સૂતીન કાઇમ (Soutine Chaim)
January, 2008
સૂતીન, કાઇમ (Soutine, Chaim) (જ. 1893, સ્મિલૉવિચ, બેલારુસ; અ. 9 ઑગસ્ટ 1943, પૅરિસ, ફ્રાન્સ) : રશિયન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. વિલ્નિયુસમાં કલાનો અભ્યાસ કર્યા પછી સૂતીન 1911માં પૅરિસ આવ્યા. અહીં ચિત્રકારો માર્ક શાગાલ અને મોદિલ્યાનીના સંપર્કને પ્રતાપે તેઓ અભિવ્યક્તિવાદી કલા તરફ આકર્ષાયા. કતલખાના અને પશુઓનાં મડદાં એ બે વિષયોને તેમણે વારંવાર આલેખ્યા.
કાઇમ સૂતીનનું એક આત્મચિત્ર
એમનાં એ ચિત્રોમાંથી જીવનની ક્ષણભંગુરતાનો સૂર નીકળે છે. એમનાં પાડોશીઓ એમના ઘર અને સ્ટુડિયોમાંથી સડતા માંસની વાસ આવતી રહેવાની ફરિયાદો કરતા. એમણે ચીતરેલાં જીવંત માનવોનાં વ્યક્તિચિત્રોમાં પણ અંગ-ઉપાંગો ગળી ગયેલાં, ખરી પડેલાં કે સડી ગયેલાં જોવા મળે છે. અસ્તિત્વવાદીઓ(existentialists)ને પણ તેમની કલામાંથી પ્રેરણા અને પ્રબોધ (wisdom) પ્રાપ્ત થયાં છે.
અમિતાભ મડિયા