સેલવાસા : કેન્દ્રશાસિત દાદરા-નગર હવેલીનું પાટનગર – મુખ્ય વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 20° 17´ ઉ. અ. અને 73° 00´ પૂ. રે.. તે દમણથી અગ્નિ દિશામાં 21 કિમી. અંતરે દમણગંગા નદી નજીક વસેલું છે. સહ્યાદ્રિ પર્વતમાળામાં તે આવેલું હોવાથી તેની આબોહવા ખુશનુમા અને સ્વાસ્થ્યપ્રદ રહે છે. બારેમાસ લીલાં જંગલોથી ઘેરાયેલું રહેતું હોવાથી ઉનાળામાં ગરમીનો અનુભવ ઓછો થાય છે. અહીં આવેલાં જંગલોમાં સાગ, સાદડ, ખેર, મહુડો, સીસમ વગેરે જેવાં વૃક્ષોનું પ્રમાણ વધુ છે.
આ નગર જંગલપેદાશોનું તેમજ ડાંગર, કઠોળ અને ફળોનું મુખ્ય બજાર બની રહેલું છે. અહીં ગૃહઉદ્યોગો, ઇજનેરી અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ બનાવવાના એકમો સ્થપાયેલા છે.
નગરમાં પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ છે. અહીં ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા નથી. પુસ્તકાલય અને રમતગમતના મેદાનની સગવડ છે. આ ઉપરાંત આરોગ્યકેન્દ્રો તેમજ ચિકિત્સાલયો પણ છે.
2001 મુજબ આ નગરની વસ્તી અંદાજે 15,000 જેટલી છે. અહીં આદિવાસીઓ-વારલી, દૂબળા, ઘોડિયા અને ભીલ જાતિના લોકો-ની વસ્તી વિશેષ છે.
અહીં ઇન્દિરા પ્રિયદર્શિની ઉદ્યાન, તપોવન ઉદ્યાન અને આદિવાસી સંગ્રહાલય આવેલાં છે. સુંદર બાગ-બગીચા-ફુવારા અને પ્રાકૃતિક સૌંદર્યની ભેટને કારણે અહીં ચિત્રપટ-ઉદ્યોગ વિકસ્યો છે.
નીતિન કોઠારી