સૅક્સની : મધ્ય જર્મનીના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 51° 00′ ઉ. અ. અને 13° 30′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 18,413 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.
આ રાજ્યમાં એર્ઝબર્ગ પર્વતમાળાની ઉત્તરે એલ્બ નદીનો મેદાની વિસ્તાર આવેલો છે. અહીંની મુખ્ય પેદાશોમાં વીજાણુ-સાધનો, કાપડ, વાહનો, યંત્રસામગ્રી, રસાયણો અને કોલસાનો સમાવેશ થાય છે.
792માં શાર્લમૅને આ વિસ્તાર જીતી લીધેલો. મધ્યયુગમાં સૅક્સની એક સમર્થ જર્મન જાગીર તરીકે આગળ આવ્યું અને વિકસ્યું. પંદરમી સદીમાં સૅક્સનીની જાગીરનો પૂર્વભાગ વેટ્ટિન પરિવારના શાસન હેઠળ આવેલો. તેમણે તેને સૅક્સની નામ આપેલું. 1697થી 1763 સુધી અહીંના શાસકો પોલૅન્ડના પણ રાજાઓ બનેલા.
રૉયલ ચર્ચ, સૅક્સની
1871માં તે જર્મન સામ્રાજ્ય સાથે જોડાયું. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) બાદ તેને પ્રજાસત્તાક રાજ્યનો દરજ્જો મળેલો. 1919થી 1945 સુધી તે જર્મન રાજ્ય રહેલું. બીજું વિશ્વયુદ્ધ (1939-1945) પૂરું થવાની સાથે છેવટે જર્મની શરણે આવ્યું; પરંતુ તે પછીથી સોવિયેત સંઘે તેનો કબજો મેળવી લીધેલો. 1949થી 1952 સુધી તે અગાઉના જર્મન લોકશાહી પ્રજાસત્તાકનું રાજ્ય રહેલું. 1952માં સૅક્સનીને રાજકીય એકમ તરીકે રદ કર્યું; તેને લાઇપઝિંગ, ડ્રેસ્ડન અને ચેમ્નિત્ઝ જિલ્લાઓમાં વહેંચી નાખ્યું. તે પછીથી ઑક્ટોબર, 1990માં થયેલા જર્મનીના એકીકરણ પછી સૅક્સની અખંડ જર્મનીના એક રાજ્ય તરીકે પુનર્નિર્માણ પામ્યું છે. વિકોઉ, લાઇપઝિગ, ચેમ્નિત્ઝ, ડ્રેસ્ડન અહીંનાં અગત્યનાં શહેરો છે. 1999 મુજબ તેની વસ્તી 44,59,000 જેટલી છે; વસ્તીગીચતા દર ચોકિમી. 242 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા