સેક્સ્ટન્ટ (sextant) : દરિયાઈ સફરમાં રાત્રે કોઈ પણ સમયે નિશ્ચિત તારાનો ઊર્ધ્વકોણ (elevation angle એટલે કે તે ક્ષિતિજની ઉપર કેટલા ખૂણે છે તે) માપવા માટેનું સાધન. જ્ઞાત તારાનો નિશ્ચિત સમયે ઊર્ધ્વકોણ માપીને જહાજનું સ્થાન નક્કી થઈ શકે. આ કારણે દરિયાઈ સફરમાં આ સાધન અત્યંત આવશ્યક હતું. (હવે તો global positioning system, ટૂંકમાં, GPS તરીકે ઓળખાતા, ઉપગ્રહના સંદેશા દ્વારા અત્યંત ચોકસાઈપૂર્વક સ્થાન દર્શાવતાં સાધનો વિકસાવાયાં છે.) આધુનિક સેક્સ્ટન્ટની રચના 1730માં લગભગ એક જ સમયે, એકમેકથી સ્વતંત્ર રીતે જ્હૉન હેડ્લી (John Hadley) નામના બ્રિટિશરે અને થૉમસ ગૉડફ્રે (Thomas Godfrey) નામના અમેરિકને કરી હતી. જોકે આ પહેલાં ટાઇકો બ્રાહે (Tycho Brahe) નામના વિખ્યાત ખગોળવિજ્ઞાની(1546-1601)એ તેની વેધશાળામાં ખગોળીય અવલોકનો માટે આ પ્રકારને મળતાં આવતાં સાધન વિકસાવ્યાં હતાં અને સેક્સ્ટન્ટ નામ તેને આભારી છે. જેમ 90°નો વર્તુળાકાર ચાપ ધરાવતા ખગોળીય સાધનને વૃત્તપાદ (quadrant) (વર્તુળનો ચોથો ભાગ) કહેવાય એમ વર્તુળાકાર ચાપના છઠ્ઠા ભાગને સેક્સ્ટન્ટ કહેવાયો.
વારાફરતી બે અરીસા દ્વારા પરાવર્તન મેળવીને ચાપ(arc)ના વ્યાપ કરતાં બેગણા ચાપમાં ખૂણો માપી શકાય તે તો ન્યૂટને 1700માં દર્શાવ્યું હતું; પરંતુ તેનો સેક્સ્ટન્ટની રચનામાં વ્યાવહારિક ઉપયોગ કરવાનું શ્રેય ગૉડફ્રે અને હેડ્લીને મળ્યું. સેક્સ્ટન્ટની રચના આકૃતિમાં દર્શાવેલ છે.
સેક્સ્ટન્ટની રચના
આ ઉપકરણમાં, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક 60° વ્યાપના અંકન કરેલ ચાપ પર ફરી શકે તેવો દર્શક હોય છે અને જે ધરી પર તે ફરતો હોય ત્યાં તેના પર એક અરીસો M2 લગાડેલ હોય છે, જે પણ દર્શકની સાથે જ ઘૂમે છે. આ અરીસાને Index mirror કહે છે. ચાપના એક છેડે નાનું દૂરબીન રાખેલું હોય છે અને સામા છેડા તરફ એક અર્ધપારદર્શક (semi-transparent) અરીસો સ્થિર રહે તેમ રાખેલો હોય છે. આ અરીસો, M, ક્ષિતિજસૂચક અરીસો (horizon mirror) કહેવાય છે. અર્ધપારદર્શક અને અર્ધપરાવર્તક હોવાથી દૂરબીનમાં જોતાં તેમાં અરીસાની પાછળનું દૃશ્ય અને M2 અરીસા દ્વારા પરાવર્તનનું પુન: પરાવર્તિત દૃશ્ય, બંને એકસાથે જોઈ શકાય.
સૌપ્રથમ દર્શકનો એવી રીતે ઘુમાવવામાં આવે છે કે જેથી M1 અને M2 અરીસાઓ સમાંતર બને. આ વખતે M1 પાછળ રહેલ સમુદ્રની સપાટી અને M2 દ્વારા પરાવર્તનમાં જણાતી સમુદ્રની સપાટી બંને એક સાથે દૂરબીનમાં જોઈ શકાય અને જ્યારે આ બંને ક્ષિતિજો મળી ગયેલી લાગે ત્યારે દર્શક જે અંક દર્શાવે છે તે ક્ષિતિજને અનુરૂપ અંક થશે. (આકૃતિમાં દર્શકનું સ્થાન ‘1’). હવે દર્શકનો ઘુમાવીને અરીસા M2ને એવા સ્થાને લઈ જવામાં આવે છે – કે M1માં પરાવર્તિત દૃશ્યમાં દેખાતો નિર્ધારિત તારો, તેની આરપાર દેખાતા દૃશ્યમાં બરાબર ક્ષિતિજ પર આવેલ જણાય. દર્શક આ વખતે ચાપ ઉપર સ્થાન ‘2’ પર આવેલ જણાશે. પરાવર્તનના નિયમો પરથી આસાનીથી તારવી શકાય કે દર્શકના સ્થાન ‘1’ અને ‘2’ વચ્ચેનો ખૂણો ‘q’ તારાના ઊર્ધ્વકોણ (elevation angle) e થી બરાબર અર્ધો થશે. આમ 60°ના ચાપ દ્વારા 120°ના વ્યાપ સુધીના ખૂણા માપી શકાય છે.
સેક્સ્ટન્ટના અન્ય પ્રકાર : સમુદ્રી સફરમાં વપરાતા સેક્સ્ટન્ટ (Nautical Sextant) ઉપરાંત હવાઈ જહાજમાં પણ સેક્સ્ટન્ટ વપરાય છે; પરંતુ આમાં સમુદ્રની સપાટી જેવી ક્ષિતિજ નહિ મળતી હોવાથી ‘કૃત્રિમ ક્ષિતિજ’ સર્જવાની તરકીબ વાપરવામાં આવે છે. એક સરળ તરકીબ તો Spirit levelમાં વપરાતા ‘પરપોટા’ જેવી રચના છે. આ ઉપરાંત લોલક (pendulum) અને જાયરોસ્કોપ (gyroscope) જેવી પદ્ધતિ વાપરીને પણ ‘કૃત્રિમ ક્ષિતિજ’ સર્જી શકાય. હવાઈ જહાજમાં વપરાતા સેક્સ્ટન્ટ સાથે પેરિસ્કોપ (periscope) જેવી રચના પણ સંલગ્ન હોય છે, જેથી કરીને આકાશમાં જોઈ શકાય.
ભૂમિ પર સર્વે (survey) માટે થિયૉડૉલાઇટ(theodolite)ના એક સરળ પર્યાય જેવા નાના સેક્સ્ટન્ટ (box sextant) પણ મળી શકે છે. આમાં પણ Spirit level દ્વારા ક્ષિતિજ નક્કી કરાય છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