સેપોનિન ગ્લાયકોસાઇડ ઔષધો : સ્ટેરૉઇડ્ઝ કે ટ્રાઇટર્પીન એગ્લાયકોન ધરાવતા ગ્લાયકોસાઇડ્ઝ. માનવી પ્રાચીન સમયથી વાનસ્પતિક પેદાશોનો રોગોની સારવાર માટે ઉપયોગ કરતો આવ્યો છે. વનસ્પતિમાં હાજર એવાં અમુક રસાયણો જે ઘણી વાર સ્વાદમાં ગળ્યા, તંદુરસ્તી વધારનાર અને ફીણ ઉત્પન્ન કરનાર હોય છે તેમને સેપોનિન્સ તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ વનસ્પતિ, જેમાં શિમ્બી કુળની વનસ્પતિનો પણ સમાવેશ થાય છે તેવા; દા.ત., વટાણા, વાલ તથા પાલખ, ટમેટાં, બટાટા, આલ્ફા-આલ્ફા વગેરેમાં મળતા સેપોનિન એવા વર્ગના પોષક અણુઓ છે જેઓ એક ઘટક તરીકે શર્કરા ધરાવે છે અને તે આલ્કેલૉઇડ, સ્ટેરૉઇડ કે ટ્રાઇટર્પીન જેવા અન્ય ઘટક સાથે જોડાયેલા હોય છે. આવાં સંયોજનો સેપોનિન ગ્લાયકોસાઇડ કહેવાય છે અને તેમાંનાં કેટલાંક તો ઉત્તમ ઔષધો તરીકે પ્રાચીન કાળથી જાણીતાં છે.

સોલ્ટ લેક સિટી ખાતે આવેલ એન. પી. એસ. ફાર્માસ્યુટિકલ કંપનીના રસાયણવિદ મૅન્યુઅલ એફ. બેલેન્ડ્રીનના મત મુજબ આમાંનાં ઘણાં સંયોજનો કુદરતી પ્રતિજૈવિકો(antibiotics)ની ગરજ સારે છે અને સૂક્ષ્મ જીવાણુઓના હુમલા ખાળે છે તેમજ વિવિધ રોગોના ચેપ (infection) સામે લડવામાં મદદરૂપ થાય છે. ટોરૉન્ટો યુનિવર્સિટી(ઑન્ટેરિયો, કૅનેડા)ના રસાયણવિદ એ. વેન્કટરાવના જણાવ્યા પ્રમાણે, જો સેપોનિન્સ નિયમિત લેવામાં આવે તો કૅન્સરથી બચાય છે. અજમાયશથી જાણી શકાયું છે કે તેઓ શરીરની હૃદયરોગ અને કૅન્સરને પાછા ધકેલવાની શક્તિ વધારે છે; દા.ત., ફૉક્સગ્લવ વનસ્પતિનાં પર્ણોમાંથી મળતું ડિજિટાલિસ સેપોનિન જેવી સંરચના ધરાવે છે અને હૃદયરોગમાં વર્ષોથી અપાય છે.

સેપોનિન ગ્લાયકોસાઇડ્ઝના જૈવરાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરી રહેલા સંશોધકોની માન્યતા મુજબ આ સંયોજનો એવી ક્રિયાવિધિ ધરાવે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ(immunity)ને ઉત્તેજિત કરે છે, સૂક્ષ્મ જીવાણુ તથા ફૂગના હુમલા મારી હઠાવે છે, વિષાણુ સામે રક્ષણ આપે છે અને સ્પર્મિસાઇડ તરીકે વર્તે છે. બેલેન્ડ્રીનના જણાવ્યા મુજબ સેપોનિન અણુઓને વિશિષ્ટ જૈવિક અને રાસાયણિક ગુણધર્મો બક્ષતાં નવાં સંયોજનોની રચના કરી શકાય તેમ છે.

