સેલમ : તામિલનાડુ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11° 39´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે.ની આજુબાજુનો 5,220 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ધર્મપુરી, પૂર્વમાં વિલ્લુપુરમ્ રામસ્વામી પદૈયાત્ચિયાર અને પેરામ્બુર થિરુવલ્લુવર, દક્ષિણે પેરુમ્બિડુગુ મુથરયાર અને રાજાજી તથા પશ્ચિમે પેરિયાર જિલ્લાઓ આવેલા છે. જિલ્લામથક સેલમ જિલ્લાના મધ્યભાગમાં દક્ષિણ તરફ આવેલું છે.

સેલમ જિલ્લો

ભૂપૃષ્ઠ જંગલો : આ જિલ્લો ટેકરીઓવાળું તથા અસમતળ મેદાની ભૂપૃષ્ઠ ધરાવે છે. મેદાનોની ઊંચાઈ સ્થાનભેદે 152થી 366 મીટર વચ્ચેની છે. જિલ્લામાં કાલરાયણ, બોદામલાઈ, પચલમલાઈ, કંજામલાઈ અને સિદ્ધમલાઈ હારમાળાઓ છે. તેમાં આશરે 1000થી 1500 મીટરની ઊંચાઈ ધરાવતાં શિખરો છે. પહાડી હારમાળાઓમાં વિસ્તૃત જંગલવિસ્તારો પણ છે. સુખડ, વાંસ, લાકડાં, આમલી, ચામડાં કમાવવા માટે જરૂરી છાલ આપતાં વૃક્ષો આ જંગલોમાંથી મળે છે. વળી કેટલીક વન્યપેદાશોમાંથી સુખડનું તેલ અને કાગળનું ઉત્પાદન પણ લેવાય છે.

જળપરિવાહ : કાવેરી આ જિલ્લાની મુખ્ય નદી છે. તે સેલમ અને કોઈમ્બતુર જિલ્લાઓની સરહદ પરથી દક્ષિણ તરફ વહે છે. વશિષ્ઠ અને સ્વેદા નદીઓ મેત્તુર તાલુકાને વીંધીને પસાર થાય છે. મેત્તુર જળાશયમાંથી સેલમ જિલ્લાને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે, તેની જળવિદ્યુત-યોજનાથી વીજળી મળી રહે છે.

ખેતી : ખેતી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, કોલમ, કુમ્બુ, રાગી, બાજરી, કઠોળ, તેલીબિયાં, ટેપિયોકા, કપાસ, શેરડીનો સમાવેશ થાય છે. મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવા છતાં કૂવા અને તળાવોનાં પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મેત્તુર જળાશયમાંથી નહેરો મારફતે સિંચાઈ ઉપલબ્ધ કરવામાં આવે છે. અહીંની જમીનો લાલ રંગની રેતાળ છે, ક્યાંક ક્યાંક કાળી જમીનો પણ જોવા મળે છે. ખેડાણયોગ્ય જમીનો પૈકી 90 % જમીનોમાં ખાદ્યપાકોનું વાવેતર થાય છે.

પશુપાલન : ખેતી ઉપરાંત અહીંના કેટલાક લોકો પશુપાલનના વ્યવસાયમાં રોકાયેલા છે. અહીંનાં પશુપ્રાણીઓમાં ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ડુક્કર, મરઘાં, બતકાંનો સમાવેશ થાય છે. ઊન મેળવવા માટે ઘેટાઉછેરકેન્દ્રો તથા તે માટેની મંડળીઓ સ્થાપવામાં આવેલ છે. સાલેમ જિલ્લાના મેત્તુર જળાશય ખાતે મત્સ્યકેન્દ્ર ઊભું કરવામાં આવેલું છે, જ્યાંથી વાર્ષિક આશરે 20,000 મેટ્રિક ટન માછલીનું ઉત્પાદન લેવાય છે. આ ઉપરાંત શેવરૉય ટેકરીઓમાં આવેલા યેરકૉડ સરોવરમાંથી ઠંડા જળની માછલીઓ મેળવાય છે.

ઉદ્યોગો : આ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ ઓછા પ્રમાણમાં થયેલો છે; પરંતુ અહીં સમૃદ્ધ ખનિજનિક્ષેપો આવેલા છે. બૉક્સાઇટ, મૅગ્નેસાઇટ, ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, સોપસ્ટોન, લોહઅયસ્ક અહીં સારા પ્રમાણમાં મળી આવે છે. જિલ્લામાં સાલેમ સ્ટીલ પ્લાન્ટ અને હાથસાળ-ઉદ્યોગો વિકસેલા છે.

