સુલોચના (જ. 1907, પુણે; અ. 1983) : અભિનેત્રી. મૂક ચલચિત્રોના સમયે અભિનેત્રી તરીકે અપાર સફળતા અને લોકપ્રિયતા હાંસલ કરનાર સુલોચના ઍંગ્લો-ઇન્ડિયન હતાં. તેમનું મૂળ નામ રુબી માયર્સ હતું. આજે જેને ‘સ્ટાર’ કહેવામાં આવે છે એવી જાહોજલાલી સુલોચના એ જમાનામાં ભોગવતાં. એ જમાનામાં ભલભલાં કલાકારોને ત્રણ આંકડામાં વેતન મળતું. સુલોચનાએ પણ પ્રારંભ તો મહિને સવા સો રૂપિયાના વેતનથી કર્યો હતો પણ થોડા જ સમયમાં તેમને મહિને એક હજાર રૂપિયા મળવા માંડ્યા હતા. સમય જતાં આ રકમ પાંચ હજાર રૂપિયાની થઈ હતી.
સુલોચના
સુલોચનાએ 1925માં અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ‘કોહિનૂર ફિલ્મ કંપની’ના નેજા હેઠળ દિગ્દર્શક મોહન ભવનાણીએ ‘વીરબાલા’ નામનું એક પોષાક ચિત્ર બનાવવાનું આયોજન કર્યું હતું. તેમાં નાયિકા તરીકે એક તદ્દન નવા ચહેરાને લેવાનું નક્કી કરાયું હતું. એ નવા ચહેરાની શોધ દરમિયાન તેમને રુબી માયર્સ મળી ગયાં. ભારતીય પ્રેક્ષકોને નામ પોતીકું લાગે તે માટે રુબીનું નામ સુલોચના પસંદ કરાયું હતું. પ્રથમ ચિત્ર ‘વીરબાલા’ સફળ થતાંની સાથે જ સુલોચના રાતોરાત ખ્યાતનામ થઈ ગયાં. તેમને લઈને અવનવાં ચિત્રો બનાવવાનું આયોજન થવા માંડ્યું. પરિણામે બીજે જ વર્ષે 1926માં સુલોચનાનાં એકસાથે નવ ચિત્રો પ્રદર્શિત થયાં. 1928-29માં દિગ્દર્શક આર. એસ. ચૌધરીની ત્રણ ફિલ્મો ‘માધુરી’, ‘અનારકલી’ અને ‘ઇન્દિરા એમ.એ.’ પણ ખૂબ સફળ રહી. એ જમાનામાં મોટરકાર ખરીદનારી સુલોચના પ્રથમ અભિનેત્રી હતાં. એવું પણ માનવામાં આવે છે કે ચલચિત્રની પ્રચારસામગ્રીમાં કલાકારોનાં નામ આપવાની પ્રથા પણ સુલોચનાએ શરૂ કરાવી હતી.
કોહિનૂર ફિલ્મ કંપનીનાં નવ ચિત્રોમાં કામ કર્યા બાદ સુલોચના ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીમાં જોડાયાં હતાં. તેમણે 15 વર્ષમાં લગભગ 50 ચિત્રોમાં કામ કર્યું હતું. 1927માં નિર્માણ પામેલા ‘વાઇલ્ડ કૅટ ઑવ્ બૉમ્બે’ ચિત્રમાં સુલોચનાએ આઠ વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. મૂક ચિત્રોમાં સફળ થયેલા કલાકારો સવાક ચિત્રોમાં મુદ્દલ ન ચાલ્યા હોય એવા ઘણા દાખલા છે. એનું મુખ્ય કારણ હતું પ્રભાવક સંવાદ અને અદાયગીનો અભાવ; પણ સુલોચનાને સવાક ચિત્રોમાં પણ વાંધો નહોતો આવ્યો. તેમનાં હિંદી ઉચ્ચારણોમાં અંગ્રેજીની છાંટ આવતી તેમ છતાં પ્રેક્ષકોએ તેમને સ્વીકાર્યાં હતાં. જોકે સવાક ચિત્રોમાં કામ કરતાં પહેલાં સુલોચના એક વર્ષ સુધી હિંદી શીખ્યાં હતાં.
સવાક ચિત્રોનો દોર શરૂ થયા બાદ સુલોચનાએ રુબી પિક્ચર્સ નામે પોતાની એક નિર્માણસંસ્થા શરૂ કરી હતી. તેના નેજા હેઠળ 1939માં ‘પ્રેમ કી જ્યોતિ’ ચિત્રનું નિર્માણ કર્યું હતું. આ ચિત્રમાં નાયિકા તરીકે તેમણે આખરી વાર અભિનય કર્યો હતો. આ ચિત્ર ખૂબ ખરાબ રીતે નિષ્ફળ જવાને કારણે તેમની મોટાભાગની સંપત્તિ વેચાઈ ગઈ હતી. એ પછી સમય જતાં તેમણે ચિત્રોમાં કામ કરવાનું જ બંધ કરી દીધું હતું. સુલોચનાના આખરી દિવસો આર્થિક સંકટમાં વીત્યા હતા. 1974માં તેમને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અપાયો હતો.
નોંધપાત્ર ચિત્રો : ‘વીરબાલા’ (1925), ‘ગર્લ મૅડ’ (પાગલ પ્રેમી), ‘મુમતાઝ મહલ’, ‘‘રા’કવાત’’, ‘સમ્રાટ શિલાદિત્ય’, ‘ટેલિફોન ગર્લ’, ‘ટાઇપિસ્ટ ગર્લ’, ‘વન્ડરિંગ ફૅન્ટમ’ (ભમતો ભૂત) (1926), ‘અલીબાબા અને ચાલીસ ચોર’, ‘કિક્સ ઑવ્ કિસ્મત’ (નસીબની લીલા), ‘ધ ડાન્સિંગ ગર્લ’, ‘ ધ મિશન ગર્લ’ (ક્રિશ્ચિયન કુમારી), ‘ધ નર્સ’ (દયાની દેવી), ‘વિલેજ ગર્લ’, ‘વાઇલ્ડ કૅટ ઑવ્ બૉમ્બે’ (1927); ‘અનારકલી’, ‘માધુરી’, ‘વેન્જિયન્સ’ (રાજતરંગ) (1928), ‘હીર રાંઝા’ (હૂર-એ-પંજાબ), ‘ઇન્દિરા બી.એ.’, ‘જ્વેલ ઑવ્ રાજપૂતાના’, ‘પંજાબ મેઇલ’, ‘સ્વૉર્ડ ટુ સ્વૉર્ડ’ (તલવાર કા ધની) (1929), ફાધર ઇન્ડિયા (અમારું હિન્દુસ્તાન), ‘સિક્રેટ ઓવ્ ધ નાઇટ’ (1930), ‘લવ ઇમ્મોર્ટલ’ (રાણી રૂપમતી), ‘ક્વીન ઑવ્ લવ’ (નૂર-એ-આલમ), ‘રેથ’ (ખુદા કી શાન) (1931).
હરસુખ થાનકી