વનસ્પતિમાંથી મળતા ઘણા સેપોનિન ગ્લાયકોસાઇડ્ઝ અર્ક (extract) કે ચૂર્ણના રૂપમાં અથવા ચિકિત્સા-ઔષધની સાથે તેની સક્રિયતા વધારવા માટે વર્ષોથી તેમજ પર્યાયચિકિત્સામાં પણ વપરાય છે. આવાં ઔષધો ચીન, ભારત, યુ.એસ., યુરોપ વગેરે દેશોમાં દાક્તરની દવાચિઠ્ઠી (prescription) સાથે અથવા તેના વિના (over the counter – OTC) ઔષધો તરીકે મળે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ફાર્માકોપિયા (USP), ઇન્ડિયન ફાર્માકોપિયા (IP), બ્રિટિશ ફાર્માકોપિયા (BP) વગેરેમાં પણ તે સમાવિષ્ટ થયેલ છે. આવાં જાણીતાં ઔષધોમાં લિકરિસ (Liquorice અથવા Licorice), જિન્સેંગ (Ginseng), ડિજિટાલિસ, જિન્કગો (Ginkgo), ડાયૉસ્જેનિન વગેરેનો સમાવેશ થાય છે.

લિકરિસ : ગુજરાતમાં જેઠીમધના લાકડા તરીકે ઓળખાતું લિકરિસ મુખ્યત્વે ગ્લિસરાઇઝા ગ્લાબ્રા, લિકિરીશિયા ઑફિસીનાલિસ વગેરે વનસ્પતિમાંથી મળે છે. તેનાં વિવિધ નામોમાં લેકરિસ (વેલ્શ), રેગ્લિસી (ફ્રેન્ચ), લેકરિસી (જર્મન), પેગોલિઝિયા (ઇટાલિયન)ને ગણાવી શકાય. મુખ્યત્વે તે અગ્નિ યુરોપ, નૈર્ઋત્ય એશિયા, પર્શિયા, સ્પેન, ઇટાલી વગેરે દેશોમાં થાય છે. ચિકિત્સામાં મુખ્યત્વે તેનાં મૂળ (root) વપરાય છે. તેના મૂળમાં ટ્રાઇટર્પીન સેપોનિન ગ્લાયકોસાઇડ્ઝ તરીકે ગ્લિસિરીઝિન (glycyrrhizin) અથવા ગ્લિસિરીઝિક ઍસિડ હોય છે. ગ્લિસિરીઝિન ખાંડ (sucrose) કરતાં 50ગણું ગળ્યું હોય છે. વધુમાં તેમાંથી ત્રીસેક જેટલાં ફ્લૅવોનોઇડ્ઝ (flavonoids) પણ શોધી શકાયાં છે; જેમાં લિક્વીરીટીજેનિન, લિક્વીરીટીન, આઇસોલિક્વીરીટીજેનિન તથા આઇસોલિક્વીરીટીનનો સમાવેશ થાય છે. તદુપરાંત તેમાંથી લિકોકુમેરોન તથા ગ્લાઇકોકુમેરોન (glycocoumarone) જેવાં કુમેરિન પણ મળી આવ્યાં છે.

દેશ-વિદેશમાં તેની વિવિધ બનાવટો તેના મૂળના ચૂર્ણમાંથી બનાવાય છે; જે મંદ જુલાબ માટે, સોજો દૂર કરવા તથા કફોત્સારક (expectorant) તરીકે, ઊલટીના શમન માટે, વ્રણવિરોધી ઔષધ તરીકે, શામક (શમક, demulcent) તથા ફૂગ સામે મ્યુકોપ્રોટેક્ટિવ તરીકે તેમજ કમળાના ઔષધ તરીકે વપરાય છે. પ્રાચીન કાળથી વાનસ્પતિક ઔષધ (herbal medicine) તરીકે તે સંધિવા, કફ, બળતરા, એડિસન(Adison)ના રોગ વગેરે માટે વપરાતું આવ્યું છે.

