સેલાન્ગોર : મલેશિયા દ્વીપકલ્પના પશ્ચિમ કિનારા પરનું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 3° 30´ ઉ. અ. અને 101° 30´ પૂ. રે.ની આજુબાજુનો 7,956 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યની ઉત્તર તરફ પેરાક, પૂર્વ તરફ પૅહાગ, અગ્નિ તરફ નેગ્રી સેમ્બિલાન તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ મલાક્કા(મલેકા)ની સામુદ્રધુની આવેલાં છે. મલેશિયન પાટનગર ક્વાલાલુમ્પુર, સેલાન્ગોરની સરહદોની અંદર આવેલું છે. તેનો વહીવટ અલગ રીતે કરવામાં આવે છે. રાજ્યનું પાટનગર શાહઆલમ છે.

ભૂપૃષ્ઠ : મલેશિયાના પર્વતોની મુખ્ય હારમાળા પૂર્વમાં પૅહાગ સાથે રાજ્યસીમા રચે છે. આ હારમાળા ગીચ જંગલોવાળી છે. સેલાન્ગોર, લેંગાત, કેલાંગ અને બર્નાસ નદીઓ આ પ્રદેશમાંથી નીકળે છે, પશ્ચિમ તરફ વહે છે અને મલાક્કાની સામુદ્રધુનીને મળે છે. આ હારમાળાના પશ્ચિમ ભાગમાંથી કલાઈના નિક્ષેપો મળે છે. તળેટીટેકરીઓની પશ્ચિમે નીચું મેદાન આવેલું છે, જે કિનારા સુધી વિસ્તરેલું છે. આ મેદાન નદીઓએ ખેંચી લાવેલા કાંપમાંથી બનેલું છે. કિનારાની ધારે ધારે ચેરનાં વૃક્ષો પથરાયેલાં છે. આ મેદાની પટ્ટાની પાછળ ખેતીનો વિશાળ પ્રદેશ આવેલો છે. તેમાં ફળના પ્રદેશો અને વર્ષા-જંગલોવાળો નીચો વિસ્તાર પણ છે.

સેલાન્ગોર

અર્થતંત્ર : મલેશિયાનાં રાજ્યો પૈકી સેલાન્ગોર વિકસેલું અને આર્થિક દૃષ્ટિએ સધ્ધર રાજ્ય ગણાય છે. બ્રિટિશ હકૂમત હેઠળ અહીંથી કલાઈ અને રબરની નિકાસ થતી હતી, સારી આવક પણ મળતી હતી. નિક્ષેપોમાંથી કલાઈની શિરાઓ ઘટી જવાથી, 1960 પછી આ ખાણ-ઉદ્યોગ મંદ પડી ગયો છે; પરંતુ એ જ ગાળા દરમિયાન, અન્ય ઔદ્યોગિક ઉત્પાદનોનું વિસ્તરણ થયું છે. ક્વાલાલુમ્પુર અને પૉર્ટ કેલાંગ વચ્ચેની કેલાંગ ખીણમાં ઉદ્યોગો વિકસ્યા છે. ભારે ઉદ્યોગોમાં પોલાદ-ઉત્પાદક એકમનો સમાવેશ થાય છે; પરંતુ હવે ઊંચી ટૅક્નૉલૉજી-આધારિત ઉત્પાદન પર વધુ ભાર મુકાય છે. રાજ્યના પાટનગર શાહઆલમમાં મલેશિયન મોટરવાહન(પ્રોટૉન સાગા)નું ઉત્પાદન થાય છે. આ રાજ્યમાં ખાદ્યપ્રક્રમણના પણ ઘણા એકમો આવેલા છે.

સેલાન્ગોરની ખેતીની પેદાશોમાં ડાંગર, કોકો, કૉફી, નાળિયેર; ખાણપેદાશોમાં મુખ્યત્વે કલાઈનો તથા ઉત્પાદન-પેદાશોમાં પામતેલ, ખાદ્યસામગ્રી, વીજળીનાં સાધનો, પોલાદ અને વાહનોનો સમાવેશ થાય છે.

દેશનું પાટનગર ક્વાલાલુમ્પુર પણ આ જ રાજ્યમાં આવેલું હોવાથી વાહનવ્યવહારની સુવિધા શ્રેષ્ઠ પ્રકારની છે. ઉત્તરથી દક્ષિણ જતો પશ્ચિમ કાંઠાનો રેલમાર્ગ સેલાન્ગોરમાંથી પસાર થાય છે. આખાય દ્વીપકલ્પની સડકગૂંથણીમાં આ રાજ્ય મધ્યમાં આવેલું હોવાથી ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ પસાર થતા માર્ગો સેલાન્ગોરને સાંકળે છે. કેલાંગ અહીંનું બંદર છે અને તે હવાઈ મથક પણ ધરાવે છે. – સુબાંગ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ છે.

