું છે, તેમાં પણ ટેલિવિઝન અને ફિલ્મ-ક્ષેત્રની વિશેષતા માનસ પર ઝડપી અને ઊંડી અસર પાડે છે. તેથી સૌ કોઈ આ માધ્યમ પર વર્ચસ મેળવવાની આકાંક્ષા ધરાવે છે. તે લોકમતને કેળવવામાં પણ સહાયરૂપ બને છે. આ ક્ષેત્રની બીજી ખાસિયત મૂડીરોકાણના પ્રમાણમાં ઝડપી અને ઊંચું વળતર છે; પરંતુ અસામાજિક તત્વોની પકડમાંથી મુક્ત રાખવા સરકારે આ ક્ષેત્રોને નાણાકીય ધિરાણ મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

(i) દૈનિકો અને સામયિકો : મુદ્રણપ્રક્રિયા દ્વારા સમાચાર અને વિજ્ઞાપનનું પ્રસારણ કરતું આ એક પ્રચલિત અને સૌથી પુરાણું માધ્યમ છે. ભારતમાં મુદ્રણ-માધ્યમનું નિયમન પ્રેસ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા દ્વારા થાય છે. તે ઉપરાંત કેન્દ્ર સરકારના માહિતી પ્રસારણ ખાતા નીચે ‘પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો’, પબ્લિકેશન ડિવિઝન, વિજ્ઞાપન અને દૃશ્ય પ્રસારણ (Directorate of advertising and visual publicity) ખાતું અને પ્રસાર ભારતી વિભાગો છે.

દેશમાં આશરે 51,960 દૈનિકો અને સામયિકોનું પ્રકાશન થાય છે. 101 ભાષાઓમાં પ્રકાશિત થતાં દૈનિકો લગભગ 12 કરોડથી વધુ પ્રતોનું વિસ્તરણ કરે છે તેવો અંદાજ છે. તેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી સૌથી વધુ સમાચારપત્રો બહાર પડે છે. અનેક મર્યાદાઓ અને મુશ્કેલીઓ હોવા છતાં પણ આ મુદ્રણમાધ્યમો એકંદરે પારદર્શક, વૈવિધ્યપૂર્ણ અને સ્વતંત્ર વિચારસરણી દ્વારા લોકશાહીને પ્રોત્સાહન પૂરું પાડે છે અને માહિતીનું પ્રસારણ અને વિજ્ઞાપનકાર્ય કરે છે.

(ii) ટેલિવિઝન : માહિતી, શિક્ષણ અને મનોરંજન સાથે સંકળાયેલ આ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ જોનારના મન પર ઊંડી અસર મૂકી જાય છે. તે લોકમત કેળવવામાં પણ સહાયરૂપ બને છે. ઈ. સ. 1959માં 500 વૉટના ટ્રાન્સમીટર દ્વારા ભારતમાં ટેલિવિઝન પ્રસારણનો આરંભ થયો હતો. ત્યારબાદ ઈ. સ. 1965માં દિલ્હીની આસપાસ 25 કિલોમિટરની ત્રિજ્યા સુધી પ્રસારણ કરતું ટેલિવિઝન-કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું. ઈ. સ. 1972માં મુંબઈમાં અને ઈ. સ. 1975માં કોલકાતા, ચેન્નાઈ, શ્રીનગર, અમૃતસર અને લખનૌમાં ટેલિવિઝન કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં હતાં. ઈ. સ. 1982માં એશિયાડ ઑલિમ્પિક સમયે દેશભરમાં ટેલિવિઝનના રંગીન પ્રસારણની શરૂઆત થઈ હતી. ઈ. સ. 1975-76માં ઈસરો અને નાસાની સહાયથી વિશ્વમાં સૌપ્રથમ સામાજિક શિક્ષણનો આરંભ ટીવી પર થયો હતો. ઈ. સ. 1976માં આકાશવાણી અને દૂરદર્શનને અલગ પાડવામાં આવ્યાં. આજે દૂરદર્શનની લગભગ 25 ચેનલો ઉપરાંત ખાનગી ચેનલોનાં 75થી વધુ ટેલિવિઝન કેન્દ્રો કાર્યરત છે.

1000થી વધુ ટ્રાન્સમીટરો દ્વારા ભારતની લગભગ 90 ટકા વસ્તીને ટેલિવિઝન પ્રસારણનો લાભ મળે છે. આ માધ્યમ દ્વારા સમાચારો, માહિતી, મનોરંજન તેમજ વિજ્ઞાપનોનું પ્રસારણ કરવામાં આવે છે. તેમાં વિજ્ઞાપન આ ક્ષેત્રને ગણનાપાત્ર આવક મેળવી આપે છે.