આધુનિક ચિકિત્સા હૃદયરોગ તેમજ યકૃતના રોગોમાં તેનો વપરાશ હિતકર ગણતી નથી. પ્રસૂતા સ્ત્રીઓ તથા સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે પણ લિકરિસની બનાવટો વર્જ્ય ગણાય છે. યુરોપમાંના આધુનિક સંશોધન મુજબ તે પેપ્ટિક વ્રણ (peptic ulcer) મટાડવા તથા નારી-શરીરના અંત:સ્રાવોને ઉત્તેજિત કરવા વપરાય છે. તેની યોગ્ય માત્રા અર્ક હોય તો 2થી 5 મિલિ. દિવસમાં ત્રણ વાર અપાય છે. ક્વાથ/કાઢો બનાવવા મૂળના 1થી 1.5 ગ્રા. ચૂર્ણને એક કપ પાણીમાં ધીમેથી 10થી 15 મિનિટ માટે ઉકાળી, ઠંડું પાડી દિવસમાં ત્રણ વાર પાવામાં આવે છે. આ ઔષધ છથી આઠ અઠવાડિયાથી વધુ સમય માટે લેવું હિતાવહ નથી.

ડાયાસ્કોરિયા (Diascoria – મેક્સિકન જંગલી કંદ) : ડાયાસ્કોરિયાના મૂળમાંથી ક્રિયાશીલ ઔષધ મેળવવામાં આવે છે. કંદની ઘણી વાનસ્પતિક જાતો છે, જેમાં ડાયાસ્કોરિયા ફ્લૉરિબન્ડા (Diascoria Fluoribanda) મુખ્ય છે. તે મુખ્યત્વે એશિયા, મધ્ય-પશ્ચિમ અને પૂર્વીય અમેરિકા, લૅટિન અમેરિકા (મેક્સિકો) ખાતે વધુ પ્રમાણમાં મળી આવે છે. કંદ યા મૂળમાંથી મુખ્યત્વે ડાયૉસ્જેનિનનો અર્ક મેળવાય છે. આ રસાયણ કિણ્વન પ્રક્રિયા પછી ડી.એચ.ઈ.એ. (DHEA) સ્ટેરૉઇડ આપે છે. સ્ટેરૉઇડ વ્યુત્પન્નો બનાવવામાં તેનો ઘણો ઉપયોગ થાય છે. તેમાં રહેલ મુખ્ય રસાયણોમાં સ્ટેરૉઇડલ સેપોનિન્સ અથવા ડાયૉસ્જેનિન તથા ડાયૉસ્કોરેટીનનો સમાવેશ થાય છે. પ્રાણીઓ પરના પ્રયોગો દરમિયાન એવું તથ્ય બહાર આવ્યું છે કે ડાયૉસ્કોરેટીન ખાંડનું પ્રમાણ ઘટાડે છે.

કુદરતી પ્રોજેસ્ટેરોન પૂરો પાડતો ડાયાસ્કોરિયા કંદનો અર્ક જ્યારે ત્વચા દ્વારા શોષાય છે ત્યારે સ્ત્રીઓના માસિક ધર્મની તકલીફોમાં રાહત આપે છે. તદુપરાંત તે અસ્થિસુષિરતા(osteoporosis)થી બચાવે છે તેમજ શક્તિ (stamina) વધારે છે. એસ્ટ્રોજનથી ગર્ભાશય અને છાતીને રક્ષણ આપે છે તથા પુરુષત્વ વધારે છે. અર્ક પ્રતિઉપચાયક (antioxidant) છે અને તે લોહીમાં સારો કોલેસ્ટેરોલ (HDL) વધારે છે. આ સિવાય તે પેટની ગરબડમાં, કફોત્સારક તરીકે, ચેતાતંત્રનાં દર્દો વગેરેમાં પણ છૂટથી વપરાય છે. તેમાંનાં સેપોનિન્સ એસ્ટ્રોજન્સ, કોર્ટિસોન જેવાં વિવિધ સ્ટેરૉઇડમાં પરિવર્તિત થઈ ઔષધનું કામ કરે છે.

તેનાં મૂળનું ટિંક્ચર 2થી 3 મિલિ. દિવસમાં 3થી 4 વાર લેવામાં આવે છે. પર્યાય રૂપે 1 ગ્રા. શુષ્ક ચૂર્ણ દિવસમાં ત્રણ વખત લઈ શકાય. જો તે વધુ પ્રમાણમાં લેવાય તો ઊલટી, બળતરા જેવી આડઅસરો ઉદભવે છે. પ્રસૂતા તથા સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં હજુ તેની આડઅસર ચકાસાઈ નથી.

