સેન્ટ જ્હૉન્સ (1) : ઍન્ટિગુઆ અને બારબ્યુડા ટાપુનું પાટનગર, બંદર અને શહેર. ભૌગોલિક સ્થાન : 17° 06´ ઉ. અ. અને 61° 51´ પ. રે.. કૅરિબિયન સમુદ્રના વાયવ્ય કિનારે આવેલું આ શહેર મહત્વના વિહારધામ તરીકે વિકાસ પામ્યું છે. આ બંદરેથી ખાંડ, કપાસ, ખાદ્યસામગ્રી, યંત્રસામગ્રી અને ઇમારતી લાકડાંની નિકાસ થાય છે. 1968 પહેલાં અહીંના બારામાંથી માત્ર બે મીટર પહોળી હોડીઓ જ પસાર થઈ શકતી હતી. ત્યારબાદ બારાને ઊંડું કર્યા પછી 11 મીટર જેટલી પહોળાઈનાં જહાજો પસાર થઈ શકે છે. અહીંથી ઈશાનમાં 10 કિમી.ના અંતરે ‘કુલીજ’ હવાઈ મથક આવેલું છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં ઍન્ગ્લિકન કેથીડ્રલ, સરકારી કચેરી, વનસ્પતિ ઉદ્યાન તેમજ ફૉર્ટ જિન્સ અને ગોટહિલનો સમાવેશ થાય છે.
1690 અને 1843માં થયેલા ભૂકંપથી અહીંના કિલ્લાને પારાવાર નુકસાન થયેલું. આ ઉપરાંત 1769માં આગ લાગેલી તથા 1847માં હરિકેન (વાવાઝોડું) ફૂંકાવાને કારણે પણ તારાજી થયેલી. તેની વસ્તી 78,200 (2006) છે.
નીતિન કોઠારી