સેનાનાયક ડૉન સ્ટીફન (જ. 1884, કોલંબો; અ. 1952) : શ્રીલંકાના રાજકારણી અને સૌપ્રથમ વડાપ્રધાન. કોલંબો ખાતે અભ્યાસ કર્યા બાદ પિતાની રબરની એસ્ટેટ પર કામ કર્યું. તે દરમિયાન રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા.
1922માં લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય બન્યા. 1923માં શ્રીલંકાની સહકારી સોસાયટી માટેનાં આંદોલનોનો આરંભ કર્યો. 1931માં ત્યાંની સ્ટેટ કાઉન્સિલમાં ચૂંટાયા અને 15 વર્ષ કૃષિમંત્રી રહ્યા. શ્રીલંકાના સ્વાતંત્ર્ય અંગેની મંત્રણાઓમાં ત્યાંની યુનાઇટેડ નૅશનલ પાર્ટીના નેતા તરીકે તેમણે પ્રમુખ ભૂમિકા અદા કરી હતી. 1948માં શ્રીલંકા સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું ત્યારે તેઓ તેના સૌપ્રથમ વડાપ્રધાન બન્યા. બૌદ્ધ ધર્મના ચુસ્ત અનુયાયી હોવા છતાં સિંહાલી તમિળ સંવાદિતાના હિમાયતી અને ગ્રામીણ વિકાસના આગ્રહી રહ્યા હતા.
રક્ષા મ. વ્યાસ