સૅનિડિનાઇટ : ઓછી વિકૃતિ પામેલા અમુક પ્રકારના નિક્ષેપો પર થતી ઉચ્ચ કક્ષાની સંસર્ગવિકૃતિ તેમજ ઉષ્ણબાષ્પપ્રક્રિયા દ્વારા ઉદ્ભવતો ખડકજૂથ-પ્રકાર. મોટેભાગે આર્જિલાઇટ જેવા મૃણ્મય ખડક પ્રકારો જ્વાળામુખી-કંઠ(નળી)માં કે પ્રસ્ફુટન પામતા લાવામાં સામેલ થાય ત્યારે આ પ્રકારનો ખડક તૈયાર થાય છે. જર્મનીના પશ્ચિમ ભાગમાં આવેલા લાશર સરોવર-વિસ્તારમાં આવું ખડકજૂથ જોવા મળે છે. પી. એસ્કોલાએ અત્યંત ઊંચા તાપમાન અને નીચા દાબના સંજોગો હેઠળ ઉદભવતા આ પ્રકારના ખડકજૂથ માટે ‘સૅનિડિનાઇટ’ નામ આપેલું છે.
વિકૃતિમાં સામેલ થતાં અગાઉનું ખડકદ્રવ્ય ક્વાટર્ઝ, ફેલ્સ્પાર, કાયનાઇટ, સ્ટોરોલાઇટ અને ગાર્નેટ સહિતના ઍલ્યુમિના-સમૃદ્ધ શિસ્ટ જેવું હોય છે. કેટલાંક સ્થાનોમાં આવો ખડક તાપમાન હેઠળ પીગળી જઈ કાચદ્રવ્યમાં પણ ફેરવાઈ જાય છે; તો બીજાં કેટલાંક સ્થાનોમાં તે સંપૂર્ણપણે પુન:સ્ફટિકીકરણ પામે છે, જેમાં હાઇપરસ્થીન, કોર્ડિરાઇટ, કોરંડમ તેમજ એવાં અન્ય ખનિજો બને છે. ઉષ્ણબાષ્પપ્રક્રિયા થાય અને તેમાં સોડા અને અન્ય વાયુઓની હાજરી હોય તો સોડિયમ-સમૃદ્ધ સેનિડિનના મોટા કદના સ્ફટિકો તૈયાર થાય છે, તેમની સાથે ક્લોરાઇડ, કાર્બોનેટ અને સલ્ફેટધારક ખનિજો ઉપરાંત કૅન્ક્રિનાઇટ, નોસેલાઇટ, હૉયેન, સ્કૅપોલાઇટ, ઍપેટાઇટ અને કૅલ્સાઇટ જેવાં ખનિજો પણ તૈયાર થતાં હોય છે. ઘણા જ્વાળામુખીઓમાંથી બહાર ફેંકાતાં દ્રવ્યોમાં આ પ્રકારનાં ખનિજો જોવા મળેલાં છે; દા.ત., વિસુવિયસનો મૉંટ સોમા.
ગિરીશભાઈ પંડ્યા