વસ્તી-લોકો : 2000 મુજબ સેલાન્ગોરની વસ્તી 32,87,800 જેટલી છે. અહીંની 44 % વસ્તી મલય લોકોની જ છે, તે ઉપરાંત 37 % ચીની, 17 % ભારતીય તથા 2 % અન્ય છે. રાજ્યની મોટાભાગની વસ્તી રાજ્યના પાટનગર ક્વાલાલુમ્પુરની આજુબાજુ વસે છે. ઉદ્યોગોના વિકાસની સાથે સાથે નવાં નગરો (પેટાલિંગ જેવાં ઉપગ્રહીય નગરો) નિર્માણ પામતાં ગયાં છે. આવાં નગરોમાંથી ઘણા લોકો પાટનગર ખાતે નોકરી કરવા જાય છે. ક્વાલાલુમ્પુર ઉપરાંત શાહઆલમ, કેલાંગ, પેટાલિંગ જેવા મુખ્ય શહેરી વિસ્તારો આ રાજ્યમાં આવેલા છે. રાજ્યના વડાને ‘સુલતાન’ કહેવાય છે. રાજ્ય વિધાનસભા 42 % બેઠકો ધરાવે છે. નવા વિકસેલા પાટનગર શાહઆલમમાં આવેલી મસ્જિદ જાણીતી છે.

ઇતિહાસ : કહેવાય છે કે નવપાષાણ યુગ વખતે પણ અહીંની કેલાંગ ખીણમાં માનવ-વસવાટ હતો. 14મી સદી દરમિયાન, કેલાંગ અને આજુબાજુનો કાંઠાવિસ્તાર વિશાળ જાપાની સામ્રાજ્યનો એક ભાગ હતો. 15મી સદીમાં તે દક્ષિણ તરફના મલાક્કાના કબજા હેઠળ આવ્યું. 1511માં પોર્ટુગીઝોએ મલાક્કા લઈ લીધું, તેથી કેલાંગના શાસકોને અનુકૂળ સંજોગો મળ્યા.

અહીં કલાઈધારક નિક્ષેપોની જાણ થઈ હોવાથી વિદેશીઓ અહીં આવવા આકર્ષાયા. 1641માં ડચ લોકોએ પોર્ટુગીઝો પાસેથી મલાક્કા લઈ લીધું. કુઆલા લિંગ્ગી અને કુઆલા સેલાન્ગોર ખાતે કિલ્લાઓ બાંધ્યા. કલાઈનો સ્થાનિક વેપાર હાથમાં લેવાના પ્રયાસો આદર્યા. એ જ ગાળામાં બુગિસ વેપારીઓએ મૂળ મિનાંગ કાબો વસાહતીઓને હાંકી કાઢ્યા. 18મી સદીના મધ્યકાળ સુધીમાં, બુગિસોએ સલ્તનતની સ્થાપના કરી. કુઆલા સેલાન્ગોરને પાટનગર બનાવ્યું અને ક્રમે ક્રમે ડચ સત્તાનો પ્રતિકાર કરતા રહ્યા.

નવા વિકસેલા પાટનગર શાહઆલમમાં આવેલી ‘સેલાન્ગોર મસ્જિદ’

19મી સદીના મધ્યકાળથી કલાઈની આંતરરાષ્ટ્રીય માંગ વધતી ગયેલી, તેથી સેલાન્ગોરનું અર્થતંત્ર સુધર્યું હતું. ચીનના હજારો ખાણિયાઓ કલાઈના ખોદકામ માટે અહીં આવેલા. કલાઈ-નિક્ષેપો પર કાબૂ જમાવવા ચીની શ્રીમંતો અને મલાયાના શાસકો વચ્ચે સંઘર્ષો થયા. 1860-70 દરમિયાન આ રાજ્ય આપખુદ સત્તા અને આંતરયુદ્ધ તરફ દોરાતું ગયેલું. 1970-80ના શરૂઆતના ગાળામાં મલાક્કાની સામુદ્રધુનીની વસાહતોની જાળવણી અને રાજકીય વ્યવસ્થામાં બ્રિટિશ વહીવટ વચ્ચે પડ્યો. 1874માં બ્રિટિશ હકૂમતે સેલાન્ગોર ખાતે એક રેસિડન્ટની નિમણૂક કરી. સુલતાન રાજ્યના વડા રહ્યા, પ્રજાના સ્થિતિ-સંજોગો એ જ રહ્યા; પરંતુ અહીં બ્રિટિશ સત્તાનું વર્ચસ્ ઊભું થયું. 1896માં બ્રિટિશ સત્તાએ સેલાન્ગોરને પેરાક, પૅહાગ અને નેગ્રી સેમ્બિલાનને જોડી દીધાં. તેનું પાટનગર ક્વાલાલુમ્પુર રહ્યું. પરિણામે મલાયાના શાસકોની રાજકીય સ્થિતિ નબળી પડી; પરંતુ સેલાન્ગોરનું અર્થતંત્ર વિકસતું ગયું. રબર અને કલાઈનું ઉત્પાદન ઝડપથી વિસ્તરતું ગયું. રસ્તા, રેલમાર્ગો, બંદર-સુવિધાઓ ઉપલબ્ધ થયાં. 1948માં સેલાન્ગોર મલાયાના સમવાય તંત્રનું ભાગ બન્યું. 1957ના ઑગસ્ટની 31મી તારીખે તે બ્રિટિશ હકૂમતમાંથી સ્વતંત્ર બન્યું. 1960થી તેનો ક્રમશ: વિકાસ થતો રહ્યો છે. 1969ના મે માસમાં ચીની-મલાયાવાસીઓ વચ્ચે હુલ્લડો ફાટી નીકળેલાં. 1973માં અહીં સુલતાનનું વર્ચસ્ સ્થપાયું.

ગિરીશભાઈ પંડ્યા