સેન, મિહિર (. 30 નવેમ્બર 1930, પુરુલિયા, પશ્ચિમ બંગાળ; . 11 જૂન 1997, કોલકાતા) : સમગ્ર વિશ્વના લાંબા અંતરની સમુદ્રતરણની સ્પર્ધાઓના સર્વશ્રેષ્ઠ ખેલાડી. નાનપણથી જ તેમને તરણમાં રસ હતો. સાતેય સમુદ્રો તરનાર તેઓ એકમાત્ર ભારતીય તરવૈયા હતા; એટલું જ નહિ, પણ 27 ડિસેમ્બર, 1958ના રોજ ઇંગ્લિશ ખાડી તરનાર તેઓ પ્રથમ એશિયન તરવૈયા બન્યા હતા.

મિહિર સેન

1966નું વર્ષ મિહિર સેન માટે સર્વશ્રેષ્ઠ વર્ષ હતું; કારણ કે તે વર્ષે તેમણે પાંચ લાંબા અંતરની સમુદ્રતરણ-સ્પર્ધાઓ પૂર્ણ કરી હતી; જેમાં પાક જલડમરુ-મધ્ય (પાલ્કની સામુદ્રધુની), જિબ્રાલ્ટર સાગર, દોરદાનચાલ, વાસફોરસ અને પનામા નહેરનો સમાવેશ થાય છે. પાલ્કની સામુદ્રધુની પાર કરવામાં જે જોખમ હતું તે જોખમ ખેડનાર મિહિર સેન એકલા જ તરવૈયા હતા, કારણ કે તેમાં જે જીવસૃષ્ટિ છે તે અદમ્ય સાહસ માગી લે તેવી છે. એક જ વર્ષમાં પાંચ સમુદ્ર તરી જવાની સિદ્ધિ સાચા અર્થમાં એક વિરલ સિદ્ધિ ગણાય. આ સિદ્ધિઓ બદલ તેમને મરીન બાયોલૉજિકલ ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયા તરફથી ‘સેતુકપ’ એનાયત કરવામાં આવ્યો હતો. તેના પર હનુમાનજીની મૂર્તિ મૂકવામાં આવી હતી. કારણ કે જે રીતે હનુમાનજીએ સેતુ પાર કરી સીતા માતાની શોધ કરી હતી એવું કહેવાય છે, તે પ્રમાણે જ મિહિર સેને તરણક્ષેત્રમાં સાત સમુદ્ર તરી ન કલ્પી શકાય તેવી અજોડ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ સિદ્ધિઓ બદલ ભારત સરકારે તેઓને 1959માં ‘પદ્મશ્રી’ અને 1966માં ‘પદ્મભૂષણ’થી નવાજ્યા હતા. તરણક્ષેત્રે મિહિર સેને પ્રાપ્ત કરેલ સિદ્ધિઓ આજે પણ ભારતના યુવાન તરવૈયાઓ માટે પ્રેરણારૂપ છે.

વિશ્વમાં સમુદ્રતરણની પ્રવૃત્તિ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી મિહિર સેનનું નામ ‘અમર ખેલાડી’ તરીકે કાયમ યાદ કરાશે.

મિહિર સેનની ઉપલબ્ધિઓ :

તારીખ સમુદ્રનું નામ અંતર સમય
27 ડિસેમ્બર, 1958 ઇંગ્લિશ ચૅનલ 33.79 કિમી. 14 ક. 45 મિ.
56 એપ્રિલ, 1966 પાક જલડમરુ-મધ્ય 35.4 કિમી. 25 ક. 36 મિ.
24 ઑગસ્ટ, 1966 જિબ્રાલ્ટર સાગર 40.23 કિમી. 8 ક. 1 મિ.
21 સપ્ટેમ્બર, 1966 દોરદાનચાલ 64.4 કિમી. 13 ક. 55 મિ.
16 સપ્ટેમ્બર, 1966 વાસફોરસ 25.7 કિમી. 4 ક.
2930 ઑક્ટોબર, 1966 પનામા નહેર 80.5 કિમી. 35 ક. 20 મિ.

પ્રભુદયાલ શર્મા