સેન્ટ્રલ વૉટર ઍન્ડ પાવર રિસર્ચ સ્ટેશન પુણે (Central Water and Power Research Station – CWPR Pune)
January, 2008
સેન્ટ્રલ વૉટર ઍન્ડ પાવર રિસર્ચ સ્ટેશન, પુણે (Central Water and Power Research Station – CWPR, Pune) : રાષ્ટ્રીય કક્ષાએ જલશક્તિવિદ્યાનું ઉત્તમ કેન્દ્ર (CWPR) પુણે ખાતે આવેલું છે. 1916માં નાના પાયે સ્થપાયેલ આ કેન્દ્ર શરૂઆતથી જ સિંચાઈ અને જલનિકાલના પ્રશ્નો હલ કરે છે. આજે આ કેન્દ્ર જલશક્તિ બાબતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું બની ગયું છે. તેમાં પાયાનું / મૂળભૂત (basic) તેમજ પ્રયુક્ત સંશોધન હાથ ધરાય છે. તેણે નદીના અને દરિયાઈ પર્યાવરણના પ્રશ્નોના ઉકેલ માટે વિષમ, ભૌતિક અને ગણિતીય નમૂનાઓ (models) તૈયાર કરી ઉપયોગમાં લેવામાં આગળ પડતું સ્થાન પ્રસ્થાપિત કરેલ છે. આ કેન્દ્ર 1971થી ESCAPની ક્ષેત્રીય પ્રયોગશાળા તરીકે કાર્ય કરે છે અને ભારત અને ભારતની બહાર મધ્ય-પૂર્વ એશિયા અને આફ્રિકાના અનેક દેશોના પાણીને લગતા પ્રોજેક્ટોમાં પોતાની સેવા આપે છે.
આ કેન્દ્રનું કાર્ય મુખ્યત્વે જલશાસ્ત્ર (hydrology) અને જલસ્રોતોનું પૃથક્કરણ, નદી ઇજનેરી (river engineering), જળાશયો અને તેની ઇમારતોના ભાગો, દરિયાઈ ઇજનેરી, વહાણ ગતિવિદ્યા, જલીય યંત્રો, જમીન / પૃથ્વી વિજ્ઞાન (earth science), ગણિતીય નમૂના (mathematical models), પાયાઓ અને ઇમારતો (structural) તથા ઉપકરણો અને નિયંત્રણ ઇજનેરી એમ નાના-મોટા આશરે 50 વિભાગોમાં વહેંચાયેલું છે.
કાંપના નિકાલમાં સંશોધન, જલશાસ્ત્રમાં દૂરવર્તી સંવેદના (remote sensing), દરિયાઈ ઇજનેરી, જુદી જુદી પ્રયોગશાળા માટેનાં ખાસ ઉપકરણો તૈયાર કરવા માટેની સજ્જતા એમ અનેક બાબતોમાં આ કેન્દ્ર જળ અને જળશક્તિના પ્રશ્નો અને પડકારો ઝીલવા સક્ષમ છે.
નગીનદાસ હી. મોદી