સેફર્ટ તારાવિશ્વ (Seyfert galaxy) : એ નામનાં તારાવિશ્ર્વો. આ તારાવિશ્ર્વોનો અભ્યાસ સૌપ્રથમ કરનાર કાર્લ સેફર્ટ (Carl Seyfert : 1911-1960) નામનો અમેરિકાનો ખગોળવિજ્ઞાની હતો. ઈ. સ. 1943માં તેણે પહેલી વાર આ પ્રકારનાં તારાવિશ્ર્વો તરફ ધ્યાન દોર્યું. તેના માનમાં આ તારાવિશ્ર્વોને ‘સેફર્ટ તારાવિશ્ર્વો’ કહેવામાં આવે છે. આ પ્રકારનાં તારાવિશ્ર્વોની ખાસિયત એ છે કે તેમને દૂરબીનમાંથી જોતાં તેમનાં કેન્દ્ર નાનાં, સઘન અને અત્યંત ચળકતાં દેખાય છે. આમ તેમની નાભિ એક તેજસ્વી બિંદુ યા તારા જેવી દેખાય છે. જોકે નાભિની તેજસ્વિતામાં વિભિન્નતા જોવા મળે છે. વળી અન્ય તારાવિશ્ર્વોમાં તરત જ આંખે ચડનારી સર્પિલ ભુજાઓ આ પ્રકારનાં તારાવિશ્ર્વોમાં હોય તોપણ વિશેષ ધ્યાન ખેંચતી નથી. આવાં તારાવિશ્ર્વોની નાભિઓના વર્ણપટ(સ્પેક્ટ્રમ)માં જોવા મળતી પહોળી ઉત્સર્જન-રેખાઓ (broad emission lines) અને નાભિઓમાં ચાલતા પ્રક્ષોભ-વેગ(high turbulence velocities)ની મળતી સાબિતી સૂચવે છે કે સેફર્ટ તારાવિશ્ર્વોની નાભિઓ અતિશય સક્રિય છે અને સંભવ છે કે તેમનાં કેન્દ્રોમાં વિરાટ બ્લૅકહોલ પણ હોય. આથી સેફર્ટ તારાવિશ્ર્વોની નાભિઓ માટે ક્યારેક ‘active galactic nuclei’ (AGNs) શબ્દ પ્રયોજાય છે.

‘NGC 4151’ જેવાં ઘણાં સેફર્ટ તારાવિશ્ર્વો શક્તિશાળી રેડિયો-તરંગોના સ્રોત હોવાનું જણાયું છે તો સામે પક્ષે, કેટલાંકનો ગર્ભભાગ ક્ષીણ રેડિયો-સ્રોત ધરાવે છે. આ ઉપરાંત સેફર્ટ તારાવિશ્ર્વો શક્તિશાળી ક્ષ-કિરણો અને ઘણાં સેફર્ટ તારાવિશ્ર્વો તો શક્તિશાળી ઇન્ફ્રારેડ (અવરક્ત) તથા અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) વિકિરણના પણ સ્રોત છે. સર્પિલ તારાવિશ્ર્વો(spiral galaxies)માંથી એક ટકા તારાવિશ્ર્વો સેફર્ટ હોવાનું જણાયું છે. અત્યાર સુધીમાં લગભગ 150 જેટલાં સેફર્ટ તારાવિશ્ર્વો ઓળખી શકાયાં છે.

સેફર્ટ તારાવિશ્વ

આવું એક અત્યંત જાણીતું સેફર્ટ તારાવિશ્વ તિમિ-મંડળમાં આવેલું ‘M-77’ (NGC 1068) છે. આપણા સૂર્ય કરતાં તેનું દ્રવ્યમાન આઠસો અબજગણું હોવાનું માનવામાં આવે છે. મેસિયે-સૂચિમાં આવતાં તારાવિશ્ર્વોમાં તે સહુથી સ્થૂળ (બૃહત) તારાવિશ્વ છે. સર્પિલના એક પ્રકાર જેવા આ તારાવિશ્વની નાભિ અસામાન્ય તેજસ્વી અને ઘણી સક્રિય છે. સમગ્ર તારાવિશ્વનો ચાક્ષુષ તેજાંક(visual magnitude) આશરે 9 જેટલો છે. રેડિયો-તરંગો ઉત્સર્જિત કરતું આ તારાવિશ્વ ક્વાસાર સાથે સંબંધ ધરાવતું હોવાનું મનાય છે. તે લગભગ પાંચ કરોડ પ્રકાશવર્ષ દૂર આવેલું છે.

સેફર્ટ તારાવિશ્ર્વોના વર્ણપટમાં જોવા મળતા તફાવતને આધારે તથા તેમની નાભિ વગેરેનાં અમુક લક્ષણોને ધ્યાનમાં લઈને ‘સેફર્ટ-1’ અને ‘સેફર્ટ-2’ – એવા બે પ્રકારો પાડવામાં આવ્યા છે. સેફર્ટ-1 ક્વાસારને મળતા આવતા, પણ તેનાથી ઓછી ઊર્જાનું ઉત્સર્જન કરતા હોવાનું માનવામાં આવે છે.

સુશ્રુત પટેલ