સેલ (Sale)
January, 2008
સેલ (Sale) : ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં આવેલું ગિપ્સલૅન્ડ જિલ્લાનું શહેર. ભૌગોલિક સ્થાન : 38° 06´ દ. અ. અને 147° 04´ પૂ. રે.. તે લા ટ્રોબેની સહાયક નદી થૉમ્સનને કાંઠે વસેલું છે. તેનાં જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 19.4° સે. અને 9.4° સે. જેટલાં રહે છે. આ શહેર સિંચાઈની સુવિધાવાળા સમૃદ્ધ ખેતી અને ચરિયાણવિસ્તારથી તેમજ ડેરીપેદાશોના ઉત્પાદનવાળા વિસ્તારથી વીંટળાયેલું છે. અહીં પ્લાસ્ટિકનું કારખાનું તથા દૂરતટીય ખનિજતેલ-વાયુના ઉદ્યોગને લગતી સેવા-કંપનીઓ આવેલાં છે.
અહીં પૂર્વ સેલ ખાતે 1943થી રૉયલ ઑસ્ટ્રેલિયન ઍરફોર્સનું મથક કાર્યરત છે, આ શહેરની પશ્ચિમે મૅલબૉર્ન આવેલું છે. તે મોરવેલ અને મો શહેરો સાથે રસ્તાઓથી સંકળાયેલું છે. ત્યાં તાલીમી શાળા પણ રાખવામાં આવેલી છે. નજીકમાં આવેલી બાસની સામુદ્રધુનીમાં 1965માં ખનિજતેલ અને કુદરતી વાયુનું ક્ષેત્ર શોધી કાઢવામાં આવેલું છે. તેલ અને વાયુની ઉપલબ્ધિને કારણે આ શહેર તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓનું વાણિજ્યમથક બની રહેલું છે. ત્યાંથી ઑસ્ટ્રેલિયાને 70 % ખનિજતેલની તેમજ વિક્ટોરિયા રાજ્યને 99 % વાયુની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. વસ્તી : 13,366 (1999).
ગિરીશભાઈ પંડ્યા