સૅંદ, જ્યૉર્જ (જ. 1 જુલાઈ 1804, પૅરિસ; અ. 8 જૂન 1876, નૉહા, ફ્રાન્સ) : ફ્રેન્ચ મહિલા નવલકથાકાર, નાટ્યકાર, પ્રવાસકથાકાર, પત્રકાર, પત્રલેખક અને આત્મવૃત્તાંતલેખિકા. મૂળ નામ આમૅન્તાઇન – ઑરોર-લુસિલ દુપિન બૅરોનેસ દુદેવા. પિતા મુરાતના એઇદ-દ-કૅમ્પ હતા. માતા પૅરિસમાં છેલ્લામાં છેલ્લી ઢબના સ્ત્રીપરિધાનનાં નિષ્ણાત હતાં. જ્યૉર્જ માતા અને દાદી વચ્ચેના કલહનું નિમિત્ત બન્યાં હતાં. જોકે બાળપણ તેમણે દાદીમા સાથે નોહા નામના ગામડામાં વિતાવેલું. 13મા વર્ષે, ત્રણ વર્ષ માટે પૅરિસની ‘કૉન્વેન્ટ ઑવ્ ધી ઇન્ગ્લિશ ઑગસ્તિનિયન્સ ઇન’માં રહેલા. આની અસર તળે તેમણે સાધ્વી બનવાનો પણ વિચાર કરેલો. આ વાત તેમની દાદીને સહેજ પણ મંજૂર ન હતી; એટલે તેમણે સૅંદને નોહામાં પરત બોલાવી લીધેલાં. આ અરસામાં તેમણે ચેતોબ્રિઆદ, બાયરન અને રૂસોનાં લખાણો વાંચ્યાં.
જ્યૉર્જ સૅંદ
પરિણામે પરંપરાગત કૅથલિક સંપ્રદાય માટે તેમની સહેજ પણ રુચિ ન રહી. 18 વર્ષે તેમને કેસિમિર દુદેવા નામના એક ગામઠી, તળપદા, બરછટ માણસ સાથે લગ્ન કરવું પડેલું. બંનેના સ્વભાવમાં આસમાન-જમીન જેટલો ફેર એટલે છૂટાં પડી ગયાં. ખાધાખોરાકીના થોડા પૈસા મેળવીને સદ પૅરિસ ચાલ્યાં ગયાં. ત્યાં તેમના જીવનની શૈલી પર કોઈ રોકટોક ન રહી. સામાજિક પ્રણાલિકાઓથી વિરુદ્ધ તેમની જીવનશૈલીએ લોકોમાં અચંબો ઉપજાવેલો. સિગારેટ પીવાનું અને પુરુષનાં વસ્ત્રો પરિધાન કરવાનું તેમણે શરૂ કર્યું. વીસમી સદીની પુરુષસમોવડી થવા મથતી નારીઓના કામ માટે તેઓ હરહંમેશ તત્પર રહેતાં. એક લેખક જુલે સૅંદો સાથે પરિચય થયો. બંનેએ સાથે મળી ‘રોઝ એત બ્લેન્ચ’ (1831) નવલકથા લખી. આના લેખક તરીકે ‘જુલે સૅંદ’ નામ રાખ્યું. પછી સ્વતંત્રપણે તેમણે ‘ઇન્દિયાના’ (1832) લખી. પછી આલ્ફ્રેડ દ મુસેત સાથે ઇટાલીનો પ્રવાસ કર્યો. પરિણામે ‘એલ એત લુઈ’ (1859) નવલકથા પણ લખી. તેમની અન્ય કૃતિઓમાં ‘વેલેન્તાઇન’ (1832) અને ‘લેલિયા’ (1833) નોંધપાત્ર છે. તેમાં સાંપ્રત સમાજમાં સહન કરતી સ્ત્રીઓની પરિસ્થિતિ અને તેની સામે બળવો પોકારતી વાણી છે. કોઈ પણ સ્ત્રીને પોતે જેને પણ પ્રેમ કરવા ઇચ્છે તેને પ્રેમ કરવાનો અધિકાર છે અને તેને પોતાનું સ્વતંત્ર જીવન જીવવાનો હક છે તેવી તેમની પ્રબળ માન્યતાને તેમણે પોતાના લખાણમાં હંમેશાં જોસ્સાપૂર્વક વ્યક્ત કરી છે. સામાજિક પ્રશ્નોને વાચા આપવા તેમણે ‘કોન્સૂલો’ (1842-43) જેવી નવલકથાઓ લખી. વર્ગભેદ ભૂલી જઈને, માણસોએ આંતરજાતીય લગ્ન કરવાં જોઈએ એવો તેમનો મત હતો. ‘ધ ડેવિલ્સ પૉન્ડ’ (1846), ‘ફ્રાન્સ્વાં ધ વૅફ’ (1848) અને ‘લિટલ ફાદેત’(1849)માં ફ્રાન્સના સમાજને તેમણે હૂબહૂ ચીતર્યો છે.
સેંત બવ, માઇકલ દ બૉર્જિસ, બાલ્ઝાક, ડુમા ધ એલ્ડર અને ફલૉબેર જેવા લેખકોના પરિચયમાં તેઓ આવેલાં. તેમના સમયમાં મોટા સર્જકોએ પણ સદનાં લખાણોને નવાજ્યાં હતાં. ‘અ ગ્રાન્ડમધર્સ ટેલ્સ’ (1873, 76) શીર્ષક તળે બે ગ્રંથોમાં તેમણે બાળકો માટેની વાર્તાઓ પ્રસિદ્ધ કરી હતી. ‘ધ સ્ટોરી ઑવ્ માય લાઇફ’ (1854-1855) તેમની આત્મકથા છે. જીવનનાં છેલ્લાં વર્ષો તેમણે તેમની વસાહતમાં ગાળ્યાં હતાં. ત્યાં તેમને અનેક લોકોનો આદર સાંપડ્યો હતો. તેમને ‘લા બોન દા દનોહા’ના પદથી બિરદાવવામાં આવ્યાં હતાં.
વિ. પ્ર. ત્રિવેદી