સૂતશેખર રસ : આયુર્વેદની એક રસૌષધિ. આયુર્વેદીય ચિકિત્સા વિજ્ઞાનમાં અમ્લપિત્ત અને પિત્તજન્ય તમામ દર્દોમાં ‘સૂતશેખર રસ’ ખૂબ જ અકસીર અને ખૂબ જ પ્રચલિત ઔષધિ છે. તે સુવર્ણયુક્ત (મહા) અને સુવર્ણરહિત (લઘુ) એમ બે પ્રકારે બને છે.

(1) સુવર્ણ સૂતશેખર રસ(ભા. ભૈ. .)નાં દ્રવ્યો : શુદ્ધ પારદ, સુવર્ણભસ્મ, ફુલાવેલ ટંકણ, શુદ્ધ વછનાગ, સૂંઠ, મરી, લીંડીપીપર, ધતૂરાનાં શુદ્ધ બીજ, શુદ્ધ ગંધક, તામ્રભસ્મ, તેજપત્ર, એલચી, નાગકેસર, શંખભસ્મ, બીલાંનો ગર્ભ અને ષડકચૂરો – દરેક સમાન ભાગે લઈ, તેના ચૂર્ણમાં ભાંગરાનો રસ નાંખી ઘૂંટીને 1થી 2 રતીની ગોળીઓ બનાવી લેવાય છે. માત્રા : 1 ગોળી મધ અને ઘી સાથે સવાર-સાંજ. ગુણધર્મ : આ ઔષધિ અમ્લપિત્ત (ઍસિડિટી), પિત્તજ ઊલટી, શૂળ, દાહ, ચક્કર, 5 જાતનાં ગુલ્મ, 5 પ્રકારની ખાંસી, સંગ્રહણી, ત્રિદોષજ ઝાડા, (ગરમીનો) શ્ર્વાસ, મંદાગ્નિ, ઉગ્ર હેડકી, ઉદાવર્ત અને ટી. બી.(ક્ષય)નો નાશ કરે છે. હોજરી અને પક્વાશયના અનેક રોગ મટાડનારી આ ઔષધિ આંચકાનાશક, પિત્તશામક, વાતાનુલોમક, ક્ષોભનાશક, શ્લેષ્મકળાના સોજાનો નાશકર્તા, વ્રણનાશક તથા અમ્લપિત્તના દર્દમાં સર્વોત્તમ લાભપ્રદ છે.

(2) લઘુ સૂતશેખર રસ(. તં. સા.)નાં દ્રવ્યો : શુદ્ધ સોનાગેરુ 200 ગ્રામ અને સૂંઠ ચૂર્ણ 100 ગ્રામને ખરલમાં નાંખી તેમાં નાગરવેલના પાનનો રસ નાંખી, 3 દિન સુધી ખરલ કરીને 250 મિગ્રા.ની વટી કે ટેબ્લેટ બનાવી લેવાય છે. માત્રા 1થી 2 ગોળી દિનમાં 2થી 3 વાર સાકરવાળા દૂધ, ઘી-સાકર કે પાણી સાથે.

ઉપયોગ : આ લઘુ (સાદો) સૂતશેખર રસ પિત્તજન્ય તમામ દર્દો તથા ઉપદ્રવની સામાન્ય છતાં દિવ્ય ગુણવાળી તથા ફાયદાકારી ઔષધિ છે. અમ્લપિત્ત, પિત્તદોષ(ગરમી)થી પેદા થયેલ દાહ, ગાંડપણ, મસ્તક શૂળ, ખાટીતીખીકડવી ઊલટી, અનિદ્રા, પરસેવામાં દુર્ગંધ, ઊર્ધ્વ રક્તપિત્ત (રક્તસ્રાવ), નસકોરી ફૂટવી, મોં આવી જવું, ચક્કર, પેટમાં દર્દ, બેચેની, ભ્રમ, વધુ પરસેવો વગેરેમાં અકસીર છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા