સેફ ડિપૉઝિટ વોલ્ટ : પોતાનાં ઝવેરાત, મૂલ્યવાન દસ્તાવેજો તથા નાણાં અને બીજી કિંમતી વસ્તુઓ સલામત રાખવા માટે ગ્રાહકોને બૅન્ક દ્વારા ભાડે આપવામાં આવતાં સ્ટીલનાં મજબૂત કબાટોનાં જુદાં જુદાં ખાનાં. સેફ ડિપૉઝિટ વોલ્ટ બધી જ દૃષ્ટિબિંદુએ સલામત એવું અમાનતો જાળવવાનું ભોંયરું છે. આ ભોંયરામાં એટલે કે વોલ્ટમાં નાનાંમોટાં ખાનાંઓવાળું ખૂબ મજબૂત કબાટ હોય છે. પ્રત્યેક ખાનાને ખોલવા માટે બે ચાવીઓની જરૂર પડે છે. આ ખાનાં ભાડે આપવામાં આવે છે. નાનાંમોટાં ઘનફળવાળાં બે-ત્રણ પ્રકારનાં કદવાળાં ખાનાં હોય છે. સેફ ડિપૉઝિટ વોલ્ટનો માલિક ખાનાં ભાડે આપે છે. નાના ખાનાનું ઓછું અને મોટા ખાનાનું વધારે ભાડું હોય છે. આ બધાં કબાટો સામાન્ય રીતે ભૂતળમાં એટલા માટે રાખવામાં આવે છે કે જેથી સલામતીની ખાતરી મળે. વળી આ બધાં જ કબાટોનો ‘સ્ટ્રૉંગ રૂમ’થી ઓળખાતો આગ, ચોરી, લૂંટફાટ વગેરેની સામે સંપૂર્ણ રક્ષણ આપતો ઓરડો હોય છે. દરેક ખાનાની બે ચાવી એટલા માટે રાખવામાં આવે છે કે ખાનું ભાડે રાખનાર અને આપનાર દરેક પાસે એક એક ચાવી રહે. ખાનું ખોલવા માટે ભાડે રાખનાર ભોંયરામાં દાખલ થાય કે તુરત જ એણે નિયત રજિસ્ટરમાં આપેલા નમૂના પ્રમાણે પોતાની સહી કરવાની હોય છે. વળી તારીખ, વાર, દાખલ થયાનો સમય અને જ્યારે વોલ્ટ છોડી જાય ત્યારે છોડવાનો સમય લખવાનો હોય છે. ભાડે રાખનાર સહી કર્યા પછી જ સ્ટ્રૉંગ રૂમમાં દાખલ થઈ શકે છે. આમ ભાડે આપનાર કે લેનાર સિવાયની કોઈ પણ વ્યક્તિ સ્ટ્રૉંગ રૂમમાં દાખલ થઈ શકતી નથી, સિવાય કે તે અદાલતી હુકમો કે સક્ષમ અધિકારીઓના હુકમો હેઠળ પોલીસ કે તેવી અધિકૃત વ્યક્તિઓ હોય.

ભાડે રાખનારની સાથે ભાડે આપનાર કે તેનો અધિકૃત પ્રતિનિધિ પોતે પોતાની ચાવી લઈને ખાનું ખોલતા હોય છે. કામકાજ પૂરું થતાં બંને જણા ખાનાને બંધ કરતા હોય છે. અલબત્ત, કેટલાક વોલ્ટમાં ભાડે રાખનાર માત્ર પોતે જ બંધ કરે ત્યારે ખાનું બંધ થઈ જાય છે. આ બે સિવાય તેની ત્રીજી ચાવી હોતી નથી, તેથી બંને પક્ષોએ પોતપોતાની ચાવી ખૂબ સંભાળીને રાખવાની હોય છે. ભાડે રાખનાર ખૂબ ટૂંકી મુદતમાં જો ખાનું બંધ કરાવી દે તો ખાનાનાં લીવર બદલી નાંખીને નવી ચાવીઓ તૈયાર કરવામાં આવે છે. આમ આ વોલ્ટ બધી જ રીતે અમાનતોની સલામતી બક્ષે છે. ખાનામાં કઈ જણસો અને અમાનતો મૂકવામાં આવે છે તેની સંપૂર્ણ ગુપ્તતા ભાડે રાખનાર ગ્રાહક દ્વારા જાળવવામાં આવે છે. આ કારણે ભાડે આપનાર પોતાની ચાવીથી ખાનું ખોલ્યા બાદ ખાના પાસેથી ખસી જાય છે.

પ્રણાલિકાગત બન્યું છે એવું કે આ વોલ્ટનું સંચાલન વેપારી બૅન્કો કરે છે. બૅન્કનાં મૂળભૂત કાર્યોમાં આ સેવાનો સમાવેશ થતો નથી, પરંતુ તે ઉપયોગની સેવાના વર્ગમાં આવે છે અને બૅન્કના અસ્તિત્વનો આધાર જ પરસ્પર વિશ્વાસ પર છે. આ વોલ્ટનું સંચાલન પણ વિશ્વાસ પર આધાર રાખે છે; તેથી બૅંકો આ સેવા આપે છે. બૅન્ક આ કારણસર ભાડા વગેરેની પોતાની સલામતી પણ સાચવી શકે છે. ભાડે લેનાર પાસે તે નિયત રકમની ફિક્સ્ડ ડિપૉઝિટ રસીદ લેવાની ફરજ પાડે છે. એ બૅન્કમાં બચત ખાતું ખોલાવવાનું અને તેમાં નિયત ન્યૂનતમ સિલક રાખવાનું અનિવાર્ય બનાવે છે. નિયત મુદતે એ ખાતામાંથી ભાડાની રકમ આપોઆપ ઉધારી લેવાની કબૂલાત ભાડે રાખનારે આપવાની હોય છે. આમ સેફ ડિપૉઝિટ વોલ્ટની સેવા બૅન્કની વધારાની નૉન-બૅન્કિંગ સેવા (utility service) થઈ ગઈ છે.

અશ્વિની કાપડિયા