સેન, શિવદાસ પંડિત : ભારતમાં 14મી15મી સદીમાં આયુર્વેદના પ્રાચીન મૂળ ગ્રંથો ‘ચરકસંહિતા’, ‘સુશ્રુતસંહિતા’, ‘અષ્ટાંગહૃદય’ (વાગ્ભટ્ટ) જેવા ગ્રંથો ઉપર ટીકા-વિવેચન કરનારા ટીકાકારોમાંના એક. તેમનો જીવનકાળ 15મી શતાબ્દીનો ગણાય છે.
‘સેન’ અટકથી તેઓ બંગાળી વૈદ્ય હોવાનું તેમજ તેમણે એક પુસ્તકમાં લખેલ મંગલાચરણ ઉપરથી તેઓ વૈષ્ણવ હોવાનું જણાય છે. તેમણે પોતે પોતાના એક ગ્રંથમાં પોતાનો પરિચય આપતાં લખ્યું છે કે પોતે ગૌડદેશ(બંગાળ)ના માલંચિકા ગામના વતની અને ગૌડરાજાના વૈદ્ય અનંત સેનના પુત્ર છે. દિલ્હીપતિ દ્વારા નિમાયેલ જૌનપુરના સૂબા ગૌડરાજા બાર્બક શાહ (જેનો રાજ્યશાસન-કાળ સને 1487થી 1489 હતો) તેમની પાસેથી શિવદાસ સેને ‘રાજાના અન્તરંગ’(મિત્ર)ની પદવી અને સન્માનરૂપ છત્ર એનાયત કરેલ. શિવદાસ સેન સંસ્કૃતના પંડિત, વૈદ્ય અને ટીકાકાર (મૂળ સંસ્કૃત ગ્રંથોની વ્યાખ્યા-સ્પષ્ટ-કર્તાલેખક) હતા.
શિવદાસ સેને ‘ચરકસંહિતા’ ગ્રંથની ‘તત્વચંદ્રિકા’ નામની ટીકા (વ્યાખ્યા) લખી છે. આ ટીકા ચરકના સૂત્રસ્થાનના આરંભથી માંડીને 27 અધ્યાય સુધીની છે. તેમણે લખેલ આ ટીકાની હસ્તપ્રત મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટીના પુસ્તકાલયમાં સંઘરાયેલી હોવાની નોંધ આયુર્વેદના ઇતિહાસગ્રંથમાં છે. આ ઉપરાંત શિવદાસ સેને ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના ઉત્તર સ્થાનની પણ ટીકા શક સંવત 1448માં લખી હોવાની ઐતિહાસિક નોંધ પ્રાપ્ત છે. વળી તેમણે ચક્રપાણિ વૈદ્યના ‘ચક્રદત્ત’ નામના ચિકિત્સાના ખૂબ મહત્વના ગ્રંથની તથા તેમના અન્ય ગ્રંથ ‘દ્રવ્યગુણસંગ્રહ’ની પણ ટીકા લખી હતી.
છેલ્લે શિવદાસ સેનની શક સંવત 1448(ઈ. સ. 1526)માં લખાયેલ ‘લઘુવાગ્ભટ્ટ’ ગ્રંથની ટીકાની હસ્તપ્રત પણ મળી હોવાની આયુર્વેદના ઇતિહાસગ્રંથમાં નોંધ છે.
શિવદાસ સેને જે ટીકાઓ લખી છે, તેનું ઐતિહાસિક મૂલ્ય ઘણું છે; કારણ જે તે ગ્રંથના સંસ્કૃત ભાષાના ગૂઢાર્થો સમજીને સ્પષ્ટતા થાય તો જ ગ્રંથનું ખરું મહત્વ સમજાય અને તે ઉપયોગી બને. એ રીતે મધ્યકાળમાં થયેલા અનેક ટીકાકારોમાં શિવદાસ સેનનું યોગદાન મહત્વનું છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા