સેન્કેઝિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક શોભન-પ્રજાતિ. તેની ઉદ્યાનોમાં ઉગાડવામાં આવતી એક જાતિ Sanchezia nobilis H. var. variegata છે. તે નાની સદાહરિત 1.5 મી. જેટલી ઊંચી ક્ષુપસ્વરૂપ વનસ્પતિ છે અને ઉદ્યાનોમાં મોટા વૃક્ષની નજીક કે બે વૃક્ષ વચ્ચે છાંયડામાં ઉગાડવામાં આવે છે. તેની શાખાઓ ચોરસ અને ગુલાબી-પીળી હોય છે. પર્ણો સાદાં, સંમુખ, અનુપપર્ણીય (exstipalate), મોટાં, લંબચોરસ-પ્રતિઅંડાકાર (oblong-obovate), 20-25 સેમી. લાંબાં, ચળકતી પીળી-સફેદ શિરાઓવાળાં, લીલાં, તલસ્થ ભાગેથી અણીવાળાં અને તેમની પર્ણકિનારી લહરદાર-દંતુર (sinuate-dentate) હોય છે. પુષ્પો ચકચકિત પીળા રંગનાં, અગ્રસ્થ કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે અને સપ્ટે.-નવે. દરમિયાન ઉત્પન્ન થાય છે. નિપત્રો (bracts) ચળકતા લાલ રંગનાં હોય છે. દલપુંજ પીળો અને દ્વિઓષ્ઠી (bilabiate) હોય છે.
આ વનસ્પતિનું મૂળવતન ઇક્વાડોર છે. છોડનું અવારનવાર કર્તન (pruning) કરવાથી તેની માપસર વૃદ્ધિ થાય છે અને પુષ્પો સારા પ્રમાણમાં બેસે છે. તેનું પ્રસર્જન કટકારોપણ (cutting) દ્વારા થાય છે. સામાન્ય કાળજીથી પણ આ છોડ ઊછરી જાય છે.
મ. ઝ. શાહ