સેન સોસાયટી, ધ : એરિક ફ્રોમ (1900-1980) નામના જર્મનીમાં જન્મેલા પણ અમેરિકામાં કાયમી વસવાટ કરવા સ્થળાંતર કરી ગયેલા મનોવૈજ્ઞાનિક અને સામાજિક દાર્શનિકે 1955માં પ્રકાશિત કરેલો વિખ્યાત ગ્રંથ. આ ગ્રંથમાં લેખકે એવી દલીલ કરી છે કે આધુનિક જમાનાના ગ્રાહકપ્રણીત ઔદ્યોગિક સમાજમાં માણસ પોતાનાથી વિખૂટો પડી ગયેલો છે. તેના ઉપાય તરીકે તેમણે તેમના ગ્રંથમાં એવું સૂચવ્યું હતું કે દરેક વ્યક્તિને સમાજના જુદા જુદા ઘટકો વચ્ચે ભાઈચારાના સંબંધો યથાવત્ રાખીને નવા અને પરિપૂર્ણ સમાજની રચના કરવી જોઈએ. જેમાં તે પોતાની બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરી તક પ્રાપ્ત કરી શકે. આવી સમાજરચના કરવાથી આધુનિક જમાનામાં માણસને ઔદ્યોગિક સમાજમાં જે કેટલીક વિટંબણાઓનો સામનો કરવો પડે છે તેનું નિરાકરણ કરી શકાય. આવી સમાજરચનાને તેમણે ‘સેન સોસાયટી’ નામ આપ્યું હતું, જે તેમના ગ્રંથનું નામ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે