સુસ્લૉવ, મિખાઇલ આંદ્રેવિચ (જ. 21 નવેમ્બર 1902, સોખોવસ્કોઈ, રશિયા; અ. 25 જાન્યુઆરી 1982, મૉસ્કો) : સોવિયેત સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા. ખેડૂત પિતાના પુત્ર તરીકે તેમણે રશિયન ક્રાંતિની ઊથલપાથલમાં ભાગ લીધો હતો. આ ઘટના દરમિયાન તેઓ યંગ કમ્યુનિસ્ટ લીગમાં અને પછી દેશમાં ચાલેલા આંતરવિગ્રહમાં જોડાયા. 1921માં 19 વર્ષની વયે તેઓ સામ્યવાદી પક્ષમાં જોડાયા.
મૉસ્કોમાં તેમને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવવાની તક સાંપડી અને પછી અર્થશાસ્ત્રના અભ્યાસ માટે પ્લેખેનૉવ યુનિવર્સિટી ઑવ્ ધ નૅશનલ ઇકૉનૉમી(1924-29)માં દાખલ થયેલા. ત્યારબાદ ઇકૉનૉમિક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધ રેડ પ્રોફેસર્સ, મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટી અને ઇન્ડસ્ટ્રિયલ-એકૅડેમી – એમ વિવિધ સ્થળે અધ્યાપનકાર્ય કર્યું.
સ્ટાલિનના જીવનકાળ દરમિયાન તેઓ રૂઢિચુસ્ત સ્ટાલિનવાદી રહ્યા અને પક્ષની જુદી જુદી હરોળમાં કામ કરી આગળ વધ્યા. તે સમયે અલૅસ અને યુક્રેઇન વિસ્તારોમાં સ્ટાલિન દ્વારા ‘સાફસૂફી’(વિરોધીઓનો કોઈ પણ ભોગે અંત લાવવો)ની કામગીરી ચાલતી હતી ત્યારે તેમણે 1931માં સૌપ્રથમ રાજકીય ભૂમિકા ભજવેલી. 1937ની ‘ગ્રેટ પર્જ’ (વિરોધીઓની કોઈ પણ ભોગે અંત લાવવાની સામ્યવાદી શૈલી) દરમિયાન તેઓ પક્ષમાં જાણીતા બન્યા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) સમયે કૉકેસસ વિસ્તારની વાંશિક લઘુમતીઓને દેશવટો અપાતો હતો તે કામગીરીના તેઓ નિરીક્ષક હતા. આ દરમિયાન 1941માં તેઓ પક્ષની કેન્દ્રીય સમિતિના સભ્ય રહ્યા. યુદ્ધ પછી 1944થી 46 લિથુઆનિયામાં સરકાર સાથે અસંમતિ દર્શાવનારાઓને સાઇબીરિયામાં મોકલી દેવાતા. આ કામગીરીની દેખરેખ રાખવા તેમણે સોવિયેત પૉલિટિકલ ડિરેક્ટર તરીકે ત્યાં કામ કર્યું હતું. 1949-50નાં વર્ષોમાં તેઓ સોવિયેત સામ્યવાદી પક્ષના મુખપત્ર ‘પ્રવદા’(સત્ય)ના સંપાદક રહ્યા. 1952માં તેઓ પક્ષની નીતિ ઘડનાર સૌથી શક્તિશાળી ઘટક પ્રૅસિડ્યુમના સભ્ય રહ્યા. 1953માં સ્ટાલિનના અવસાન બાદ તેમને આ પદ પરથી પડતા મૂકવામાં આવ્યા; જોકે 1955માં ફરીથી આ જ સ્થાને તેમને નિયુક્ત કરાયા. 1953થી 55ના અપવાદરૂપ વર્ષો સિવાય તેમણે પક્ષમાં અને શાસક જૂથમાં ઊંચા હોદ્દા ભોગવ્યા કર્યા. તેમને પક્ષના રૂઢિચુસ્ત છતાં પરિવર્તનશીલ સભ્ય તરીકે જોવામાં આવતા. ટીટોવાદ, યુરોકમ્યુનિઝમ અને અન્ય સામ્યવાદી સંપ્રદાયોના તેઓ ભારે ટીકાકાર હતા. આમ છતાં, કોઈ પણ સ્થિતિમાં લશ્કરી પગલાં ભરવા કરતાં તેઓ આકરા રાજકીય ઉકેલોના હિમાયતી હતા. અપવાદરૂપે ચેકોસ્લોવૅકિયા(1968)માં અને પોલૅન્ડ(1981-82)માં તેમણે આકરાં લશ્કરી પગલાંની હિમાયત કરી હતી.
1957માં નિકિતા ખ્રુશ્ર્ચૉવને સત્તા પર આવવામાં તેમણે મદદ કરેલી અને કહેવાતા પક્ષવિરોધી જૂથનું કાવતરું દબાવી દીધેલું; પરંતુ આ જ ખ્રુશ્ર્ચૉવ સામે તેમણે 1964માં સોવિયેત સામ્યવાદી પક્ષના રક્તવિહીન બળવાને સમર્થન પૂરું પાડી સક્રિય ભૂમિકા ભજવેલી. એથી ખ્રુશ્ર્ચૉવ પદભ્રષ્ટ થયેલા અને બ્રેઝનેવ સત્તા પર આરૂઢ થઈ શકેલા. તે પછી સોવિયેત સામ્યવાદી પક્ષ અને વિશ્વના અન્ય દેશોના સામ્યવાદી પક્ષો વચ્ચે આંતરપક્ષીય સંબંધો બાંધવાની કામગીરી પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આમ તેમણે જીવનના અંત સુધી સામ્યવાદી પક્ષ સાથે રહી વફાદારીભરી કામગીરી ચાલુ રાખી હતી.
રક્ષા મ. વ્યાસ