ટેલિવિઝન પર પ્રસ્તુત થતા કાર્યક્રમો, વિજ્ઞાપનો વગેરેની મહદ્અંશે પહેલાં ફિલ્મ ઉતારવામાં આવે છે. તેણે ફિલ્મ-ઉદ્યોગને તેના કપરા સમયમાં સહારો આપ્યો હતો. આ ક્ષેત્ર દ્વારા જનતાને માહિતી, પ્રસારણ અને મનોરંજનની સેવા પૂરી પાડવામાં આવે છે.

(iii) ફિલ્મો : ભારતની મનોરંજન વ્યવસ્થામાં ફિલ્મોનું સ્થાન આગવું છે. છેલ્લાં પંચોતેર વર્ષોમાં તેણે ભારતની જનતાનું ગણનાપાત્ર મનોરંજન કર્યું છે. નવમી પંચવર્ષીય યોજનામાં આ વ્યવસાયને ઉદ્યોગ જાહેર કરવામાં આવ્યો હતો; જેને પરિણામે તે બૅંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવવા માટે પાત્ર ગણવામાં આવે છે. આ ક્ષેત્રમાં ઈ. સ. 1998માં આશરે રૂ. 2000 કરોડનો અને ઈ. સ. 2005માં લગભગ રૂ. 3000 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. સરકારે ફિલ્મોનાં દિગ્દર્શન, ફોટોગ્રાફી, સજાવટ, વેશભૂષા, અભિનય વગેરેની તાલીમ માટે પુણે અને કોલકાતામાં કેન્દ્રોની સ્થાપના કરી છે. આ ઉદ્યોગ લાખો માણસોને રોજગારી પૂરી પાડે છે.

(iv) રેડિયો : ટેલિવિઝનના આગમન પહેલાં માહિતી, શિક્ષણ અને મનોરંજન પૂરું પાડતું એકમાત્ર માધ્યમ રેડિયો હતું. ઈ. સ. 1940માં રેડિયોનાં સઘળાં કેન્દ્રો દ્વારા ફક્ત 27 સમાચાર બુલેટિનોનું પ્રસારણ કરવામાં આવતું હતું. સરકારની ઉદારીકરણની નીતિને પરિણામે ખાનગી ચેનલો પણ શરૂ થઈ છે, જે આવૃત્તિ સમાવર્તન (frequency modulation – FM) ચેનલો તરીકે પ્રચલિત છે. આ ચેનલો માહિતી અને મનોરંજન ઉપરાંત વિજ્ઞાપનોનું પણ પ્રસારણ કરે છે. દેશમાં આવી 100 ચેનલો પ્રવૃત્ત કરવાનું આયોજન છે. ટેલિવિઝનના આગમન છતાં પણ ટેકરિયાળ અને અંતરિયાળ પ્રદેશોમાં રેડિયો જ સમાચાર અને મનોરંજનનું માધ્યમ છે.

કેન્દ્ર સરકારે ઈ. સ. 2005-06માં આશરે રૂ. 37,500 કરોડનો સેવાવેરો વિવિધ સેવા-ઉદ્યોગોમાંથી મેળવ્યો હતો. ઈ. સ. 2006-07નું લક્ષ્યાંક રૂ. 50,000 કરોડનું રાખવામાં આવ્યું છે. દેશના વિકાસ અને આર્થિક ઉત્પાદનમાં સેવાક્ષેત્રનો વધતો જતો હિસ્સો ધ્યાનમાં લેતાં ભવિષ્યમાં સેવા-ઉદ્યોગ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે. વળી સેવાવેરા દ્વારા સરકારની આવકમાં ગણનાપાત્ર વૃદ્ધિ થશે તેવી આશા છે.

સેવા-ઉદ્યોગ દેશની આર્થિક પ્રગતિમાં અગત્યનો ફાળો પ્રદાન કરે છે. જે દેશ જ્ઞાન, તકનીકી અને કૌશલ્યમાં અગ્રેસર નીવડે તે આર્થિક પ્રગતિ સાધીને વિશ્વભરમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરે છે. ભારતના આર્થિક ઉત્પાદનમાં સેવા-ઉદ્યોગનો ફાળો ગણનાપાત્ર રહ્યો છે. તેનો વિકાસ ભવિષ્યમાં ભારતને વિકસિત દેશોની અગ્રણી હરોળમાં સ્થાપિત કરી શકશે તેવી આશા હાલની પરિસ્થિતિમાં વધુ પડતી ગણી ન શકાય.

ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