સૂ નહેર (Soo Canals)
January, 2008
સૂ નહેર (Soo Canals) : યુ.એસ.કૅનેડા સરહદ પરનાં સુપીરિયર અને હ્યુરોન સરોવરોને જોડતી, વહાણોને પસાર થવા માટેની નહેર. ભૌગોલિક સ્થાન : 46° 30´ 30´´ ઉ. અ. અને 84° 21´ 30´´ પ. રે.. આ નહેર મારફતે પૂર્વથી પશ્ચિમ તરફ અને પશ્ચિમથી પૂર્વ તરફ લોહધાતુખનિજો, અનાજ અને કોલસો તથા ખનિજતેલ અને પથ્થરો જેવા માલસામાનની 7.7 કરોડ મેટ્રિક ટન જેટલી વાર્ષિક હેરફેર થતી રહે છે. મધ્ય ડિસેમ્બરથી એપ્રિલની શરૂઆત સુધી અહીં બરફ જામી જાય છે.
સૂ નહેરનો નકશો
સુપીરિયર અને હ્યુરોન સરોવરો કુદરતી રીતે સેન્ટ મૅરી નદી દ્વારા જોડાયેલાં છે. જૂના વખતમાં અહીં તરાપા અને નૌકાઓ દ્વારા રુવાંટીની હેરફેર થતી રહેતી હતી. વહાણો દ્વારા હેરફેરની વધુ અનુકૂળતા રહે તે માટે 1798માં હડસન બે નામની કંપનીએ અહીં કૅનાલનું બાંધકામ પૂર્ણ કર્યું, તેમાં એક લૉક-સિસ્ટમની વ્યવસ્થા કરેલી, તેનાથી તરાપા અને સપાટ તળવાળી નૌકાઓ નદીના ઉપરવાસ તરફ જઈ શકતાં હતાં. 1812માં યુ.એસ. અને ગ્રેટ બ્રિટન વચ્ચે થયેલી લડાઈ દરમિયાન આ લૉક-સિસ્ટમનો નાશ થયેલો.
સૂ નહેર
1839 પછી અહીંના પ્રપાતોને છોડીને બાકીના ભાગમાંથી વહાણો પસાર થતાં હતાં. 1850માં અહીં રેલમાર્ગ પણ બાંધવામાં આવેલો છે. 19મી સદીના ઉત્તરાર્ધમાં લોખંડ અને તાંબાનાં ધાતુખનિજોને વહાણોમાં ચડાવવાનું કામ વધી ગયેલું, તેથી આ બે સરોવરો વચ્ચે જળમાર્ગવ્યવહાર થાય એવી નહેરની જરૂરિયાત જણાઈ. મિશિગન સરકારે 1855માં લૉકપદ્ધતિવાળી નહેર બાંધી. યુ.એસ. સરકારે તેનો વહીવટ 1881માં હાથમાં લીધો.
કૅનેડાએ 1895માં તેની નહેર પૂર્ણ કરી છે. ડેવિસ લૉક બંધાયું તે પહેલાં મોટાં જહાજો કૅનેડિયન નહેરનો ઉપયોગ કરતાં હતાં. 2 કિમી. લાંબી અને 46 મીટર પહોળી કૅનેડિયન નહેરને સૉલ્ટ સેન્ટ મૅરી નહેર પણ કહે છે. સેન્ટ મૅરી નદી ઉપર સૉલ્ટ સેન્ટ મૅરી ખાતેનો 3 કિમી. લાંબો આંતરરાષ્ટ્રીય પુલ અવરજવરની સુવિધા પૂરી પાડે છે.
અમેરિકી નહેરો (સેન્ટ મૅરી ધોધ નહેર અને લૉકપદ્ધતિ) 2.8 કિમી. જેટલી લાંબી છે. ડેવિસ લૉક 1914માં અને સબિન લૉક 1919માં ખુલ્લાં મુકાયાં છે. આ બંને ઉત્તર નહેર ભાગમાં આવેલાં છે. દક્ષિણ નહેર ભાગમાં મૅક આર્થર લૉક 1943માં અને ન્યૂ પોલૉક 1968માં ખુલ્લાં મુકાયાં છે. આ નવાં લૉક 34 મીટર પહોળાં છે. બધી જ અમેરિકી નહેરો પૈકી તે વધુ પહોળાઈ ધરાવે છે. તેમાંથી 30 મીટર પહોળાઈવાળાં અને 300 મીટર લાંબાં જહાજો પસાર થઈ શકે છે. 1962માં પોલૉક તૂટી જવાથી તેને દૂર કરી તેનું પુનર્નિમાંણ કરવામાં આવ્યું છે.
ગિરીશભાઈ પંડ્યા