સૅક નેલી (જ. 10 ડિસેમ્બર 1891, બર્લિન, જર્મની; અ. 12 મે 1970, સ્ટૉકહોમ, સ્વીડન) : જર્મન-યહૂદી કવયિત્રી અને નાટ્યકાર. પૂરું નામ નેલી લિયૉની સૅક. યહૂદી લેખક સૅમ્યુએલ યૉસેફ ઍગ્નોન સાથે 1966ના સાહિત્ય માટેના નોબેલ પ્રાઇઝનાં વિજેતા. તેમની ઉત્કૃષ્ટ, ઊર્મિસભર અને નાટ્યમય ચિત્તવેધક શૈલીએ ઇઝરાયલના પ્રારબ્ધને હૃદયદ્રાવક બાનીમાં વર્ણવ્યું છે. સેંકડો વર્ષોથી યહૂદીઓ પર થયેલા જુલમ અને તીવ્ર શારીરિક તેમજ માનસિક પીડાને તેમણે હૃદયંગમ શૈલીમાં વ્યક્ત કરી છે. સૅકના મંતવ્ય મુજબ ઍગ્નોન ઇઝરાયલનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે પોતે યહૂદી પ્રજાની ઉદાત્ત શોકાન્તિક ઘટનાઓની રજૂઆત કરે છે.
બર્લિનના ટિયરગાર્ટન નામના ભદ્ર (‘posh’) વિસ્તારમાં રહેતા સૅકના પિતા એક મોટી ફૅક્ટરીના માલિક હતા. માત્ર સત્તર વર્ષની વયે નેલીએ કવિતા રચવાનું શરૂ કરી દીધેલું. સામયિકોમાં તેમની કવિતા છપાતી પણ નેલી તો નિજાનંદ ખાતર કવિતા લખતાં. પોતે સંગીત, નૃત્ય અને સાહિત્યનાં પણ અભ્યાસી હતાં.
નાઝીવાદના સંક્રમણ સાથે સૅકના જીવનમાં પણ જાણે અંધારપટ છવાઈ ગયો. હવે પ્રાચીન યહૂદી લખાણોમાં તેમને રસ પડવા માંડ્યો. 1940માં તેમને અણસાર આવી ગયો કે રખેને તેમને પણ નાઝીઓ દ્વારા ચલાવાતી ફરજિયાત મજૂરી કરવા માટેની શિબિર(concen-tration camp)માં રહેવાનું થાય. એટલે તેઓ જર્મનીમાંથી પોતાની માતા સાથે સ્વીડન ભાગી છૂટ્યાં. તેમના પરિવારનાં કેટલાંકવ્ કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં મારી નાંખવામાં આવેલાં. સ્વીડિશ નવલકથાકાર સૅલ્મા લાજરલાફની મદદથી સ્વીડનના રાજ-દરબારમાં તેમને રજૂ કરવામાં આવ્યાં. જોકે શરૂઆતમાં તેઓ એક ઓરડાના ઍપાર્ટમેન્ટમાં પોતાની માતા સાથે રહ્યાં. સ્વીડિશ ભાષાનો અભ્યાસ કરી કેટલીક જર્મન કવિતાનો અનુવાદ સ્વીડિશમાં કર્યો. 1950માં માતાનું અવસાન થયું. સૅકનાં ઊર્મિગીતો સાદી શૈલીમાં લખાયાં હતાં અને તેમનાં કલ્પનો પણ નજાકતથી ભર્યાં ભર્યાં હતાં. પ્રથમ નજરે સીધાં-સાદાં પણ ઊંડાણમાં વાંચતાં ગૂઢ અર્થવાળાં બનતાં હતાં. ‘ઑ ડાય સ્કૉર્નસ્ટાઇન’ (‘ઑ ધ ચિમનીઝ’) સુવિખ્યાત ઊર્મિકાવ્ય છે. આમાં ઇઝરાયલનું શરીર જાણે કે નાઝી-શિબિરમાંથી ઊઠતા ધુમાડાની જેમ ઊંચે ઊડી જતું લાગે છે. તેમનાં ઊર્મિકાવ્યોના અંગ્રેજી સંગ્રહમાં આ ઊર્મિગીત શીર્ષકકાવ્ય તરીકે મુકાયું છે.
સૅક નેલી
સૅકને ‘પીસ પ્રાઇઝ ઑવ્ જર્મન પબ્લિશર્સ’ મળ્યું હતું.
