સેન સૂર્ય (‘માસ્ટરદા’)

January, 2008

સેન, સૂર્ય (‘માસ્ટરદા’) (. 22 માર્ચ 1894, નોઆપરા, જિ. ચિત્તાગોંગ, હાલ બાંગ્લાદેશ; . 12 જાન્યુઆરી 1934, ચિત્તાગોંગ જેલ) : બંગાળના આગેવાન ક્રાંતિકાર. સૂર્ય સેનનો જન્મ નીચલા મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજમણિ સેન હતું. ઇન્ટરમિજીએટ પરીક્ષા પાસ કર્યા પછી તેમનાં લગ્ન પુષ્પા કુંતલ સાથે થયાં. તે પછી બરહામપુર બ્રજમોહન કૉલેજમાં બી.એ.ના અભ્યાસ માટે તેઓ દાખલ થયા. તે દરમિયાન બંગાળની ક્રાંતિકારી ચળવળ અને ગુપ્ત ક્રાંતિકારી સંસ્થાના સંપર્કમાં તેઓ આવ્યા. બી.એ. થઈને ચિત્તાગોંગ આવી તેઓ ઉમતરા ઇંગ્લિશ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યારથી તેઓ ‘માસ્ટરદા’ તરીકે આજીવન ઓળખાયા. ચિત્તાગોંગ આવીને તેમણે ગુપ્ત ક્રાંતિકારી સંસ્થા સ્થાપી. તેમાં અંબિકા ચક્રવર્તી, અનુરૂપ સેન, નાગેન સેન વગેરે તેમના સાથી ક્રાંતિકારો તરીકે જોડાયા. ગાંધીજીએ 1921માં અસહકારની ચળવળ શરૂ કરી ત્યારે તેમની અપીલને માન આપીને સૂર્ય સેને તેમની પ્રવૃત્તિ એક વર્ષ માટે મોકૂફ રાખી હતી. તેઓ માનતા હતા કે દેશની સ્વતંત્રતા મેળવવા વાસ્તે હિંસા કે અહિંસાનો પ્રશ્ર્ન બિનમહત્વમહત્વનો અને અપ્રસ્તુત છે. તેમણે આસામ બેંગાલ રેલવે નામની વિદેશી કંપની પર છાપો મારીને રૂ. 18,000/- મેળવ્યા. તેનો ઉપયોગ શસ્ત્રો મેળવવામાં કર્યો.

થોડા દિવસ પછી, સશસ્ત્ર પોલીસદળ અને સૂર્ય સેનની આગેવાની હેઠળ ક્રાંતિકારો વચ્ચે આખો દિવસ લડાઈ ચાલી. છેવટે સૂર્ય સેન અને અંબિકા ચક્રવર્તી પકડાયા; પરંતુ કોર્ટની લાંબી કાર્યવાહી બાદ તેઓ મુક્ત થયા. જેલમાંથી છૂટ્યા પછી તેમણે બંગાળ, આસામ અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ક્રાંતિકારી સંગઠનો સ્થાપ્યાં. ઑક્ટોબર 1924માં બંગાળમાં ક્રાંતિકારી ચળવળના લગભગ બધા જાણીતા કાર્યકરો અને નેતાઓ પકડાઈ ગયા ત્યારે સૂર્ય સેન ભૂગર્ભમાં ચાલ્યા ગયા અને ત્રણ વર્ષ સુધી તેમને પકડવાના પોલીસના અનેક પ્રયાસો નિષ્ફળ બનાવ્યા. છેવટે 1926ના અંતમાં તેઓ પકડાયા અને થોડાં વર્ષ દેશની જુદી જુદી જેલોમાં વિતાવ્યાં. 1928માં તેમને મુક્ત કરવામાં આવ્યા ત્યારે કોલકાતામાં કૉંગ્રેસનું અધિવેશન મળવાનું હતું. તેમણે ચિત્તાગોંગના પ્રતિનિધિ તરીકે તેમાં હાજરી આપી. 1929ના વર્ષમાં તેમણે ચિત્તાગોંગ જિલ્લામાં કૉંગ્રેસનું મજબૂત સંગઠન કર્યું. તેમણે તે સાથે જિલ્લામાં વિદ્યાર્થીઓ, યુવકો અને મહિલાઓના સંગઠનની સ્થાપના કરીને પ્રવૃત્તિઓ શરૂ કરી.

