સેન્ટ્રલ બોર્ડ ઑવ્ ડાઇરેક્ટ ટેક્સીઝ (કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ)
January, 2008
સેન્ટ્રલ બોર્ડ ઑવ્ ડાઇરેક્ટ ટેક્સીઝ (કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ) : ભારત સરકારે પ્રત્યક્ષ કરવેરાના અધિનિયમો હેઠળ વૈધિક અધિકારો સાથે રચેલું બોર્ડ. આયકર અધિનિયમ અને સંપત્તિકર અધિનિયમ જેવા વિવિધ અધિનિયમો મહેસૂલી આવક મેળવવા માટે કેન્દ્ર સરકારે ઘડેલા છે. આ પ્રકારના અધિનિયમો બનાવવા માટે પ્રત્યેક દેશની વિધાનસભા, પૂરતા સમયના અભાવે અને સૂચિત અધિનિયમની ઝીણવટભરી વિચારણા માટેની અશક્તિના લીધે, ફક્ત વ્યાપક રૂપરેખા પૂરતી ચર્ચાવિચારણા કરીને કાનૂનો ઘડતી હોય છે અને અધિનિયમની સવિસ્તર વિગતો ઘડવાનો અધિકાર વહીવટીતંત્રને સોંપતી હોય છે. આ પ્રકારની પ્રથાને રાજ્યશાસ્ત્રમાં અધિકાર-સોંપણી (delegation of powers) કહેવાય છે. ભારતીય સંસદે પણ આ પ્રથાને અનુસરીને આયકર અને અન્ય પ્રત્યક્ષ કરોની સરળ અને અસરકારક વસૂલાત કરવા માટે આયકર અધિનિયમ 1961 હેઠળ જોગવાઈ કરી છે. કેન્દ્રીય મહેસૂલ આવક અધિનિયમ 1963 હેઠળ પ્રત્યક્ષ કરવેરા બોર્ડની પુનર્રચના કરી છે. આયકર અધિનિયમના અનુચ્છેદ (section) 295 તેમજ તે જ અધિનિયમના અન્ય વિકીર્ણ (scattered) અનુચ્છેદો હેઠળ બોર્ડને આયકર અને અન્ય પ્રત્યક્ષ કરવેરાના નિયમો બનાવવા માટે અધિકાર આપેલો છે. બોર્ડે બનાવેલા નિયમો સંસદે ઘડેલા અધિનિયમો જેટલા જ પ્રભાવશાળી છે તેમ ઠરાવ્યું છે અને બોર્ડે બનાવેલા નિયમો અને/અથવા બહાર પાડેલી અધિસૂચનાઓ (notifications) સંસદનું જ્યારે સત્ર મળે ત્યારે તેની સમક્ષ પ્રસ્તુત કરવા તેવી જોગવાઈ કરેલી છે. બોર્ડે બનાવેલા આ નિયમો આયકર નિયમો 1962 તરીકે ઓળખાય છે.
બોર્ડને આપેલા વિવિધ અધિકારોમાં આવકોનું વર્ગીકરણ અને નિર્ધારણ; કુલ આવકનું ધંધાકીય અને કૃષિઆવકમાં આંશિક વિભાજન; બિનનિવાસી કરદાતાની ભારત બહારની આવકની ગણતરી; કરદાતાની આવક તેની કુલ આવકમાં ઉમેરવાના બદલે અન્ય કરદાતાની આવકમાં ઉમેરવાની જોગવાઈ; નિશ્ચિત પગાર ઉપરાંત મળતા અનુલાભ(perquisites)નું મૂલ્યાંકન; મકાન, યંત્રો, યંત્રસામગ્રી અને ફર્નિચરની ઘટતી જતી કિંમત(written down value)ના દર; ધંધાની આવકમાંથી મજરે આપવાપાત્ર ખર્ચની મર્યાદા, વ્યાવસાયિકો અને ધંધાદારીઓએ રાખવા માટેના હિસાબી ચોપડાની શરતો; મકાનભાડાની આવકમાંથી મજરે આપવાપાત્ર ખર્ચની મર્યાદા; પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) મેળવવા માટે અરજી કરવાનો સમય; ગૂંચવાડા ભરેલા હિસાબી ચોપડામાંથી જરૂરી માહિતી સુપ્રાપ્ય ન હોય તો અન્વેષક(auditor)નો હેવાલ મંગાવવા માટેનું પત્રક; સાહિત્ય અને કલાકૃતિની સામટી મળેલી આવકનું જુદાં જુદાં વર્ષોમાં વિભાજન; દ્વિકરભારપાત્ર આવકના વેરામાં રાહત; આવકવેરા પત્રકનું સ્વરૂપ; દસ્તાવેજો પ્રમાણિત કરવાની વિધિ; કરદાતાએ ભરેલા અથવા સરકારે પાછા આપેલા કર ઉપરના વ્યાજની ગણતરી; ટૅક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવા માટેની વિધિ; વાદીએ ભરવાના અપીલપત્રક અથવા પ્રતિવાદીએ ભરવાના વાંધાપત્રકનું સ્વરૂપ; નિર્ધારણ-અધિકારી સમક્ષ રજૂ કર્યા ન હોય તેવા પુરાવા આયુક્ત (અપીલ) સમક્ષ રજૂ કરવા માટેના સંજોગો; ફિલ્મ ઉત્પાદનમાં લાગેલા ચલચિત્ર તૈયાર કરવા માટે લીધેલા કુલ સમયની નિર્ધારણ-અધિકારી સમક્ષ રજૂ કરવાની વિગતો; વકીલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિવાયના અન્ય વ્યાવસાયિકોએ પોતાની આવકોની વિગત રાખવાનું પત્રક, કરદાતાને તેણે ભરેલા કર માટે આપવાનું સર્ટિફિકેટ વગેરે વિવિધ અધિકારોનો સમાવેશ થાય છે (અનુચ્છેદ 295). આ ઉપરાંત, વિકીર્ણ અધિકારોમાં બોર્ડને અધીન અધિકારીઓને લેખિત અથવા પરિપત્રથી સૂચનાઓ આપવાનો અધિકાર (અનુચ્છેદ 119); કરદાતાનો કેસ એક મુખ્ય આયુક્ત અથવા આયુક્ત હેઠળના નિર્ધારણ-અધિકારી પાસેથી અન્ય મુખ્ય આયુક્ત અથવા આયુક્ત હેઠળના નિર્ધારણ-અધિકારી સમક્ષ બદલવાનો અધિકાર (અનુચ્છેદ 127); બોર્ડને અધીન અધિકારીઓને આયકર-તપાસ અને જપ્તી(search and seizure)ની સત્તા આપવાનો અધિકાર (અનુચ્છેદ 132); જુદા જુદા અનુચ્છેદો હેઠળ કરવામાં આવેલી કરકપાતને સરકારી તિજોરીમાં જમા કરાવવાની સમયમર્યાદા નક્કી કરવાનો અધિકાર (અનુચ્છેદ 200); બોર્ડને અધીન અધિકારીઓએ આયકર અધિનિયમ હેઠળ કોઈ કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી લેવામાં વિલંબ કર્યો હોય તો તેવા વિલંબને દરગુજર કરવાનો અધિકાર (293 B) વગેરેનો સમાવેશ થાય છે.
જયન્તિલાલ પો. જાની