સેંગર, માર્ગારેટ (લૂઇઝી) (જ. 1883, કૉર્નિગ, ન્યૂયૉર્ક સિટી; અ. 1966) : અમેરિકાનાં નામી સમાજસુધારક અને સંતતિ-નિયમન આંદોલનનાં સ્થાપક. તેમણે ક્લૅવરૅક કૉલેજ ખાતે શિક્ષણ લીધું અને પછી તાલીમ-પ્રાપ્ત નર્સ બન્યાં હતાં. ન્યૂયૉર્ક શહેરના ગરીબીવાળા વિસ્તારોમાં બાળમરણનું તથા પ્રસૂતિ પછી માતાઓનાં મરણનું ઊંચું પ્રમાણ જોઈને તેઓ ચોંકી ઊઠ્યાં અને તેથી તેમણે 1914માં ‘ધ વુમન રિબેલ’ નામક ઉદ્દામવાદી મહિલા-સામયિક શરૂ કર્યું. તેમાં ગર્ભનિરોધ વિશે સલાહસૂચનો આપવા માંડ્યાં. 1916માં તેમણે ન્યૂયૉર્ક શહેરમાં અમેરિકાનું પહેલવહેલું સંતતિ-નિયમન ક્લિનિક શરૂ કર્યું; પરંતુ તેમના પર જાહેરમાં ઉપદ્રવ (public nuisance) પેદા કરવાનો આરોપ મૂકી તેમને 30 દિવસની જેલની સજા કરવામાં આવી હતી.
વિશ્વપ્રવાસ ખેડી આવ્યા પછી તેમણે 1921માં ‘અમેરિકન બર્થ કન્ટ્રોલ લીગ’ની સ્થાપના કરી. તેમનાં વિવિધ પુસ્તકોમાં ‘વૉટ ઍવરી મધર શુડ નો’ (1917) તથા ‘માઇ ફાઇટ ફૉર બર્થ કન્ટ્રૉલ’ (1931) મુખ્ય છે.
મહેશ ચોકસી