વેપાર : જિલ્લાનાં નગરોમાં ચોખા, કૃત્રિમ રેશમ, રસાયણો, યાંત્રિક સાળ અને હાથવણાટનું કાપડ, ધોતી, ઘઉંની પેદાશો, કાથી, વનસ્પતિ-તેલ વગેરેનું ઉત્પાદન લેવાય છે. બૉક્સાઇટ, નાળિયેર, કાથી, સૂતરની અમુક જાત, ટેપિયોકા, યાંત્રિક સાળની કાપડપેદાશોની નિકાસ તથા રંગો, રેશમના તાર, સૂતરની અમુક જાત અને ડુંગળીની આયાત કરવામાં આવે છે.

પરિવહન : સેલમ જિલ્લામથક હોવાથી દક્ષિણ વિભાગની બ્રૉડગેજ અને મીટરગેજ રેલસેવાનો લાભ તેને મળે છે. સેલમ રેલમાર્ગ દ્વારા મૅંગલોર, તિરુચિરાપલ્લી, તિરુવનન્તપુરમ્, બૅંગાલુરુ, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હી સાથે જોડાયેલું છે. જિલ્લામાં પૂરતા પ્રમાણમાં સડકમાર્ગો આવેલા છે. રાષ્ટ્રીય ધોરી માર્ગો 7 અને 47 સેલમમાંથી પસાર થાય છે. જિલ્લાનાં મોટાભાગનાં બધાં જ સ્થળો (નગરો અને ગામો) બસસેવાથી સંકળાયેલાં છે.

પ્રવાસન : અહીં વિસ્તરેલી હારમાળાઓ ભવ્ય કુદરતી દૃશ્ય ઊભું કરે છે. ટેકરીઓ પર મંદિરો તેમજ અન્યત્ર વિહારધામો આવેલાં છે. ઊંચાઈનાં સ્થળો પરની આબોહવા ખુશનુમા રહે છે. સરોવરો, ઉદ્યાનો, વાડીઓ, બાગાયતી સંશોધન-મથકો, શિખરોનાં કુદરતી દૃશ્યો અને મંદિરો અહીંનાં જોવાલાયક સ્થળો છે. જિલ્લાનું પ્રવાસી વિકાસ-નિગમ પ્રવાસી બંગલો નિભાવે છે. જિલ્લામાં ચેરા, ચોલા અને પાંડ્ય સમયનાં નાનાંમોટાં 750 મંદિરો આવેલાં છે. આ પૈકીનાં થોડાં તો 1000 વર્ષ જૂનાં છે, જ્યારે એક મંદિર 5000 વર્ષ જેટલું પ્રાચીન છે. વારતહેવારે અહીં મેળા અને ઉત્સવોનું આયોજન થતું રહે છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 29,92,754 જેટલી છે. તે પૈકી સ્ત્રી-પુરુષોની વસ્તી લગભગ સરખી છે, જ્યારે ગ્રામીણ-શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 66 % અને 33 % જેટલું છે. જિલ્લામાં હિન્દુઓનું પ્રમાણ વિશેષ (90 %) છે; જ્યારે મુસ્લિમ, શીખ, બૌદ્ધ, જૈન વગેરેની વસ્તી તદ્દન ઓછી છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ લગભગ 80 % જેટલું છે. 1996 મુજબ જિલ્લામાં 30 જેટલી ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ છે. જિલ્લાનાં નગરોમાં 8 હૉસ્પિટલો, 12 ચિકિત્સાલયો, 6 કુટુંબનિયોજનકેન્દ્રો અને 4 સ્વાસ્થ્યકેન્દ્રો આવેલાં છે. વહીવટી અનુકૂળતા માટે જિલ્લાને 5 તાલુકા, 18 સમાજ-વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે.

ઇતિહાસ : સેલમ જિલ્લાના જૂના ઇતિહાસની માહિતી ઉપલબ્ધ નથી. તેનો ઇતિહાસ એટલે ચેરા, ચોલા અને પાંડિયન શાસકોના સંગ્રામનો ઇતિહાસ. બારમી સદીમાં ચોલા સામ્રાજ્યના ક્ષય સાથે હોયસલો આવ્યા. ચૌદમી સદીમાં હોયસલોનું પ્રભુત્વ રહ્યું. તે પછીથી 1565 સુધી અહીં વિજયનગર સામ્રાજ્યનું વર્ચસ્ રહેલું. તે પછી 1623માં સાલેમ મદુરાઈ નાયકોને હસ્તક ગયું. સત્તરમી સદી(1635)માં અહીં મુસ્લિમો આવ્યા. હૈદર અને ટીપુ સુલતાનનું શાસન પણ રહેલું. હૈદરઅલી અને ટીપુ સુલતાનને અંગ્રેજો સાથે સત્તાસંઘર્ષ ચાલ્યા કરેલો. છેવટે 1792માં આ વિભાગ બ્રિટિશ શાસન હેઠળ ગયો. 1971-81 દરમિયાન, તાલુકાઓમાં ફેરફારો કરવામાં આવેલા. 1991ની વસ્તીગણતરી પછી, જિલ્લાનું બે વિભાગો(સેલમ અને રાજાજી)માં વિભાજન કરવામાં આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા