સેન્ટ લ્યુસિયા (St. Lucia)
January, 2008
સેન્ટ લ્યુસિયા (St. Lucia) : પૂર્વ કૅરિબિયન સમુદ્રમાં વેસ્ટ ઇન્ડિઝના ભાગરૂપે ચાપાકારે વિસ્તરેલા ‘લઘુ ઍન્ટિલ્સ’ ટાપુઓ પૈકીના વિન્ડવર્ડ જૂથનો ટાપુ. તે આશરે 14° 0´ ઉ. અક્ષાંશ અને 61° 0´ પ. રેખાંશ પર આવેલો છે. આ ટાપુ ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે વારંવાર હસ્તાંતરિત થતો રહ્યો છે. ઈ. સ. 1814માં તેને ફ્રાન્સ દ્વારા બ્રિટનને સોંપવામાં આવ્યો અને તે પછી ઈ. સ. 1967માં બ્રિટને સ્વાયત્ત સરકાર માટેની મંજૂરી આપી. આ પછી તેણે 22મી ફેબ્રુઆરી 1979ના રોજ સ્વાતંત્ર્ય મેળવ્યું. બ્રિટિશ જોડાણ ધરાવતું આ કૉમનવેલ્થ રાજ્ય આજે રાષ્ટ્રસંઘ(UNO)નું સભ્યપદ ધરાવે છે. તેની કુલ વસ્તી 1,45,000 જેટલી છે. તેના મોટાભાગના પ્રજાજનો પર ફ્રેંચ સંસ્કૃતિની અસર પડેલી છે અને અંગ્રેજી ભાષાની સાથે સાથે ફ્રેંચ પેટોઇસ ભાષાનો ઉપયોગ હજુ પણ ચાલુ છે. આ દેશમાં શિક્ષણનું પ્રમાણ 78 % જેટલું છે. આ ટાપુની ઉત્તરમાં માર્ટિનિક ટાપુ અને દક્ષિણમાં સેન્ટ વિન્સેન્ટ ટાપુ આવેલા છે.
સેન્ટ લ્યુસિયા ટાપુનું દૃશ્ય
જ્વાળામુખી-પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલા આ ટાપુની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 43 કિમી. જેટલી છે. તે લગભગ 616 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. આ ટાપુના મધ્યભાગે કરોડરજ્જુ સમાન પહાડી પ્રદેશ આવેલો છે, જેમાંથી અનેક નાનાં નાનાં નદીનાળાં ઉદ્ભવીને ચારેય તરફ આવેલા સમુદ્રને મળે છે. આ ટાપુ ત્રણ જ્વાળામુખીઓ ધરાવે છે, તે પૈકીનો એક સક્રિય છે. આ ટાપુનું સર્વોચ્ચ શિખર માઉન્ટ જીમી (Mt. Gimie) લગભગ તેના મધ્ય ભાગમાં આવેલું છે અને તેની ઊંચાઈ 950 મી.ની છે.
આ ટાપુના ડુંગરાળ મધ્યસ્થ ભાગો ઈશાનકોણીય વ્યાપારી પવનોથી ભારે વરસાદ મેળવે છે, જેથી આ પ્રદેશોમાં લીલાંછમ ઉષ્ણકટિબંધીય જંગલો છવાયેલાં છે. વળી સદૈવ પ્રસરતી દરિયાઈ લહેરોથી આ ટાપુનાં હવામાન તથા આબોહવા નરમ રહે છે. અહીં જ્વાળામુખી શિખરો, ખીણો અને કોતરો, ઝરણાં વગેરે સુંદર પ્રાકૃતિક ભૂમિદૃશ્યોથી પર્યટકોને નિતાંત આકર્ષતાં રહે છે. આ દેશમાં પ્રવાસન-ઉદ્યોગ ધીમે ધીમે વિકાસ પામી રહ્યો છે.
મુખ્યત્વે ખેત-અર્થતંત્ર ધરાવતા આ દેશના આગળ પડતા પાકોમાં કોકો, કેળાં, નાળિયેરી અને શેરડીનો સમાવેશ થાય છે. વળી લીંબુ, શાકભાજી અને બીજા પાકો થોડાક પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. ટાપુના પશ્ચિમ કાંઠે આવેલું પાટનગર કાસ્ટ્રિઝ (Castries), એ મુખ્ય શહેર અને બંદર છે. તેનું બારું કુદરતી, અતિસુંદર તથા સુરક્ષિત છે. પાટનગર કાસ્ટ્રિઝ અને અન્ય શહેરોમાં સાબુ, પ્લાસ્ટિક, કાપડ અને બિયરને લગતા હળવા ઉદ્યોગોનો વિકાસ થયેલો છે.
બિજલ શં. પરમાર