સેન્ટ્રલ પૉટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિમલા
January, 2008
સેન્ટ્રલ પૉટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિમલા : ભારતમાં આવેલી બટાટાની પાકસુધારણા સાથે સંકળાયેલી સંસ્થા. આ સંસ્થાની સ્થાપના પહેલાં પટણામાં કરવામાં આવી હતી, પરંતુ 1956માં આ સંસ્થાનું સિમલામાં સ્થાનાંતર કરવામાં આવ્યું હતું; કારણ કે પટણાનું પર્યાવરણ બટાટાના સંવર્ધન માટે પ્રતિકૂળ હતું. પટણામાં મોલોનો ઉપદ્રવ; ટૂંકો દિવસ અને ટૂંકો શિયાળો અનુકૂળ નહોતો. વળી, લાંબા દિવસો હોય તો બટાટાનાં પુષ્પો ઉપર સંકરણનો કાર્યક્રમ હાથ ધરી શકાય અને વધારે ઠંડીમાં બટાટાની જાતોને વાઇરસના રોગોથી મુક્ત રાખી શકાય તેમજ લાંબા સમય સુધી સંગ્રહી શકાય.
હેતુઓ : 1. નવી જાતો વિકસાવવી. 2. પાયાનું બીજ ઉત્પાદન કરવું. 3. બટાટાના પાયાના અને ગંભીર પ્રશ્નોનું નિરાકરણ કરવું. 4. બટાટાની વૈજ્ઞાનિકતા અને તાંત્રિકતા માટે દેશના મુખ્ય કેન્દ્ર તરીકે ફરજ બજાવવી. 5. દેશ અને વિદેશમાં બટાટાને લગતાં થતાં સંશોધનો અંગે સહકારાત્મક વલણ દાખવી દેશમાં બટાટાની ઉત્પાદકતા વધારવી. 6. જરૂર મુજબ તાલીમ આપવી. 7. બટાટાનું ઉત્પાદન વધારવા પરામર્શન પૂરું પાડવું.
1958થી શરૂ કરી આજ સુધી બટાટા-સુધારણા-યોજના હેઠળ 36 જેટલી સુધારેલી જાતો વિકસાવવામાં આવી છે; જેમાં 16 જાતો મોટે પાયે દેશનાં બટાટા ઉગાડતાં રાજ્યોમાં પ્રચલિત છે. તેઓ સપાટ જમીનો અને હિમાલય, દાર્જિલિંગ અને ઊટીની ટેકરીઓ ઉપરની જમીનો વાવણી માટે ઉપયોગમાં લે છે. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, બોલિવિયા, માડાગાસ્કર, નેપાળ, ફિલિપાઇન્સ અને શ્રીલંકા જેવા અન્ય દેશોએ પણ આ જાતો અપનાવી છે.
ઉત્તર ભારતનાં સપાટ મેદાનોમાં ઉગાડવામાં આવતી કેટલીક જાતોમાં કુફરી કિસાન, કુ. સફેદ, કુ. સિન્દૂરી, કુ. અલંકાર, કુ. ચમત્કાર, કુ. દેવા, કુ. બહાર, કુ. લાલિમા, કુ. સતલજ, કુ. અશોક, કુ. ચિપ્સોના-1, કુ. ચિપ્સોના-2, કુ. આનંદ; ઉચ્ચ સમતલ ભૂમિમાં કુ. કુબેર, કુ. ચંદ્રમુખી, કુ. બાદશાહ, કુ. જવાહર, કુ. પોખરાજ, કુ. સૂર્યા, કુ. પુષ્કર અને ટેકરીઓ પર ઉગાડવામાં આવતી જાતોમાં કુ. કુંદન, કુ. કુમાર, કુ. નીલા, કુ. જીવન, કુ. ખાસિગારો, કુ. નવીન, કુ. નીલમણિ, કુ. મુથુ, કુ. શેરપા, કુ. સ્વર્ણા, કુ. મેઘા, કુ. ગિરિરાજ વગેરેનો સમાવેશ થાય છે.
1966માં આ સંસ્થાનું ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (Indian Council of Agricultural Research – ICAR) સાથે સંકલન કરવામાં આવ્યું. હાલમાં આ સંસ્થાનાં આઠ વિભાગીય મથકો મોદીપુરમ્ (મેરઠ, ઉત્તરપ્રદેશ), જાલંધર (પંજાબ), પટણા (બિહાર), ગ્વાલિયર (મધ્યપ્રદેશ), રાજગુરુનગર (મહારાષ્ટ્ર), મુથોરાઈ (તામિલનાડુ), શિલોન્ગ (મેઘાલય) અને કુફી(હિમાચલ પ્રદેશ)માં સ્થાપવામાં આવ્યાં છે.
1971માં ICAR, નવી દિલ્હીએ બટાટાનાં 25 સમન્વિત (co-ordinated) કેન્દ્રો સ્થાપ્યાં; જેમાં સિમલાનો પણ સમાવેશ થાય છે. આ કેન્દ્રોમાં 2 બીજ-ઉત્પાદન કેન્દ્રો, 19 નિયમન-કેન્દ્રો અને 3 સ્વૈચ્છિક કેન્દ્રો છે.
1949-50માં ભારતનું બટાટાનું કુલ ઉત્પાદન 15 લાખ ટન 2 લાખ હેક્ટર વિસ્તારમાંથી પ્રાપ્ત થયું હતું. પચાસ વર્ષ પછી આ સંસ્થા અને તેની સાથે સંલગ્ન કેન્દ્રોના અવિરત પ્રયાસોથી બટાટાનું ઉત્પાદન 16ગણું, વિસ્તાર 6ગણો અને હેક્ટરે ઉત્પાદન 3ગણું વધ્યું છે. આજે ભારતે દુનિયામાં ઉત્પાદનની દૃષ્ટિએ ત્રીજો ક્રમ અને વિસ્તારની દૃષ્ટિએ ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
નારણભાઈ હરિભાઈ પટેલ
સુમનભાઈ એમ. ચૌધરી