સુલેમાન મસ્જિદ ઇસ્તંબુલ
January, 2008
સુલેમાન મસ્જિદ, ઇસ્તંબુલ : ઇસ્તંબુલની પ્રસિદ્ધ મસ્જિદ. 1550માં તેનું બાંધકામ શરૂ થયું. તેનો સ્થપતિ સિનાન હતો. તેણે આ મસ્જિદને પોતાનું પ્રથમ સુંદર બાંધકામ ગણાવ્યું છે. સુલેમાને તેના રહેઠાણનું સ્થળ એસ્કી-સરાઈ અને તેનો બગીચો આ મસ્જિદના બાંધકામની જગ્યા માટે ખાલી કર્યાં. બાંધકામ પૂરું થતાં સાત વર્ષ લાગ્યાં. મસ્જિદનો પ્રાર્થનાખંડ દક્ષિણની કબર તરફના ભાગ અને ઉત્તરના શાન (પ્રાંગણ) વચ્ચે આવેલો છે. મધ્યમાં આવેલી આ મસ્જિદની ફરતે મદરેસા અબ્બાસિદ મસ્જિદથી છૂટી છે. તેનો ઘુંમટ જમીનતળથી 53 મી. સુધી લંબાય છે, જ્યારે તેનો વ્યાસ 26.5 મી. છે. મસ્જિદની અંદરનો ભાગ સમચોરસ 570.6 મી. છે, જે 16 એકમમાં વિભક્ત છે. તે પૈકીના ચાર એકમ કેન્દ્રીય સમચોરસ રચે છે. મિહરાબ તરફની દીવાલમાં ઇબ્રાહીમકૃત રંગીન કાચકામ (stained glass) છે.
સ્નેહલ શાહ
અનુ. થૉમસ પરમાર