સેન્ટ લુઈ : યુ.એસ.ના મિસોરી રાજ્યનું મોટામાં મોટું શહેર, ઔદ્યોગિક મથક અને પરિવહનનું મથક. ભૌગોલિક સ્થાન : 43° 24´ ઉ. અ. અને 84° 36´ પ. રે.. તે રાજ્યની પૂર્વ સરહદે મિસિસિપી-મિસોરીના સંગમસ્થળેથી આશરે 16 કિમી. અંતરે દક્ષિણ તરફ મિસિસિપી નદીના પશ્ચિમ કાંઠે વસેલું છે. તે મિસિસિપી પરનું ખૂબ જ વ્યસ્ત રહેતું આંતરિક નદીબંદર છે.

આજે જ્યાં સેન્ટ લુઈ આવેલું છે ત્યાં 1764માં રુવાંટીનો વેપાર કરતા ફ્રાન્સના વેપારીઓએ થાણું નાખેલું. અહીંના ઇન્ડિયનો રુવાંટી લઈ આવતા અને હોડીઓ મારફતે ફ્રાન્સના વેપારીઓ તેનો વેપાર કરતા. ફ્રેન્ચોએ આ વસાહતને તેમના રાજા લુઈ ચૌદમા પરથી સેન્ટ લુઈ નામ આપ્યું. 1803માં તત્કાલીન પ્રમુખ થૉમસ જૅફરસને ફ્રાન્સ પાસેથી લ્યુઇઝિયાનો પ્રદેશ ખરીદી લીધેલો ત્યારથી સેન્ટ લુઈ પણ યુ.એસ.ના કબજામાં આવ્યું. તેની સાથે 19મી સદીના પૂર્વાર્ધકાળ દરમિયાન, સેન્ટ લુઈ પશ્ચિમના વિસ્તાર માટે પ્રવેશદ્વારની ગરજ સારતું હતું. તે વખતે મિસિસિપી નદીની સ્ટીમરો માટે તે મુખ્ય બંદર તરીકે કામ આવતું હતું. અમેરિકી આંતરયુદ્ધ (1861-1865) પછી આ શહેર રેલમથક બન્યું. 19મી સદીના ઉત્તરાર્ધકાળ દરમિયાન, અહીં ઔદ્યોગિક વિકાસ થતાં, સેન્ટ લુઈ દેશનાં મોટાં શહેરો પૈકીનું એક શહેર બની રહ્યું.

સેન્ટ લુઈના 97 %થી વધુ લોકો યુ.એસ.ના જ વતનીઓ છે; આ ઉપરાંત અહીં ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન, આયરિશ, સ્કૉટિશ, પૉલિશ, ઇટાલિયન અને આફ્રિકી લોકો પણ વસે છે. શહેરની વસ્તીના 45 % લોકો અશ્વેતો છે, શહેરના ઉત્તર ભાગમાં તેમની ઝૂંપડપટ્ટીઓ આવેલી છે; દક્ષિણ ભાગમાં શ્વેત લોકો વસે છે. શ્વેત લોકોની તુલનામાં અશ્વેતોનું જીવનધોરણ ઊતરતી કક્ષાનું છે. 1950-60ના ગાળા પછીથી જાહેર પ્રજા માટે જૂનાં ઘરોની જગાએ નવા આવાસો બનાવાયા છે.

આ મહાનગરમાં આવેલા આશરે 3,000થી વધુ ઉત્પાદક એકમો દર વર્ષે કરોડો ડૉલરનો માલ બનાવે છે, શહેરની 25 % વસ્તી ઉદ્યોગોમાં શ્રમિકો તરીકે કામ કરે છે. પરિવહનનાં સાધનોનું ઉત્પાદન એ આ શહેરની મુખ્ય ઉત્પાદકીય પ્રવૃત્તિ છે. સેન્ટ લુઈ તેના મોટરવાહનના ઉત્પાદનમાં ઘણું આગળ છે. આ શહેરમાં હવાઈ જહાજો, બાર્જ, રેલસાધનસામગ્રી અને આગબોટો બને છે. દેશની મોટામાં મોટી બિયર ઉત્પાદન કંપની અહીં આવેલી છે. અહીં ખાદ્યસામગ્રી, રસાયણો અને તેની પ્રક્રમિત પેદાશો તેમજ લોખંડ, સીસું, જસત જેવી પાયાની ધાતુઓ પણ બને છે.

17મી સદીના મધ્યકાળમાં જ્યારે અહીં ફ્રેન્ચ અભિયંતાઓ આવ્યા ત્યારે આ સ્થળે મિસોરી અને ઓસેજ (Osage) ઇન્ડિયનો વસતા હતા. 1763માં ફ્રાન્સના રુવાંટીના એક વેપારી પિયરે લૅકલેડ લિગ્વેસ્ટ અને ચૌદ વર્ષના તેના ઓરમાન પુત્ર રેને ઑગસ્ટ ચૌતૉએ આ સ્થળની મુલાકાત લીધેલી. 1764માં અહીં તેમણે એક વસાહત સ્થાપી અને વેપારી મથક બનાવ્યું. ત્યારથી યુ.એસ.ના પશ્ચિમી ભાગ માટેનું આ એક મોકાનું સ્થળ બની રહેલું છે.

1809માં તે એક નગર અને 1822માં શહેર બન્યું. ત્યારે તેની વસ્તી માત્ર 5,000 જેટલી થઈ હતી. 19મી સદીના મધ્યભાગ દરમિયાન, અહીં ઘણી મોટી સંખ્યામાં જર્મનો અને આયરિશ શ્રમિકો વસવા માટે આવ્યા. 1870 સુધીમાં તેની વસ્તી 3 લાખના આંકને વટાવી ગઈ હતી. આજે તે યુ.એસ.નું ન્યૂયૉર્ક અને ફિલાડેલ્ફિયા પછી ત્રીજા ક્રમે આવતું મોટું શહેર બની રહેલું છે. 1999 મુજબ આ શહેરની વસ્તી 3,33,960 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા