સૂરત કૉંગ્રેસ અધિવેશન (1907) : 1907માં સૂરતમાં મળેલું કૉંગ્રેસનું ત્રેવીસમું ઐતિહાસિક અધિવેશન. આ અધિવેશન મળ્યું તે અગાઉના બનાવો વિશે જાણવું જરૂરી છે. દાદાભાઈ નવરોજીના પ્રમુખપદે મળેલા 1906ના કોલકાતા કૉંગ્રેસ અધિવેશનમાં વિદેશી માલનો બહિષ્કાર, સ્વદેશી, સ્વરાજ અને રાષ્ટ્રીય શિક્ષણ અંગેના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. તેને લીધે મવાળ અને જહાલ જૂથો વચ્ચે સમાધાન થયું, પરંતુ બંને વચ્ચેનો મતભેદ 1907ના વર્ષ દરમિયાન ચાલુ રહ્યો. તેનાથી જહાલ નેતાઓમાં એવી લાગણી પેદા થઈ કે મવાળવાદીઓ હવે પછીના અધિવેશનમાં તે ઠરાવો રદ કરાવશે. આ અનુમાન ગેરવાજબી ન હતું. 1907માં સૂરતમાં ભરાયેલી મુંબઈ પ્રાંતિક પરિષદમાં તથા રાયપુરમાં ભરાયેલી મધ્યપ્રાંત અને વરાડ પ્રાંતિક પરિષદમાં ઉપર્યુક્ત ઠરાવો મવાળવાદીઓએ લાવવા દીધા નહોતા. અલ્લાહાબાદમાં ભરાયેલી ઉત્તરપ્રદેશ પ્રાંતિક પરિષદમાં બહિષ્કારના સમર્થકો ગણાતા બસો પ્રતિનિધિઓને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. બંગાળના મિદનાપુરમાં 1907માં મળેલી જિલ્લા કૉંગ્રેસ પરિષદમાં બંને જૂથો વચ્ચેના તીવ્ર મતભેદને કારણે ધમાલ થઈ હતી; કારણ કે સભાના અધ્યક્ષે ‘સ્વરાજ’ વિશે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો.
એપ્રિલ, 1907માં અરવિંદ ઘોષે ‘વંદેમાતરમ્’ અખબારમાં લેખો લખીને તેમાં મવાળ નેતાઓ ઉપરનો રોષ આગઝરતી વાણીમાં વ્યક્ત કર્યો હતો. તેમણે કબૂલ કર્યું હતું કે તેઓ ‘કૉંગ્રેસનો કબજો લઈને તેને ક્રાંતિકારી પ્રવૃત્તિ માટેનું સાધન બનાવવા માગે છે.’
કોલકાતા અધિવેશનમાં નિર્ણય થયો હતો કે 1907માં કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન નાગપુરમાં ભરાશે. નાગપુરમાં સ્વાગત સમિતિની સભામાં પ્રમુખની ચૂંટણી માટે બે જૂથો વચ્ચે તીવ્ર મતભેદો થયા અને નાગપુરમાં મવાળવાદીઓએ અધિવેશન યોજવાની અશક્તિ દર્શાવી; તેથી મુંબઈમાં ફિરોજશાહ મહેતાના નિવાસસ્થાને મળેલી મહાસમિતિએ મવાળોની ઇચ્છા મુજબ અધિવેશનનું સ્થળ સૂરત રાખ્યું. આ સ્થળ બદલીને મવાળ જૂથને સલામતી કરી આપવામાં આવી. તેનાથી જહાલ જૂથના નેતાઓ એટલે રાષ્ટ્રવાદીઓ ગુસ્સે થયા.
સૂરતમાં સ્વાગત સમિતિની રચના થયા પછી, રાષ્ટ્રવાદીઓએ પ્રમુખપદ માટે લજપતરાયનું નામ સૂચવ્યું અને ગોખલેએ આ દરખાસ્તનો વિરોધ કર્યો. મવાળ નેતાઓએ રાસબિહારી ઘોષની પ્રમુખપદ માટે પસંદગી કરી. જહાલવાદીઓએ સભાત્યાગ કર્યો. સૂરત કૉંગ્રેસમાં ચર્ચા માટે લેવાના વિષયોની યાદીમાં સ્વરાજ, બહિષ્કાર, સ્વદેશી અને રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તેથી તેમની શંકા પાકી થઈ.
જહાલ નેતાઓને ભય હતો કે મવાળ નેતાઓ કોલકાતાના ઠરાવમાંથી અવશ્ય પીછેહઠ કરશે. વળી, તેઓ જાણતા હતા કે બહુમતી તેમની તરફેણમાં ન હોવાથી, મવાળવાદીઓ તેમનું ધાર્યું કરી જશે.
24મી ડિસેમ્બરના રોજ, સૂરતની ભાગોળે આવેલા હરિપુરમાં ઇન્ડિયન નૅશનલ કૉન્ફરન્સનું અધિવેશન અરવિંદ ઘોષના પ્રમુખપદે મળ્યું. તેમાં આશરે પાંચસો પ્રતિનિધિઓની હાજરીમાં નક્કી કરવામાં આવ્યું કે રાષ્ટ્રવાદીઓએ બંધારણીય માર્ગો દ્વારા કૉંગ્રેસને પીછેહઠ કરતી અટકાવવી જોઈએ. તે માટે જરૂર જણાય તો પ્રમુખની ચૂંટણીનો પણ વિરોધ કરવો.
લાલા લજપતરાયે સૂરત આવ્યા બાદ, બંને જૂથો વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કર્યા; પરંતુ ગોખલેએ તેમના સૂચનનો અસ્વીકાર કર્યો. 26મી ડિસેમ્બરની સવારે ટિળક, અરવિંદ ઘોષ, અમરાવતીના ખાપર્ડે વગેરે નેતાઓ સુરેન્દ્રનાથ બેનરજીને મળ્યા અને તેમને જણાવ્યું કે અગાઉના ઠરાવોમાં ફેરફાર નહિ કરવાની ખાતરી આપવામાં આવે તો પ્રમુખની ચૂંટણીનો વિરોધ પાછો ખેંચી લઈશું. ટિળકે સ્વાગત સમિતિના પ્રમુખ ત્રિભુવનદાસ માળવીને મળવા પ્રયાસ કર્યો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી.
26મી ડિસેમ્બરના રોજ બપોરે 2-30 વાગ્યે કૉંગ્રેસનું 23મું અધિવેશન મળ્યું. તેમાં આશરે 1600 પ્રતિનિધિઓ તથા દસ હજાર પ્રેક્ષકો હાજર હતા. સ્વાગત સમિતિના પ્રમુખ માળવીનું સંબોધન પૂરું થયા બાદ અંબાલાલ સાકરલાલ દેસાઈએ પ્રમુખપદ માટે ડૉ. રાસબિહારી ઘોષના નામની દરખાસ્ત મૂકી, ત્યારે સભાગૃહમાં ‘ના, ના’ એવા કેટલાક અવાજો થયા. સુરેન્દ્રનાથ બેનરજી દરખાસ્તને ટેકો આપવા ઊભા થયા ત્યારે પ્રતિનિધિઓના એક વિભાગમાં ધાંધલ શરૂ થઈ. સુરેન્દ્રનાથ મોટેથી બોલવા છતાં પ્રવચન કરી શક્યા નહિ. બધાને શાંત કરવાના માળવીના પ્રયાસો નિષ્ફળ ગયા અને તે દિવસની બેઠક બરખાસ્ત કરવામાં આવી.
તે દિવસે સાંજે જહાલવાદીઓએ સભા ભરીને પૂર્વસ્થિતિ જાળવી રાખવા મંત્રણા કરવાની દરખાસ્ત મૂકી, પરંતુ સફળતા મળી નહિ. તેથી ટિળકે 27મીએ પૂર્વસ્થિતિ જાળવવાની મવાળવાદીઓ પાસેથી ખાતરી મેળવવા પ્રયાસો કર્યા, પરંતુ સફળ થયા નહિ. છેવટે તેમણે સ્વાગત સમિતિના અધ્યક્ષ માળવીને ચિઠ્ઠી લખીને પ્રમુખની ચૂંટણીની દરખાસ્તને ટેકો અપાયા પછી, પોતાને દરખાસ્ત મૂકવા દેવાની વિનંતી કરી.
27મીના રોજ બપોરે એક વાગ્યે કૉંગ્રેસની બેઠક મળી; ત્યારે ટિળકની ચિઠ્ઠી એક સ્વયંસેવકે માળવીને આપી. માળવીએ તેને ધ્યાનમાં લીધા વિના આગલે દિવસે અટકેલા કામથી આગળ શરૂઆત કરી. સુરેન્દ્રનાથે પ્રમુખપદની દરખાસ્તને ટેકો આપ્યો અને મોતીલાલ નહેરુએ પણ ટેકો આપ્યો. પ્રતિનિધિઓમાંથી ‘આયે’, ‘આયે’ તથા થોડા લોકોમાંથી ‘ના’, ‘ના’ ના અવાજો થયા. અધ્યક્ષે દરખાસ્ત પસાર થયેલી જાહેર કરી અને ડૉ. ઘોષ સભાને સંબોધવા ઊભા થયા. આ વખતે ટિળક મંચ ઉપર ગયા અને કહ્યું કે તેમણે સ્વાગત સમિતિના અધ્યક્ષને અગાઉથી જણાવ્યું છે તે મુજબ તેમને દરખાસ્ત રજૂ કરવા દેવી જોઈએ. માળવીએ હવે ટિળક્ને જણાવ્યું કે, તેમની દરખાસ્ત ગેરકાયદેસર હતી; પરંતુ ટિળકે તે નિર્ણયનો અસ્વીકાર કરીને પ્રતિનિધિઓને સંબોધવાનો આગ્રહ સેવ્યો. આ દરમિયાન સભામંડપમાં ધમાલ થઈ અને પ્રમુખે તેમનું સંબોધન વાંચવાનો પ્રયાસ કર્યો. ટિળકે બૂમો પાડી કે તેમને દરખાસ્ત મૂકવા દેવી જોઈએ અને તેમ કરવામાં નહિ આવે તો તેઓ સભાનું કામ ચાલવા દેશે નહિ. ધમાલ વધી અને મવાળો તથા જહાલો એકબીજા સામે ઘણા મોટેથી બોલવા લાગ્યા. આ ધમાલમાં ખુરશીઓ ઊછળી, સભામંડપમાંથી એક જોડો ફેંકાયો, તે ફિરોજશાહ મહેતા અને સુરેન્દ્રનાથને વાગ્યો. મારામારી શરૂ થઈ. ટિળક્ને રક્ષણ આપીને બહાર લઈ જવામાં આવ્યા અને ધમાલ વધતી હોવાથી પ્રમુખે કૉંગ્રેસની બેઠક મુલતવી રાખી.
28 ડિસેમ્બરના રોજ સમાધાનના પ્રયાસરૂપે ટિળકે લેખિત ખાતરી આપી કે સ્વરાજ, સ્વદેશી, બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ વિશેના ગયા વર્ષના ઠરાવોને માન્ય રાખવામાં આવે અને ડૉ. ઘોષના પ્રવચનમાંના રાષ્ટ્રવાદી પક્ષની વિરુદ્ધના ફકરા દૂર કરવામાં આવે તો તેઓ પ્રમુખ તરીકે ડૉ. ઘોષની ચૂંટણીનો વિરોધ નહિ કરવા તથા બધું ભૂલીને માફ કરવા તૈયાર છે, પરંતુ સમાધાન થયું નહિ. તેથી બીજે દિવસે સભામંડપમાં મવાળવાદીઓનું સંમેલન મળ્યું. તેમાં જહાલવાદીઓને આવવા દીધા નહિ. સંમેલને કૉંગ્રેસનું બંધારણ ઘડવા એક સમિતિ નીમી. તે સમિતિએ ઘડેલા બંધારણ મુજબ જહાલવાદીઓને કૉંગ્રેસમાંથી દૂર કરવામાં આવ્યા.
સૂરતમાં કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું, તે કૉંગ્રેસના ઇતિહાસમાં અતિ મહત્ત્વની ઘટના છે. તે સાથે આ મહાન રાષ્ટ્રીય સંસ્થાનો પ્રથમ તબક્કો પૂરો થયો. સૂરતમાં આ કમનસીબ બનાવ બન્યો તે માટે કોઈ એક વ્યક્તિને અથવા પક્ષને દોષ દેવો તે અઘરું કાર્ય છે. જહાલવાદીઓને અગાઉના ઠરાવોની બાબતમાં જે ભય હતો, તે દૂર કરવા મવાળ નેતાઓએ કંઈ કર્યું નહિ. આ ભયને લીધે સર્વે મુસીબતો ઊભી થઈ, છતાં જહાલ નેતાઓને વિશ્વાસમાં લેવા બેઠકના સંચાલકોએ કંઈ કર્યું નહિ. ખુલ્લા અધિવેશનમાં રજૂ કરવાના ઠરાવો જહાલ નેતાઓને બતાવ્યા હોત તો સમાધાન થઈ શક્યું હોત. જાણીતા મવાળ નેતાઓેની મૌખિક ખાતરીથી ટિળક્ને સંતોષ થયો હોત કે કોલકાતાના ઠરાવોમાં ફેરફાર કરવામાં નહિ આવે.
સ્વાગત સમિતિના અધ્યક્ષ માળવીને ટિળકે દરખાસ્ત મૂકવા દેવાની માગણી કરી હતી. માળવીએ તેને ગેરકાયદેસર ગણી હોય તો તેની અગાઉથી જાણ કરવી જોઈએ. ટિળકે દરખાસ્ત મૂકવાની માગણી કરી તે બંધારણ વિરુદ્ધ ન હતું. ટિળક અને તેમનો પક્ષ કોલકાતાના ઠરાવોને અતિ મહત્ત્વના માનતા હતા અને તેમાં પીછેહઠ કરવામાં આવે તો બંધારણીય રીતે વિરોધ કરવામાં ન્યાયી હતા.
અધિવેશનનું સ્થળ કોઈ પણ મહત્ત્વના કારણ વિના બદલવામાં આવ્યું તે દર્શાવે છે કે મવાળ નેતાઓને અનુકૂળ થવા માટેનું જ તે એક પગલું હતું.
સરકાર નાખુશ થાય એવું કંઈ પણ કરવા મવાળનેતાઓ તૈયાર નહોતા. ગોખલેએ ઇંગ્લૅન્ડમાં હિંદી વજીર મૉર્લેની મુલાકાત લીધી ત્યારે, કોઈ પણ ખાતરી આપ્યા વિના મૉર્લેએ ગોખલેના મનમાં આશા જન્માવી હતી કે તે ઉદાર સુધારા આપશે. તેમણે મૉર્લે પર વિશ્વાસ રાખીને કૉંગ્રેસને જહાલ કાર્યક્રમ સ્વીકારવા દીધો નહિ. મવાળવાદીઓ અંગ્રેજ સરકાર પ્રત્યે વફાદારી પુરવાર કરવા ઇચ્છતા હતા. તેઓ સુધારાને તેમના જીવનનું મુખ્ય કાર્ય માનતા હતા. તેથી બહુમતીના જોરે તેમણે જહાલવાદીઓને કૉંગ્રેસમાંથી દૂર કર્યા હતા.
મવાળવાદીઓ દેશની બદલાતી જતી પરિસ્થિતિ તથા યુવાનોના અજંપાને પારખી શક્યા નહિ. જહાલવાદીઓ દેશની નાડ પારખી શક્યા. તેમણે યુવાનોની અભિલાષાને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો.
જયકુમાર ર. શુક્લ