સેઈં-ગૉદેન્સ, ઑગસ્ટસ (Saint–Gaudens, Augustus) (જ. 1 માર્ચ, 1848, ડબ્લિન, આયર્લૅન્ડ; અ. 3 ઑગસ્ટ, 1907, કૉર્નિશ, યુનાઇટેડ સ્ટેટ્સ) : ઓગણીસમી સદીના અમેરિકાના અગ્રણી શિલ્પી. એમનાં શિલ્પ ભાવોદ્દીપન માટે જાણીતાં છે.
ઑગસ્ટસ સેઈં-ગૉદેન્સ
ફ્રેન્ચ પિતા અને આઇરિશ માતાનું સંતાન ઑગસ્ટસ સેઈં-ગૉદેન્સને શિશુ-અવસ્થામાં જ ન્યૂયૉર્ક નગરમાં લઈ ગયા. તેર વરસની ઉંમરે સેઈં-ગૉદેન્સે આજીવિકા માટે પથ્થર ફોડવાનું શરૂ કર્યું અને સાથે સાથે ચાર વરસ સુધી રાત્રિશાળામાં અભ્યાસ કર્યો. 1865થી 1866 સુધી એક વરસ માટે તેમણે ન્યૂયૉર્ક નગરની નૅશનલ એકૅડેમી ઑવ્ ડિઝાઇનમાં કલાનો અભ્યાસ કર્યો. 1867માં પૅરિસ જઈ કલા-મહાશાળા ઇકોલે દ બ્યુ આર્તે (Ecole des Beaux Arte) ખાતે કલાનો ત્રણ વરસ સુધી અભ્યાસ કર્યો. 1870ના અંતમાં તેમણે રોમ જઈ પ્રાચીન શિલ્પોની પથ્થરમાં અનુકૃતિઓ કંડારી અને સાથે સાથે પોતાની કલ્પનાથી મૌલિક શિલ્પો કંડારવાં પણ શરૂ કર્યાં. હવે તેમને ખ્યાતિ મળી.
1876માં સેઈં-ગૉદેન્સ ન્યૂયૉર્ક નગરમાં સ્થિર થયા. અહીં તેમણે ચિત્રકાર જૉન લા ફાર્જ તથા સ્થપતિઓ હેન્રી હોબ્સન રિચાડર્સન, સ્ટૅન્ફૉર્ડ વ્હાઇટ અને ચાર્લ્સ ફૉલન મેક્કિમ સાથે ઘનિષ્ઠ મિત્રતા સાધીને એક જૂથ રચ્યું.
1880માં ન્યૂયૉર્ક નગરના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં મૂકવા માટે સેઈં-ગૉદેન્સે ઍડ્મિરલ ફેરેગટનું સ્મારક-શિલ્પ ઘડ્યું. આ પછી તેઓ સ્મારકશિલ્પી તરીકે વધુ જાણીતા થયા. કૉર્નેલિયસ વૅન્ડર્બિલ્ટના રહેઠાણમાં ફાયર પ્લેસની બે બાજુએ મૂકવા માટે ચિત્રકાર લા ફાર્જના સહયોગમાં બે શિલ્પ કંડાર્યાં. એ પછી શિકાગોના લિંકન પાર્કમાં મૂકવા માટે અબ્રાહમ લિંકનનું સ્મારક-શિલ્પ કંડાર્યું. 1891માં વૉશિંગ્ટન ડી. સી.ના રૉક ક્રીક કબ્રસ્તાનમાં મૂકવા માટે શ્રીમતી હેન્રી આદમ્સનું શિલ્પ કંડાર્યું. આ શિલ્પને ઘણાં ચાહકો સેઈં-ગૉદેન્સની શ્રેષ્ઠ કૃતિ ગણે છે. આ શિલ્પના ચહેરા પર દેખાતા દર્દ પર ઘણા દર્શકો આફરીન છે, જેને લીધે એ ‘ગ્રીફ’ નામે જાણીતું બન્યું છે. 1897માં સેઈં-ગૉદેન્સે બૉસ્ટનમાં રૉબર્ટ જી. શૉ(Shaw)નું સ્મારક-શિલ્પ ઘડ્યું. અમેરિકાના ગૃહયુદ્ધમાં રૉબર્ટ જી. શૉ એક નિગ્રો રેજિમેન્ટના ર્ક્ધાલ હતા. આ શિલ્પને જોતાં ગતિનો આભાસ થાય છે.
સેઈં-ગૉદેન્સે ઘણા સિક્કા અને મેડલ પણ ઘડ્યા છે, જેમાં 1907ની આવૃત્તિના 20 અમેરિકન ડૉલરનો અને 10 અમેરિકન ડૉલરનો સમાવેશ થાય છે. તેમણે ઘડેલા સિક્કા પર રેનેસાં-મેડલનો પ્રભાવ જોવા મળે છે.
અમિતાભ મડિયા