સૅવુ (સમુદ્ર) : પૅસિફિક મહાસાગરના એક ભાગરૂપ ઇન્ડોનેશિયા (બહાસા) નજીક આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 9° 40´ દ. અ. અને 122° 00´ પૂ.રે.. તે લઘુ સુંદા ટાપુઓથી ઘેરાયેલો છે; ઉત્તર તરફ તે ફ્લોરેસ, સોલોર, લૉમ્બલેન, પાન્તાર અને ઍલોર ટાપુઓથી બનેલી આંતરિક, જ્વાળામુખીજન્ય બંદા દ્વીપચાપથી તથા દક્ષિણ તરફ સુંબા, રોતી, સૅવુ અને તિમોર ટાપુઓથી બનેલી બાહ્ય, બિનજ્વાળામુખીજન્ય દ્વીપચાપથી વીંટળાયેલો છે.
સૅવુ સમુદ્રની પહોળાઈ આશરે 650 કિમી. તથા જળવિસ્તાર 1,05,000 ચોકિમી. જેટલાં છે. તેની ઈશાન બાજુએ બંદા સમુદ્ર, વાયવ્ય તરફ સેલાતની સામુદ્રધુની મારફતે સુંબા સમુદ્ર, અગ્નિ તરફ તિમોર સમુદ્ર અને નૈર્ઋત્ય તરફ હિન્દી મહાસાગર આવેલા છે. તેનું સમુદ્રતળ ઉત્તરતરફી ઢાળ ધરાવતા અગાધ ઊંડાઈવાળા મેદાનથી બનેલું છે. આ તળ પર કોઈ સ્પષ્ટપણે તરી આવતા સમુત્પ્રપાતો (escarpments) કે ખાઈઓ નથી. તેની મહત્તમ ઊંડાઈ (3470 મીટર) પાન્તારથી દક્ષિણે રહેલી છે.
ગિરીશભાઈ પંડ્યા