સૅડલર્સ વેલ્સ થિયેટર : દક્ષિણ લંડનના જાણીતા થિયેટર ઓલ્ડવિકને સમાંતર ઉત્તર લંડનમાં આવેલું ઑપેરા અને બૅલે માટે સજ્જ પ્રખ્યાત થિયેટર. ત્રણ સૈકાનો એનો પ્રલંબ ઇતિહાસ છે, જેમાં અનેક તડકી-છાંયડી આ થિયેટરે જોઈ છે. 1683માં સૅડલર નામના સાહસિકે મનોરંજન માટે એક ઉદ્યાન બનાવ્યો, જ્યાં ગરમ પાણીનો ઝરો એને મળી આવ્યો હતો. એણે પોર્સર નામના એક નૃત્યનિર્દેશકની સહાયથી લાકડાના મંચ ઉપર ‘મ્યુઝિક હાઉસ’નો આરંભ કર્યો. પછી તો આ જગ્યા અનેક માલિકોને મળતી અને વેચાતી ગઈ અને દર વખતે થોડો થોડો વખત નાટક, સંગીત અને નૃત્યના કાર્યક્રમો માટે એનો ઉપયોગ થતો રહ્યો. ક્યારેક આગથી તો ક્યારેક મંદીથી અને છેલ્લે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બૉમ્બમારાથી આ થિયેટર થોડો થોડો વખત બંધ રહ્યું; પરંતુ કોઈ ને કોઈ કલારસિક એને મળતો રહ્યો જેણે એને પુનર્જીવિત કર્યાં કર્યું.
આ થિયેટરમાં શેક્સપિયરનાં નાટકો ખૂબ સફળતાથી ભજવાયાં છે અને કેટલાય જાણીતા નટ-દિગ્દર્શકોએ ત્યાં કામ કર્યું છે. છેલ્લે લિલિયન બેલીસે 1931માં શેક્સપિયરના ‘ટ્વેલ્ફથ નાઇટ’ નાટકથી એનું ફરીથી ઉદ્ઘાટન કર્યું. 1934થી તો આ સૅડલર્સ વેલ્સ થિયેટરની પોતાની એક નાટકમંડળી છે અને ત્યાં નિયમિત ઑપેરા અને બૅલે પ્રસ્તુત થાય છે. સવા ત્રણ સૈકાના પ્રલંબ ઇતિહાસ દરમિયાન અનેકોની ચડતી-પડતી થવા છતાં મૂળ માલિકનું નામ જાળવી રાખવાની ઇતિહાસદૃષ્ટિ ખૂબ નોંધપાત્ર છે. આ થિયેટરમાં અમદાવાદની દર્પણ સંસ્થાએ સફળ રીતે નૃત્યકાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે.
હસમુખ બારાડી