જિન્સેંગ (Ginseng) : તે પર્વતીય જંગલોમાં ઊગતો છોડ છે. તેનાં અન્ય નામો એશિયાટિક જિંજર, ‘વન્ડર ઑવ્ ધ વર્લ્ડ’ છે. તે એશિયામાં નેપાળથી મંચુરિયા સુધી તથા કોરિયામાં થાય છે. સેપોનિન ગ્લાયકોસાઇડ ઔષધ તરીકે વિશ્વમાં ખૂબ વપરાય છે. તેની બે જાતો વધુ જાણીતી છે : પેરિયાકસ અથવા એશિયન જિન્સેંગ અને ચાઇનીઝ અથવા કોરિયન જિન્સેંગ. અન્ય જાતોમાં અમેરિકન જિન્સેંગ અથવા પેનેક્સ ક્વિન્ક્વીફોલિયમ (Panax quinquefolium) તથા સાઇબેરિયન જિન્સેંગનો સમાવેશ થાય છે.

જિન્સેંગ એક બહુવર્ષી (perennial) છોડ છે, જેનું મૂળ સુંવાળું અને થડ સીધું તથા 30થી 40 સેમી. ઊંચાઈએ પહોંચે છે. તે બેથી ત્રણ ભાગમાં વહેંચાય છે અને સંયુક્ત પર્ણ ધરાવે છે. પર્ણ પાંચથી સાત ભાગમાં કપાયેલાં અને અંડાકાર હોય છે. છોડ ઉપર છત્રાકાર ફૂલો આવે છે જે જૂનથી ઑગસ્ટ સુધી રહે છે. તેનાં ફળ બોર જેવાં લાલ અને મૂત્રપિંડ આકારના હોય છે. સારવાર માટે વપરાતો મુખ્ય ભાગ મૂળ છે.

તેના રાસાયણિક ઘટકોમાં સેપોનિન, ચરબીજ ઍસિડો, અંત:સ્રાવો, પેક્ટિન, સ્ટાર્ચ, હ્યુમ્યુલિન, સ્ટેરોલ, કેરિયોફાયલીન, ફર્નિસીન, પૉલિયેસિટીલીન તથા ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ જેવી વિવિધ શર્કરાઓનો સમાવેશ થાય છે. પોષક રસાયણો તરીકે તે બાયૉટિન, બી-કૉમ્પ્લેક્સ વિટામિનો, કોલિન, કૅલ્શિયમ, આયર્ન (લોહ), ઝિંક, મૅંગેનીઝ વગેરે ધરાવે છે. સેપોનિનમાં સ્ટેરૉઇડની γ-વલય સંરચના હોય છે જે શર્કરા સાથે જોડાયેલ હોય છે.

તે શામક તરીકે વર્તીને શ્લેષ્મકલા(mucous membrane)ને સુંવાળી બનાવે છે. બધી જ ક્રિયાશીલ પદ્ધતિઓને તે ઉત્તેજિત કરતું હોવાથી ઉત્તેજક (stimulant) તરીકે વપરાય છે. તે બહેરાશ દૂર કરી આંખને સુધારે છે. જૈવિક પ્રક્રિયાઓને તેજ કરે છે અને કૅન્સરમાં વપરાય છે.

જો તે વધુ માત્રામાં લેવાય તો તેની આડઅસરોમાં નિદ્રા ન આવવી, ત્વચા પર ચામઠાં પડવાં, સવારે ઝાડા થઈ જવા, શ્વેતકણાધિક્ય (leucocytosis) તથા ઈરીથ્રોસાયટોસિસ વગેરે મુખ્ય છે.