આ દરમિયાન સૂર્ય સેને ચિત્તાગોંગ જિલ્લાને, બળવો કરીને તથા સત્તાનાં સ્થાનો પર હુમલા કરીને સામ્રાજ્યની મજબૂત પકડમાંથી સ્વતંત્ર કરવાની યોજના બનાવી. આ યોજનાના અમલ વાસ્તે તેમણે ‘ચિત્તાગોંગ રિપબ્લિક આર્મી’ નામના નાના, ગુપ્ત, તાલીમબદ્ધ સૈન્યની રચના કરી. તેઓ જાણતા હતા કે આવી યોજના અપૂર્વ હિંમત અને મરણિયા સૈનિકો વિના સફળ થઈ શકે નહિ. તેથી વાસ્તવમાં તે ‘મોતનો કાર્યક્રમ’ હતો.

આપણા વિશાળ દેશમાં, ચિત્તાગોંગ જિલ્લાનો નાનકડો પ્રદેશ, થોડા સમય માટે પણ સામ્રાજ્યવાદી સરકારની પકડમાંથી સ્વતંત્ર થાય તો આખા દેશને સ્વતંત્ર કરવા માટેનો સંગ્રામ ખેલવા યુવાનો પ્રોત્સાહિત થશે, એવી તેઓની દૃઢ માન્યતા હતી.

ઉપર્યુક્ત યોજનાનો અમલ કરવા, 18 એપ્રિલ 1930ના રોજ સૂર્ય સેનના નેતૃત્વ હેઠળ ‘ચિત્તાગોંગ રિપબ્લિકન આર્મી’એ એકાએક અને એકસાથે હુમલા કરીને ચિત્તાગોંગમાં સત્તા આંચકી લીધી. ક્રાંતિકારી દળે બે સરકારી શસ્ત્રાગારો, સમગ્ર ટેલિગ્રાફ અને ટેલિફોન તંત્ર, બંદર અને રેલવે સ્ટેશન કબજે કર્યાં. તેમણે રેલવે તંત્ર ખોરવી નાખ્યું અને ચિત્તાગોંગને બાકીના ભારતથી અલગ પાડી દીધું. ક્રાંતિકારી દળના કૃતનિશ્ર્ચયી અને કુશળ હુમલા સામે ચિત્તાગોંગનું સામ્રાજ્યવાદી માળખું થોડા સમયમાં કકડભૂસ થઈ ગયું.

સત્તા કબજે કર્યા બાદ, સૂર્ય સેનની આગેવાની હેઠળ સ્વતંત્ર રાષ્ટ્રીય ક્રાંતિકારી સરકારની રચના કરી, તેની જાહેરાત કરવામાં આવી અને લોકોને આ સ્વતંત્ર રાષ્ટ્રીય સરકાર પ્રત્યે પોતાની વફાદારી જાહેર કરવા અપીલ કરવામાં આવી.

આ બળવાના ચાર દિવસ બાદ, 22 એપ્રિલ 1930ના રોજ બળવાખોર દળ અને વિશાળ સામ્રાજ્યવાદી સેના વચ્ચે ભયંકર લડાઈ થઈ, તેમાં સામ્રાજ્યવાદી દળનો પરાજય થયો. તેમાં તેગ્રા, નરેશ, બિધુ અને બીજા આઠ ક્રાંતિકારો શહીદ થયા. સામ્રાજ્યવાદી સેનાની ખુવારીનો આંકડો જાહેર થયો નહિ. આ લડાઈ પછી, બદલાયેલ પરિસ્થિતિમાં સૂર્ય સેને શક્ય હોય ત્યાં સુધી ગેરીલા પદ્ધતિથી દુશ્મનોને નબળા પાડવા વિચાર્યું. તેથી તેમણે તેમનું મુખ્ય મથક શહેરમાંથી બદલીને ગામડામાં રાખ્યું.

