સેટર્ન પ્રમોચનયાન : અમેરિકાના અંતરીક્ષ કાર્યક્રમ અંતર્ગત માનવીના ચંદ્ર પરના ઉતરાણ અંગેની ‘ઍપોલો’ યોજના માટે વિકસાવવામાં આવેલાં બે કે ત્રણ તબક્કાવાળાં પ્રમોચક વાહનોની શ્રેણી. પહેલી શ્રેણીનું સેટર્ન-I બે તબક્કાવાળું હતું અને ઍપોલો અંતરીક્ષયાનના પરીક્ષણ માટેના પ્રાયોગિક નમૂના અને અન્ય માનવરહિત અંતરીક્ષયાનોને કક્ષામાં મૂકવા માટે વિકસાવવામાં આવ્યું હતું. તેનું પહેલું પ્રમોચન 27 ઑક્ટોબર, 1961ના રોજ કરવામાં આવ્યું હતું અને ત્યારપછી કરવામાં આવેલાં બીજાં નવ પ્રમોચનો પણ સફળ થયાં હતાં.
ત્રણ તબક્કાવાળું સેટર્ન-V પ્રમોચનવાહન ઍપોલો યોજના અંતર્ગત ચંદ્રયાત્રા માટે વિકસાવવામાં આવ્યું હતું. તેનું પહેલું ઉડ્ડયન નવેમ્બર 1967માં કરવામાં આવ્યું હતું. સેટર્ન-V પ્રમોચનવાહનની ઊંચાઈ 110.6 મીટર એટલે કે લગભગ ત્રીસ માળના ઊંચા મકાન જેટલી હતી. પ્રમોચન પહેલાં, પ્રોપેલન્ટ (ઈંધણ) સહિત તેનું કુલ વજન 2,700 ટન હતું. સેટર્ન-V રૉકેટ 104 ટન વજનના અંતરીક્ષયાનને પૃથ્વીની કક્ષામાં અને 45 ટનના અંતરીક્ષયાનને પૃથ્વીની પલાયન-કક્ષા(Escape orbit)માં મૂકવા માટે સક્ષમ હતું.
પરંતપ પાઠક