જિન્કગો (Ginkgo) : તેમાંથી ઔષધ મળે છે. તે અત્યંત પ્રાચીન અને જિન્કગોસી (ginkgoaceae) કુટુંબનું વૃક્ષ છે. તેનું વૈજ્ઞાનિક નામ જિન્કગો બિલોબા (ginkgo biloba) છે. વૃક્ષ 40 મી. જેટલું ઊંચું હોઈ શકે છે. તેનું આયુષ્ય 1000 વર્ષ જેટલું હોય છે. તે પંખા જેવાં, લીલા રંગનાં પર્ણ ધરાવે છે, જે સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. આ વૃક્ષ મૂળ ચીનનું વતની છે; જ્યાં તેના દ્વારા થતી ચિકિત્સા ઈ. પૂ. 2800 વર્ષ અગાઉ શરૂ થઈ હતી. હવે તે ચીન, જાપાન, કોરિયા તથા અમેરિકામાં પણ ઉગાડવામાં આવે છે.

જિન્કગોનાં પર્ણોમાં મુખ્યત્વે ફ્લૅવોનોઇડ્ઝ તથા જિન્કગોલાઇડ્ઝની હાજરી હોય છે. ફ્લૅવોનોઇડ્ઝ ફિનોલિક સંયોજનો છે; જેમાં ફ્લૅવોન્સ, બાઇફ્લૅવોન્સ, ફ્લૅવોનોલ્સ, ટેનિનો તથા જોડાયેલા ગ્લાયકોસાઇડ્ઝ હોય છે. આશરે 20 જેટલાં ફ્લૅવોનોઇડ ગ્લાયકોસાઇડ્ઝ શોધાયાં છે. તેમાં ગ્લુકોસાઇડ્ઝ વર્સેટિન તથા કેમ્ફેરોલ રહેમ્નોસાઇડ્ઝનો સમાવેશ થાય છે. આ સિવાય બાઇફ્લૅવોન્સ તરીકે તેમાં બિલોબીટૉલ, જિન્કગોટિન, આઇસો-જિન્કગોટિન, સિયાકૉપિટીસીન વગેરે હોય છે. તદુપરાંત ટર્પીન સંયોજનો તરીકે જિન્કગોલાઇડ્ઝ (એ, બી, સી, જે અને એમ) ટાઇટર્પીનો હાજર હોય છે. અન્ય રસાયણોમાં ફ્લૅવોન-3-ઓલ્સ, પ્રોએન્થોસાયનિનો, બિલોબૉલ, જિન્કગોલિક ઍસિડ તથા બિલોબેલાઇડ્ઝ હોય છે.

તેનો અર્ક અસ્થમા અને કફની સારવારમાં, મગજના કાર્યમાં મદદ માટે, આલ્ઝાઇમરના રોગમાં વપરાય છે. હાલ યુરોપમાં મગજની અનિયમિતતા માટે તેની વધુ હિમાયત થાય છે. પરિરેખીય (પરિઘીય, peripheral) સંવહનતંત્રના રોગ(vascular disease)માં તથા જનનેન્દ્રિયના અપૂરતા ઉત્થાન (erectile dysfunction) માટે પણ તે વપરાય છે. અર્ક ચેતાતંત્રના રક્ષણ માટે તથા રુધિરાભિસરણનું નિયમન કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

સંશોધન : સમગ્ર વિશ્વમાં સંશોધકો સેપોનિન ગ્લાયકોસાઇડ્ઝ સંયોજનોની ચકાસણી કરી રહ્યા છે; દા.ત., મૅસેચ્યૂસેટ્સ(વૉર્સેસ્ટર)ની કેમ્બ્રિજ બાયૉટેક પ્રયોગશાળા ખાતે પ્રતિરક્ષા વધારનાર (immunity booster) તરીકે વિકસાવાયેલ એક સંયોજન ‘QS-21’ તાજેતરમાં જ ચિકિત્સીય અજમાયશ (clinical trial) હેઠળ ગયું છે. બેલેન્ડ્રીનના જણાવ્યા મુજબ જ્યારે વિવિધ રસી (દા.ત., હર્પિસ કૉમ્પ્લેક્સ, એચ.આઇ.વી., ઇન્ફ્લ્યુએન્ઝા) સાથે દાખલ કરવામાં આવે તો તે રસીની અસરકારકતા અત્યંત વેગીલી બનાવે છે અને સહાયક તરીકે વર્તી રસીની કાર્યશક્તિમાં વધારો કરે છે.