6 મે 1930ના રોજ કલારપોળમાં કર્નલ ડલાસ સ્મિથ હેઠળની ટુકડી સાથે છ ગેરીલા યોદ્ધાઓને લડાઈ થઈ તેમાં ડેબુ, મનોરંજન, રજત અને સ્વદેશ શહીદ થયા. ચાંદપુરના સ્ટીમર સ્ટેશને એ જ વર્ષે ડિસેમ્બર મહિનામાં બંગાળના પોલીસ વડા ક્રેગ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. સરકારે ક્રાંતિકારો સામે પગલાં ભરવાને બદલે તે જિલ્લાના લોકો ઉપર બેસુમાર જુલમ ગુજાર્યો. સૂર્ય સેનને પકડવાના સરકારના અનેક પ્રયાસો નિષ્ફળ ગયા. લોકો સૂર્ય સેન અને તેમના સાથી દેશભક્તોને શક્ય તેટલી બધી સહાય કરતા હતા. સૂર્ય સેનની રાજકીય પ્રવૃત્તિ ચિત્તાગોંગ જિલ્લાની બહાર કોમિલા, ઢાકા તથા અન્ય સ્થળો સુધી વિકસી. ઈ. સ. 1931માં ઢાકાના જિલ્લા મૅજિસ્ટ્રેટ પર હુમલો કરવામાં આવ્યો અને કોમિલાના કુખ્યાત પોલીસ વડા એલિસનની ચિત્તાગોંગના એક ક્રાંતિકારે હત્યા કરી. ઑગસ્ટ 1931માં ચિત્તાગોંગમાં ગુપ્ત પોલીસના નાયબ વડાની ધોળે દિવસે હત્યા થઈ. જૂન 1932ની એક રાત્રે ઢાલઘાટ નામના ગામના એક ઘરમાં સૂર્ય સેન છુપાયા હોવાથી લશ્કરે ઘેરી લીધું. સૂર્ય સેન હિંમતપૂર્વક સામો હુમલો કરી, કોર્ડન તોડી સલામત સ્થળે નાસી ગયા. સામસામા ગોળીબારોમાં બ્રિટિશ સેનાનો કૅપ્ટન કેમરોન માર્યો ગયો અને ક્રાંતિકારોનો આગેવાન નિર્મલ સેન શહીદ થયો. આ દરમિયાન કેટલાક રાષ્ટ્રવાદી નેતાઓએ સૂર્ય સેનને પરદેશ મોકલી દેવાની નક્કર યોજના સૂચવી; પરંતુ ક્રાંતિકારી કાર્યક્રમને મહત્વ આપીને, પોતાની અંગત સલામતીનો તેમણે વિરોધ કર્યો.

ચિત્તાગોંગ નગર નજીક પહાડતલી મુકામે  આવેલ યુરોપિયન ક્લબમાં અંગ્રેજ અમલદારો લોકો પર જુલમ ગુજારવાની યોજનાઓ ઘડતા હતા. સૂર્ય સેનની સૂચનાથી 24 સપ્ટેમ્બર 1932ની સાંજે પ્રીતિલતા વાડેદારની આગેવાની હેઠળ કેટલાક ક્રાંતિકારોએ બૉમ્બ અને રિવૉલ્વરો વડે હુમલો કરી કેટલાક અધિકારીઓને મારી નાખ્યા. છેવટે 16 ફેબ્રુઆરી 1933ના રોજ ગોઇરાલામાં સશસ્ત્ર સૈનિકોએ સૂર્ય સેનને ઘેરી લીધા. ખૂનખાર લડાઈ થઈ પછી તેઓ પકડાયા. પોલીસોએ તેમને અસહ્ય શારીરિક પીડા આપી. કેસ ચલાવીને તેમને મોતની સજા ફરમાવવામાં આવી. તેમને ફાંસી આપવામાં આવી તે પહેલાં તેમણે પોતાના દેશબાંધવોને નીચેનો સંદેશો આપ્યો :

‘ભાઈઓ, ગભરાવાની જરૂર નથી. શ્રદ્ધા સહિત વિજય માટે આગળ વધો. આપણો ઉદ્દેશ સાચો છે અને આપણો માર્ગ સાચો છે. આપણો વિજય નિશ્ચિત છે. આપણી સફળતાને કોઈ અટકાવી શકશે નહિ.’

જયકુમાર ર. શુક્લ