સૅકનું સૌથી જાણીતું નાટક ‘એલી’ (1951) (‘અ મિસ્ટરી પ્લે ઑવ્ ધ સફરિંગ્ઝ ઑવ્ ઇઝરાયલ’) યહૂદી પ્રજાની કમનસીબી અને યાતનાઓને નજર સમક્ષ મૂકતું એક રહસ્યનાટક છે. પંચોતેરમા વર્ષે તેમને નોબેલ પ્રાઇઝ એનાયત થયું તે પહેલાં 1965ના દ્રોસ્ત-હૂલ્શૉફ પ્રાઇઝથી નવાજવામાં આવ્યાં હતાં. 1965માં જર્મન બુક ટ્રેડનું પીસ પ્રાઇઝ પણ મળ્યું હતું. તેનો સ્વીકાર કરતી વખતે ભૂતકાળની પ્રચંડ યાતનાઓથી પોતે વાકેફ હોવા છતાં માણસજાતમાં તેમની શ્રદ્ધા અતૂટ રહેવાની વાતને તેઓ દૃઢતાથી વળગી રહેલાં. ‘વૉનન્જેન દે તૉડ્ઝ’(‘ઇન ધ હાઉસ ઑવ્ ડેથ’, 1947)માં તેમણે પોતાના સમયની યહૂદી પ્રજાની વેદનાને હૃદયંગમ શૈલીમાં રજૂ કરી છે. તેમની કવિતા આધુનિક શૈલીમાં રચાઈ છે. તેમાં સીધાં-સાદાં રૂપકો પ્રયોજાયાં છે. કોઈ કોઈ વાર તો તેમાં બાઇબલના જૂના કરાર(Old Testament)ની ભવિષ્યવાણીઓ જેવી પંક્તિઓ મળે છે. ‘સ્ટર્નવરડંકેલુન્ગ’ (‘એક-લિપ્સ ઑવ્ સ્ટાર્સ’, 1949), ‘ઉન્ડ નીમન્ડ વીઝ વીટર’ (‘ઍન્ડ નો વન નોઝ વ્હેર ટુ ગો’, 1957) અને ‘ફ્લચ્ટ ઍન્ડ વૅસ્વૉન્ડલંગ’ (‘ફ્લાઇટ ઍન્ડ મૅટામૉર્ફોસિસ’, 1959) તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. આમાં ઠેરઠેર યહૂદીઓને થયેલ વેદના-પીડા, જુલમ, દેશનિકાલ અને મૃત્યુની વાત આવે છે. આ બધું રૂપકની ભાષામાં અભિવ્યક્ત થાય છે. માણસ ક્રૂર પ્રારબ્ધથી બદ્ધ હોવા છતાં હજારો નિરાશામાં એક આશા છુપાયેલી હોય છે તેવી શ્રદ્ધા ધરાવતાં નેલીના સર્જનમાં ઘોર નિરાશા નથી. તેમનું પદ્યનાટક ‘ઍબી’ (1950) પશ્ચિમ જર્મનીમાં રેડિયો પર બ્રૉડકાસ્ટ થયેલું. નોબેલ પારિતોષિક મેળવ્યા બાદ સૅક સ્ટૉકહોમના નાનકડા ઍપાર્ટમેન્ટમાં રહીને લખવાનું કાર્ય કરતાં. સૅક આજન્મ કુંવારાં રહ્યાં. પાછળનાં વર્ષોમાં તેમને અતિશ્રમ કે માનવજાતની ચિંતાને લીધે માનસિક રોગના હુમલા સહજભાવે આવતા. જોકે તેમના અવસાનનું કારણ તેમને થયેલ કૅન્સર હતું. તેમનાં કાવ્યોમાં તારાઓ, ધૂળ અને રેતીનાં રૂપકો વારંવાર પ્રગટ થાય છે. ‘ઝીચેન ઇમ સૅન્ડ’(1962)નાં કાવ્યોમાં આ પ્રકારનાં પ્રતીકો યોજાયાં છે. તેમની ભાષા બાઇબલનાં સ્તોત્રોની યાદ અપાવે છે. તેમાં ભજનિકો અને પયગંબરોની વાણીનો અણસાર છે. નેલી સૅકની સંપૂર્ણ શ્રદ્ધા પૃથ્વી પર માનવજાતનો ક્યારેય અંત નહિ આવે તેવી રહી હતી.
વિ. પ્ર. ત્રિવેદી