દક્ષિણ અમેરિકાના વૃક્ષ ક્વિલાઇઆ સેપોનારિયાની છાલમાંથી પ્રાપ્ત ઔષધ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેના વિશિષ્ટ સેપોનિનોની કૅન્સર-વિરોધી સક્રિયતા અથવા ગાંઠવિરોધી સક્રિયતા ટોકિયો(જાપાન)ની યુનિવર્સિટીના ફાર્મસી ઍન્ડ લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટના રસાયણવિદ યુટાકા સામીડા ચકાસી રહ્યા છે. તેમણે નોંધ્યું છે કે લિલિયેસી કુળના ગાર્ડન-બીબી જેવા છોડમાંથી પ્રાપ્ત અર્ક કૅન્સર સામે લડત આપતો માલૂમ પડ્યો છે; દા.ત., આફ્રિકન બહુવર્ષી છોડ ઓરનિથૉગેલસ સાઉન્ડરેસીના કંદ(bulb)માંથી પ્રાપ્ય ગ્લાયકોસાઇડ્ઝ વિવિધ દુર્દમ્ય ગાંઠો સામે શક્તિશાળી કૅન્સરવિરોધી સક્રિયતા ધરાવે છે. તેમણે એમ પણ નોંધ્યું છે કે આ ગ્લાયકોસાઇડ્ઝ ચિકિત્સીય અજમાયશમાં સાબિત થયેલાં અમુક વ્યુત્પન્નો કરતાં 10થી 100ગણા વધુ સક્રિય જણાયા છે; દા.ત., આડ્રિયામાયસીન તથા ટેક્સોલ.

અન્ય એક અભ્યાસમાં ક્યોટો ફાર્મા યુનિવર્સિટી, જાપાનના રસાયણવિદ ટાકાઓ કોનોશીમા તથા તેમના સાથીઓએ સફેદ ઉંદર(mice)માં વધતી ચામડીની ગાંઠની ચિકિત્સા વિસ્તારીઆ બેકીબોટ્રીસ છોડના અર્ક વડે કરેલી, જેનું તત્વ સેપોનિન્ટ જાપાનની પ્રજા વર્ષોથી કૅન્સર માટે વાપરતી હતી. આ સિવાય ગ્લેડિસ્ટિયા જપોનિકાના ફળમાંથી મેળવેલ સેપોનિનથી પણ સફેદ ઉંદરની કૅન્સરની ગાંઠો અદૃશ્ય થઈ ગઈ હતી.

આ સિવાય સંશોધકો એવાં સેપોનિનો બનાવી રહ્યા છે જે શરીરમાં લોહીમાંનો કોલેસ્ટેરોલ ઓછો કરે; દા.ત., મુખથી લેવાયેલ સંયોજન પાચનનળીમાં જઈ કોલેસ્ટેરોલ સાથે સંયોજાઈ અદ્રાવ્ય સંયોજન બનાવે, જે શોષાય નહિ. ફૂગ અને યીસ્ટના રોગમાં પણ સેપોનિન સંયોજનોનો ઉપયોગ થઈ શકે છે; દા.ત., હિબ્રૂ યુનિવર્સિટી (જેરૂસલેમ) ખાતેના રસાયણવિદ યુરી જેહાવી તથા સાથીઓએ આલ્ફા-આલ્ફાના મૂળમાંથી પ્રાપ્ત સંયોજન ‘G2’ સફેદ ઉંદર તથા ગિનીપીગમાં ચકાસતાં જોયું કે તે ચિકિત્સીય ષ્ટિએ અયોગ્ય એવી 10 યીસ્ટને મારી નાંખે છે. જિન્કગોનાં પર્ણનો અર્ક અલ્ઝાઇમર્સના રોગમાં થતો વધારો રોકે છે એવું તાજેતરનું સંશોધન જણાવે છે.

યોગેન્દ્ર કૃ. જાની